ઈરાનને ગુપ્ત માહિતી કે ડેટા આપનાર શિપિંગ કંપનીઓ પર અમેરિકાના પ્રતિબંધોની તલવાર Aug 25, 2026 નવી દિલ્હી,વૈશ્વિક ક્રૂડ ઓઈલ અને એલએનજી સપ્લાય ખોરવાવાની ભીતિપર્શિયન ગલ્ફ ખાતે આવેલા અત્યંત વ્યૂહાત્મક અને સંવેદનશીલ દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. યુએસ ટ્રેઝરી વિભાગના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ દ્વારા વિશ્વભરની શિપિંગ કંપનીઓ અને જહાજો માટે એક કડક આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, જે પણ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતી વખતે ઈરાની સંગઠનો કે સંસ્થાઓ સાથે કોઈપણ પ્રકારની માહિતી કે રૂટ સંબંધિત ડેટા શેર કરશે, તેને અમેરિકાના કડક આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. અમેરિકી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો જહાજો દ્વારા ઈરાનને માહિતી પૂરી પાડવામાં આવશે, તો ભલે તેમાં કોઈપણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ કે પેમેન્ટ ન થયું હોય, તો પણ શિપિંગ કંપનીઓ પર સેન્ક્શન્સ લાદવામાં આવશે.અમેરિકા અને ઈરાન વચ્ચેના આ દરિયાઈ ઘર્ષણને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ એ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ ઓઈલ ચોકપોઈન્ટ્સ પૈકી એક છે, જ્યાંથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) નો મોટો જથ્થો સપ્લાય થાય છે. આ કડક પ્રતિબંધો અને ચેતવણીઓના કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની અને ક્રૂડ ઓઈલના ભાવ ભડકવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી બાજુ, અમેરિકાના આ આર્થિક દબાણ સામે પ્રતિક્રિયા આપતા ઈરાને આ પગલાંને 'આર્થિક આતંકવાદ' તરીકે ગણાવ્યા છે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર અમેરિકી દખલગીરી સામે સખત વિરોધ નોંધાવ્યો છે. આગામી દિવસોમાં આ મામલો વધુ ઉગ્ર બને તેવી પૂરી સંભાવના છે. આ કડકાઈ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનને આ ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરતા અટકાવવાનો છે.ત્રણ મુખ્ય ઈરાની સંસ્થાઓ પર વોશિંગ્ટનની નજર અમેરિકાએ પોતાના આક્રમક વલણને વધુ તીવ્ર બનાવતા વિશેષરૂપે ત્રણ મુખ્ય ઈરાની સંસ્થાઓને પોતાના નિશાન પર લીધી છે. આ સૂચિમાં 'પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી', 'પર્શિયન ગલ્ફ મરીન ઇન્સ્યોરન્સ કંપની' અને 'હોર્મુઝસેફ મરીન સર્વિસિસ ઓથોરિટી' નો સમાવેશ થાય છે. વોશિંગ્ટનની આ કાર્યવાહી તેની વિશેષ 'ઇકોનોમિક પ્રેશર' ઝુંબેશનો એક ભાગ છે, જેનો મુખ્ય હેતુ ઈરાનની સૈન્ય અને દરિયાઈ ગતિવિધિઓને આર્થિક મોરચે એકલવાયા કરવાનું અને તેના વૈશ્વિક કારોબારને નિસ્તેજ કરવાનું છે. Previous Post Next Post