સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો: ભજન-ભોજન-ભક્તિનો મહોત્સવ, હજારો લોકો ઉમટી પડશે Nov 27, 2025 સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક નકશા પર અનોખી છાપ ધરાવતો સોમનાથનો કાર્તિકી પૂર્ણિમા મેળો દર વર્ષે ભક્તિ, આધ્યાત્મ, મનોરંજન અને લોકજીવનનો જીવંત મેળવો બનીને ઊભરો છે. 1955થી શરૂ થયેલી આ પરંપરા આજે પણ એટલી જ ભવ્યતા, ઉત્સાહ અને શ્રદ્ધાથી મનાવવામાં આવે છે. આ વર્ષે વરસાદી પરિસ્થિતિને કારણે મેળાની તારીખોમાં થોડો ફેરફાર કરીને તેને 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ખાસ આયોજન સાથે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રભાસપાટણમાં આવેલ સદ્દભાવના ગ્રાઉન્ડ પર હજારો લોકોની હાજરી વચ્ચે ભજન, ભોજન અને ભક્તિનું આ મહોત્સવમય વાતાવરણ સૌરાષ્ટ્રની સંસ્કૃતિને જીવંત બનાવે છે.મેળાના પ્રથમ દિવસે સાંજે 5 વાગ્યે જુનાગઢ રેન્જના આઇ.જી નિલેશકુમાર ઝાઝડિયા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. સોમનાથ મહાદેવના પ્રભાસ ક્ષેત્રમાં યોજાતો આ મેળો જેટલો ધાર્મિક છે, એટલો જ લોકજીવનનો રંગતાવાળો પણ છે. કાર્તિકી પૂર્ણિમાની રાતે સોમનાથ મંદિર પરિસરમાં ઉજવાતી દીપ પ્રજ્વલન, નદી કિનારે થતી દર્શન-પૂજા અને ભક્તોની ભક્તિથી ભરપુર ભીડ સમગ્ર વિસ્તારને પવિત્રતાની ભાવનાથી સરાબોર કરી દે છે.આ વર્ષે મેળામાં ખાસ કરીને બાળકો અને યુવાઓને ધ્યાનમાં રાખીને મનોરંજનની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. 50 થી વધુ આધુનિક અને સલામત રાઇડ્સ, 200 જેટલા ખાણીપીણીના સ્ટોલ, રમકડાં અને ઘરગથ્થુ હસ્તકલા સ્ટોલ મેળાની રોનક વધારશે. ગુજરાત સરકારના હસ્ત અને લલિત કલા વિભાગ તરફથી પ્રોત્સાહિત ઇન્ડેક્સ-સીના સ્ટોલ પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ, જેલના કેદીઓ દ્વારા બનાવેલા ભજીયા સ્ટોલથી લઈને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા સેલ્ફી પોઇન્ટ્સ સુધી અનેક નવીન પ્રદર્શનો લોકોને નવાઈ પમાડશે. "સોમનાથ 70" નામની વિશેષ ચિત્રપ્રદરશની લોકોમાં ઇતિહાસ પ્રત્યેનું આકર્ષણ જગાવવાની ક્ષમતા ધરાવે છે.સાંસ્કૃતિક કાર્યક્રમો મેળાનું મુખ્ય આકર્ષણ હોય છે. આ વર્ષે કિર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, અપેક્ષાબેન પંડ્યા, હેમંત જોશી, હિતેશ અંટાળા, સાંતવની ત્રિવેદી, રાજલ બારોટ અને બહાદુરભાઈ ગઢવી સહિતના લોકપ્રિય કલાકારો પોતાના સુરીલા સ્વરો અને લોકસંગીતના તાણાઆલાપો સાથે દર્શકોને મંત્રમુગ્ધ કરશે. રાત્રિના કાર્યક્રમોમાં લોકસંગીતની ગુંજ અને દર્શકોની તાલમેળભરી તાળીઓનું સંગમ મેળાને એક અનોખી ઓળખ આપે છે.મેળો જેટલો વિશાળ, તેટલીજ તેની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી પણ મોટી છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોવાથી આ વખતે સુરક્ષા વ્યવસ્થામાં હાઈ-ટેક ટેકનોલોજી અને માનવીય બળનો સંયોજન જોવા મળે છે. વિશાળ મેળાને અનેક ક્લસ્ટર ઝોનમાં વહેંચીને દરેક ઝોનમાં વિશેષ અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. આથી ભીડનું વ્યવસ્થિત સંચાલન થઈ શકે છે. વ્યૂહાત્મક સ્થળોએ ઊંચા વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં પોલીસ જવાનો ચોવીસે કલાક નિગરાની રાખશે.મેળાના સમગ્ર પરિસરમાં ત્રીજી આંખ સમાન CCTV કેમેરાનો વિશાળ નેટવર્ક ગોઠવાયો છે. મુખ્ય પ્રવેશદ્વાર, ભીડવાળા વિસ્તાર, સ્ટોલની લાઈનો અને પ્રદર્શન વિસ્તારોમાં આ કેમેરા સતત કાર્યરત રહેશે. તમામ વીડિયો ફીડ એક જ સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં આવે છે, જ્યાં પોલીસ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને ટ્રસ્ટના અધિકારીઓ એક સાથે બેઠા રહીને પરિસ્થિતિનું મોનીટરીંગ કરશે. આપાતકાળમાં તુરંત પગલાં લઈ શકાય તે માટે આ તંત્ર અત્યંત સહાયક છે. આગજનીની ઘટનાથી બચવા ફાયર ટેન્ડર સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યું છે અને સ્થળસ્થળે અગ્નિશામક સાધનો પણ ઉપલબ્ધ છે.યાત્રિકોને માર્ગદર્શન આપવા માટે સેન્ટ્રલ એનાઉન્સમેન્ટ સિસ્ટમ કાર્યરત રહેશે. ખોવાયેલા બાળકો, વાહનવ્યવહાર, ટ્રાફિક અથવા કોઈ ખાસ કાર્યક્રમ અંગેની સુચનાઓ નિયમિતપણે આપવામાં આવશે. આ તમામ વ્યવસ્થાઓ મળીને મેળાને માત્ર ધાર્મિક અને મનોરંજક જ નહીં, પરંતુ સલામતીથી સમૃદ્ધ ઉત્સવ બનાવી દે છે.મેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં પવિત્રતા અને આનંદ એકસાથે વહેતા જોવા મળે છે.લોકો અહીં માત્ર દર્શન કરવા નથી આવતા, પરંતુ સમગ્ર કુટુંબ સાથે મેળામાં સમય વિતાવવા, ભોજનનો સ્વાદ માણવા, ભજનોનો આનંદ માણવા અને તેઓની સંસ્કૃતિનો ગર્વ અનુભવો છે. પ્રભાસપાટણની ધરતી પર ઉમટતી આ ભીડ માત્ર મેળાની પરંપરા નહીં પરંતુ સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે.આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા વહીવટ તંત્ર અને નગર સેવા સદનની સંકલિત મહેનતથી મેળાનો દરેક પાસો ભવ્ય અને સુનિયોજિત બન્યો છે. ભક્તિ, ભોજન, ભજન, મનોરંજન અને સુરક્ષા—આ બધું એક સાથે મળે ત્યારે કાર્તિકી પૂર્ણિમાનો મેળો સાચા અર્થમાં આનંદ અને આધ્યાત્મિકતાની અનોખી ઉજવણી બની જાય છે. Previous Post Next Post