ભારતને મળી મોટી સફળતા: ફ્રાન્સ તૈયાર, ફાઈટર જેટ એન્જિન બનાવવાની સંપૂર્ણ ટેક્નોલોજી ભારતને આપશે

ભારતને મળી મોટી સફળતા: ફ્રાન્સ તૈયાર, ફાઈટર જેટ એન્જિન બનાવવાની સંપૂર્ણ ટેક્નોલોજી ભારતને આપશે

ભારત માટે રક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક દિવસ સમાન એવા વિકાસમાં ફ્રાન્સની જાણીતી અને વિશ્વસ્તરીય એરોસ્પેસ કંપની સફ્રાનએ ભારતને એક એવી ટેકનોલોજી આપવા માટે સંમતિ દર્શાવી છે, જે દેશને સ્વદેશી ફાઇટર જેટ એન્જિન બનાવવા તરફ એક વિશાળ છલાંગ ભરવામાં મદદરૂપ સાબિત થશે. સ્વદેશી ફાઇટર જેટની કલ્પનામાં સૌથી મોટો પડકાર રહ્યું હોય તેવા હોટ સેક્શન સહિતની 100 ટકા ટેકનોલોજી ટ્રાન્સફર આપવાની તૈયારી ફ્રાન્સે દર્શાવતાં ભારતનાં રક્ષણ ક્ષેત્રે એક નવી દિશા ખુલી ગઈ છે. ખાસ કરીને દેશ દ્વારા વિકસાવવામાં આવી રહેલ એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) જેવી પાંચમી પેઢીની સ્ટીલ્થ ટેકનોલોજી ધરાવતી જહાજો માટે એન્જિનનું સ્વદેશીકરણ અત્યંત મહત્વનું હતું, અને હવે આ જ ક્ષેત્રમાં ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત ભાગીદારી મળવા જેવી મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

સફ્રાનના સીઇઓ ઓલિવિયર એન્ડ્રીઝે સ્પષ્ટ કર્યું કે આ કોઈ સામાન્ય ટેકનોલોજી ટ્રાન્સફર નહીં, પરંતુ સંપૂર્ણ રીતે 100 ટકા નોલેજ-શેરીંગવાળો કરાર હશે. તેમની જાહેરાત અનુસાર તેઓ ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) સાથે મળીને એક સંપૂર્ણ નવું એન્જિન વિકસાવશે, જેમાં એએમસીએ માટે જરૂરી 120થી 140 કીલોન્યૂટન પાવર ક્ષમતા ધરાવતા એન્જિનનું નિર્માણ પણ થશે. નોંધનીય છે કે આજ સુધી વિશ્વની કોઈેય રાષ્ટ્રે ભારતને ફાઇટર એન્જિનના સૌથી અગત્યના હિસ્સા — ખાસ કરીને હોટ સેક્શન — અંગે આવી સંપૂર્ણ ટેકનોલોજી ટ્રાન્સફર ઓફર નથી કરી.

એએમસીએ ભારતનું પોતાનું પહેલું પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ હશે. સ્ટીલ્થ ટેકનોલોજીનો અર્થ છે કે વિમાન પોતાના ડિઝાઇન અને ટેકનોલોજીના આધારે રડાર અને વિવિધ સેન્સરોમાં લગભગ અદૃશ્ય રહી શકે છે. આજના સમયનું યુદ્ધક્ષેત્ર જેટલું ટેક્નોલોજી આધારિત બનતું જાય છે તેમ આવી લડાકુ જહાજોની ઉપયોગિતા અને મહત્વ વધુ વધી જાય છે. એએમસીએનો વિકાસ ભારતની વાયુસેનાના આધુનિકીકરણમાં એક મહત્વપૂર્ણ કડી છે, અને તેમાં સ્થાનિક એન્જિનનો સમાવેશ થવો સ્વરાજ્ય અને તાકાત બંનેનો સંકેત છે.

