વડોદરાનો યુવા સ્નૂકર ખેલાડી પાર્થ નીતિન શાહ ગુજરાત સ્ટેટ જુનિયર સ્નૂકર ચેમ્પિયન, મુખ્યમંત્રીએ પ્રશસ્તિપત્ર પાઠવી અભિનંદન વ્યક્ત કર્યા Dec 15, 2025 વડોદરા શહેર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. શહેરના પ્રતિભાશાળી અને યુવા સ્નૂકર ખેલાડી પાર્થ નીતિન શાહએ સુરત જીમખાના ખાતે યોજાયેલી જુનિયર સ્નૂકર ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ 2025માં પોતાની અસાધારણ રમત કળા, સંયમ અને વ્યૂહાત્મક કુશળતાના દમ પર તમામ પ્રતિસ્પર્ધીઓને પરાજય આપી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. આ નોંધપાત્ર સિદ્ધિ બદલ રાજ્યના મુખ્યમંત્રીએ પાર્થને પ્રશસ્તિપત્ર મારફત અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે.પાર્થ શાહની આ સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ વડોદરા તેમજ સમગ્ર ગુજરાતના યુવા ખેલાડીઓ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની છે. નાની ઉંમરમાં જ રાજ્યસ્તરની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને તેણે પોતાના ભવિષ્યના ઉજ્જવળ સંકેતો આપી દીધા છે. સુરત જીમખાનામાં દમદાર પ્રદર્શનતાજેતરમાં સુરત જીમખાના ખાતે યોજાયેલી જુનિયર સ્નૂકર ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના વિવિધ શહેરોમાંથી કુલ 16 પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. તમામ ખેલાડીઓ વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી, પરંતુ વડોદરાના 19 વર્ષીય પાર્થ શાહે શરૂઆતથી જ દમદાર અને આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન કર્યું.ટુર્નામેન્ટના દરેક રાઉન્ડમાં પાર્થએ પોતાના અનુભવ, શાંતિપૂર્ણ મનોદશા અને ટેકનિકલ કુશળતાથી પ્રતિસ્પર્ધીઓને હરાવ્યા. ફાઇનલ મુકાબલામાં પણ તેણે દબાણમાં શાંતિ જાળવી, ચોકસાઈભર્યા શોટ્સ અને વ્યૂહાત્મક રમતમાં વિજય મેળવીને ગુજરાત સ્ટેટ જુનિયર સ્નૂકર ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો. મુખ્યમંત્રીએ પ્રશસ્તિપત્ર પાઠવી પ્રશંસા વ્યક્ત કરીપાર્થ શાહની આ સિદ્ધિને માન આપતા રાજ્યના મુખ્યમંત્રીએ તેને પ્રશસ્તિપત્ર પાઠવી અભિનંદન વ્યક્ત કર્યા. મુખ્યમંત્રીએ પત્રમાં જણાવ્યું હતું કે, રમતગમતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2010થી “ખેલ મહાકુંભ”ની પરંપરા શરૂ કરી હતી, જેના પરિણામે રાજ્યના અનેક ખેલાડીઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળી છે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન રાજ્ય સરકાર પણ આ પરંપરાને સમર્પિત ભાવના સાથે આગળ ધપાવી રહી છે, જેથી ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ સ્થાપી શકે. “ગુજરાત સ્ટેટ ચેમ્પિયનનો ખિતાબ સરાહનીય” – મુખ્યમંત્રીમુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં પાર્થના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે, સુરત ખાતે યોજાયેલી રાજ્યસ્તરીય સ્પર્ધામાં આપના કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપનો ખિતાબ પ્રાપ્ત કરવો અત્યંત સરાહનીય છે. આ સાથે તેમણે પાર્થને આવનારા સમયમાં પણ આવી જ પ્રતિભા, પરિશ્રમ અને લગન સાથે આગળ વધતા રહેવાની શુભકામનાઓ પાઠવી હતી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખપાર્થ શાહની સિદ્ધિઓ માત્ર રાજ્ય સુધી સીમિત નથી. હાલ તે સબ-જુનિયર રાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતનો નંબર 3 ખેલાડી છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે વર્લ્ડ સ્નૂકર ટુર્નામેન્ટ્સમાં દેશનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યો છે, જે તેના કૌશલ્ય અને મહેનતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.ખાસ વાત એ છે કે, પાર્થએ વર્ષ 2025માં ગુજરાત રાજ્ય સિનિયર ક્વોલિફાઇંગ સ્નૂકર ટુર્નામેન્ટ પણ જીતેલી છે, જે દર્શાવે છે કે તે જુનિયર કેટેગરીની બહાર પણ મજબૂત સ્પર્ધક તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યો છે. યુવા ખેલાડીઓ માટે પ્રેરણાપાર્થ નીતિન શાહની આ સિદ્ધિ રાજ્યના અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક બની છે. શિસ્ત, સતત અભ્યાસ, માનસિક મજબૂતી અને રમત પ્રત્યેની સમર્પિત ભાવના દ્વારા કેવી રીતે સફળતા મેળવી શકાય તે પાર્થએ પોતાના પ્રદર્શનથી સાબિત કર્યું છે.વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહે ગુજરાત સ્ટેટ જુનિયર સ્નૂકર ચેમ્પિયનશિપ 2025 જીતવી એ માત્ર એક ટ્રોફી નથી, પરંતુ ગુજરાતના રમતગમત ક્ષેત્રની ઉજ્જવળ ભવિષ્યની આશા છે. મુખ્યમંત્રીએ પ્રશસ્તિપત્ર મારફત આપેલી શુભેચ્છાઓ તેની મહેનતને સત્તાવાર માન્યતા આપે છે. આવનારા સમયમાં પાર્થ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરી રાજ્ય અને દેશનું નામ રોશન કરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. Previous Post Next Post