VGRC–2026 : સૌરાષ્ટ્ર–કચ્છમાં વિકાસ સાથે 6 લાખથી વધુ રોજગારીનો સુવર્ણ અવસર

VGRC–2026 : સૌરાષ્ટ્ર–કચ્છમાં વિકાસ સાથે 6 લાખથી વધુ રોજગારીનો સુવર્ણ અવસર

તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC–2026) એ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ઉદ્યોગ, વિકાસ અને રોજગારીના નવા દ્વાર ખોલી દીધા છે. કોન્ફરન્સ દરમિયાન 25 જેટલા વિવિધ સેક્ટરમાં કુલ 5,492 સમજૂતી કરારો થયા હતા, જેના દ્વારા અંદાજે 5.78 લાખ કરોડ રૂપિયાનું રોકાણ અને 6 લાખથી વધુ નવી રોજગારીનું સર્જન થવાની સંભાવના છે.

રાજકોટનું ઓટો એન્જિનિયરિંગ, મોરબીનું સિરામિક ઉદ્યોગ, જામનગરનું પેટ્રોકેમિકલ હબ, કચ્છમાં રિન્યુએબલ એનર્જી તેમજ વેરાવળ, જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં આનુષંગિક ઉદ્યોગોના વિસ્તરણ સાથે વિવિધ પ્રકારની રોજગારી ઉભી થવાની છે. ખાસ કરીને ટેક્નોલોજી આધારિત ઉદ્યોગોમાં સ્કિલ્ડ મેનપાવરની માંગ નોંધપાત્ર રીતે વધશે.

રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી લાડાણી જણાવે છે કે, આજના સમયમાં તમામ સેક્ટર ટેક્નોલોજી ડ્રિવન બની રહ્યા છે. ઓટોમાઇઝેશન અને રોબોટિક્સના વધતા ઉપયોગને કારણે પરંપરાગત લેબર વર્કમાં ઘટાડો થયો છે, જ્યારે ટ્રેન્ડ અને સ્કિલ્ડ કર્મચારીઓની જરૂરિયાત વધી છે. એમ.એસ.એમ.ઈ. સેક્ટરમાં જ અંદાજે 50 હજારથી વધુ રોજગારી ઉપલબ્ધ બનશે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આઈ.ટી.આઈ.ના સ્કિલ આધારિત કોર્સ કરેલા વિદ્યાર્થીઓ માટે વિશાળ તકો ઊભી થઈ છે.
 


ઓટો, મશીન ટૂલ્સ, પ્લાસ્ટિક અને કિચનવેર ઉદ્યોગોમાં CNC મશીનોના વધતા ઉપયોગને કારણે ઓટોકેડ ડિઝાઇનર, CNC ઓપરેટર અને ટેક્નિકલ સ્ટાફની માંગ વધી છે. તેમજ જેમ્સ એન્ડ જવેલરી સેક્ટરમાં પણ કુશળ જ્વેલરી ડિઝાઇનરો માટે મોટી તકો ઉપલબ્ધ થશે.

રાજકોટ કાસ્ટિંગ અને ઓટો એન્જિનિયરિંગનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીં બનેલા પ્રિસિઝન પાર્ટ્સની દેશ-વિદેશમાં માંગ છે. એસોસિએશનના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પાંચાણી જણાવે છે કે, રાજકોટ સહિત અન્ય શહેરોમાં અનેક ઉદ્યોગો હવે સેમી કે ફૂલી ઓટોમેટિક બની રહ્યા છે. એસેમ્બલી લાઇન અને રોબોટ્સના ઉપયોગથી ઉત્પાદન ક્ષમતા વધે છે, જેના કારણે મેન્યુફેક્ચરિંગ ઓટોમાઇઝેશનમાં નિષ્ણાત યુવાનોની માંગ વધતી જાય છે.

શ્રી નરેન્દ્રભાઈ વધુમાં જણાવે છે કે, હવે યુનિવર્સિટીઓ અને ઉદ્યોગો વચ્ચે ઇન્ડસ્ટ્રી–એકેડેમિયા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ઉદ્યોગોની માંગ અનુસાર કોર્સ, ટ્રેનિંગ અને ઇન્ક્યુબેશન સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

જામનગર એશિયાના અગ્રણી ઓઇલ, ગેસ અને પેટ્રોકેમિકલ હબ તરીકે ઓળખાય છે. જ્યારે કચ્છમાં રિન્યુએબલ એનર્જી ઉદ્યોગોના વિકાસ સાથે આવનારા સમયમાં 2 લાખથી વધુ રોજગારીનું સર્જન થવાની શક્યતા છે. અહીં કમ્પ્રેસર, બોઇલર અને ટર્બાઇન ઓપરેટર, ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર, કેમિકલ તથા લેબ ટેક્નિશિયન જેવા સ્કિલ ધરાવતા કર્મચારીઓની વિશેષ જરૂરિયાત રહેશે.
 

મુન્દ્રા અને કંડલા પોર્ટ સહિત કચ્છના પોર્ટ ડેવલપમેન્ટ માટે થયેલા કરારો મુજબ અંદાજે 2.89 લાખ નવી રોજગારી ઊભી થશે. સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ ઉપરાંત મરીન, પોર્ટ ઓપરેટર, કાર્ગો હેન્ડલિંગ, શીપિંગ, લોજિસ્ટિક્સ, સેફટી એન્જિનિયર અને વહીવટી કામગીરી માટે કોમર્સ બેકગ્રાઉન્ડ ધરાવતા યુવાનોને પણ વિશાળ રોજગારી મળશે.

સ્માર્ટ સિટી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રમાં પણ 11 હજારથી વધુ રોજગારીની તકો ઊભી થશે. સિવિલ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર, પ્રોજેક્ટ મેનેજર, સાઇટ સુપરવાઇઝર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, સેનિટેશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા વિભાગોમાં સ્કિલ્ડ મેનપાવરની જરૂર રહેશે.

ફાસ્ટ ગ્રોઇંગ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ 10 હજારથી વધુ રોજગારી સર્જાશે. આઈ.ટી. ક્ષેત્રે સોફ્ટવેર અને વેબ ડેવલપમેન્ટ માટે આઉટસોર્સિંગ વધતા IT પ્રોફેશનલ્સની માંગ વધશે. સાથે સાથે બાયોટેકનોલોજી ઉભરતો ક્ષેત્ર બનતાં MSc અને B.Tech બાયોટેક વિદ્યાર્થીઓ માટે પણ વિશાળ સ્કોપ રહેશે, એમ શ્રી દક્ષાબેન સખીયા જણાવે છે.

રાજકોટ આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ શ્રી સાગરભાઈ રાડિયા જણાવે છે કે, આઈ.ટી.આઈ. દ્વારા ચલાવવામાં આવતા 27 જેટલા કોર્સમાં તાલીમ મેળવનારા વિદ્યાર્થીઓ માટે હાલ તેમજ ભવિષ્યમાં પણ નોકરીની ઉત્તમ તકો રહેશે. ઇલેક્ટ્રિશિયન, ફિટર, વેલ્ડર, વાયરમેન, મશીનિસ્ટ, ટર્નર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, COPA, ડ્રાફ્ટ્સમેન અને કેમિકલ પ્લાન્ટ એટેન્ડન્ટ જેવા ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે, જેમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ પણ સામેલ છે.

ટેક્નિકલ ક્ષેત્રની સાથે સાથે દરેક ઉદ્યોગમાં બિઝનેસ મેનેજમેન્ટ અને માર્કેટિંગનું મહત્વ પણ વધી રહ્યું છે. મેનેજર, સુપરવાઇઝર, એકાઉન્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને માર્કેટિંગ સ્કિલ ધરાવતા યુવાનો માટે પણ વિશાળ રોજગારી ઉપલબ્ધ બનશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ ખાતે ખુલ્લી મુકેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સૌરાષ્ટ્ર કચ્છ માત્ર ઉદ્યોગ અને વેપાર નહીં, પરંતુ યુવા પેઢી માટે રોજગારીનો એક સુવર્ણ અવસર બની રહેશે તે નિશ્ચિત છે.

 

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