રિપોર્ટ મુજબ ટૂંક સમયમાં જ સરકાર DRDOના ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (GTRE) સાથે એક સંયુક્ત કંપની બનાવવાની જાહેરાત કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ લગભગ 7 અબજ ડોલર આસપાસ રેહવાની ધારણા છે. આટલો વિશાળ ખર્ચ ત્યારે જ વ્યાજબી અને લાભદાયક ગણાય જ્યારે તે લાંબા ગાળે દેશમાં સ્વદેશી રક્ષણ ક્ષમતા ઉભી કરે. આજ સુધી ભારત પાસે જેટલા પણ ફાઇટર જેટ છે એના એન્જિનો મોટાભાગે વિદેશી કંપનીઓના છે, જેના કારણે એન્જિનના ખર્ચ સાથેસાથે તેનું મેઇન્ટેનન્સ પણ ખૂબ મોંઘું પડે છે. એન્જિન જેટ માટે ‘હ્રદય’ સમાન હોય છે અને સમગ્ર ખર્ચનો મોટો ભાગ આ એન્જિનની કિંમત પર જ આધારિત રહે છે.

સ્વદેશી એન્જિન બનશે ત્યારે મેક ઈન ઈન્ડિયા માત્ર એક સૂત્ર નહીં, પરંતુ વ્યવહારીક રીતે લાખો કરોડનું આયાત-સ્થાનાપન્ન બનશે. દેશને વિદેશી કંપનીઓ પર રહેલી નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે, અને સાથે સાથે ભારતીય ટેક્નોલોજી વિશ્વસ્તરે સ્પર્દાત્મક બની શકશે. સફ્રાનએ સ્પષ્ટ કર્યું કે આ પ્રક્રિયામાં ટર્બાઇન, કંપ્રેસર અને એન્જિનના અન્ય મહત્ત્વના હિસ્સાઓની ટેકનોલોજી પણ ભારતને આપવામાં આવશે, અને સૌથી મહત્ત્વનું – આ ટેક્નોલોજીનું ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (IPR) પણ ભારત પાસે રહેશે. આનો મતલબ એ છે કે ભવિષ્યમાં ભારત આ ટેકનોલોજીનો સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકશે અને તેને વધુ વિકસાવવા માટે સંપૂર્ણ અધિકાર પણ રાખશે.

ભારત માટે આ સમગ્ર વિકાસ માત્ર રક્ષણ ક્ષેત્રનો સુધારો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય રણનીતિ, ભાગીદારી અને વિશ્વાસનું પણ પ્રતિક છે. ફ્રાન્સે આ નિર્ણય એ સમયે લીધો છે જ્યારે ભારત અને ફ્રાન્સ વચ્ચે રક્ષણ સહકાર નવા શિખરો સર કરી રહ્યો છે. રાફેલ વિમાનની ડીલ પછી હવે એન્જિન ટેકનોલોજી ટ્રાન્સફર જેવી ઓફર બંને દેશો વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.

આ ટેકનોલોજી ટ્રાન્સફરનું એક અગત્યનું પરિણામ એ પણ રહેશે કે ભારત ભવિષ્યમાં પોતાના લડાકુ વિમાનોની ડિઝાઇન સ્વતંત્ર રીતે કરી શકશે. હાલમાં કોઈપણ નવા ફાઇટર વિમાનની રચના અને વિકાસ માટે એન્જિન પર વિદેશી કંપનીઓની સંપૂર્ણ નિર્ભરતા રાખવી પડતી હતી. હવે આ અવરોધ દૂર થવાથી ભારત પાસે આગામી 20–30 વર્ષ માટેની અત્યંત મજબૂત અને સ્વદેશી રક્ષણ નીતિ રચવાનો માર્ગ ખૂલી જશે.

આમ, ફ્રાન્સની આ ઐતિહાસિક જાહેરાત ભારતની વાયુસેના, રક્ષણ ઉદ્યોગ અને મેક ઈન ઈન્ડિયા—બધા ક્ષેત્રોમાં એક ક્રાંતિકારી પગરવ સમાન છે. આવનારા વર્ષોમાં જ્યારે એએમસીએ પોતાના સ્વદેશી એન્જિન સાથે ભારતીય આકાશમાં ઉડાન ભરે ત્યારે તે માત્ર એક વિમાન નહીં, પરંતુ ભારતની સ્વાવલંબન શક્તિનું પ્રતિક બની રહેશે.

You may also like

18 થી 24 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

18 થી 24 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ

બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં

બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં