ટ્રાફિક પોલીસની અછત પર હાઈકોર્ટનું કડક અવલોકન: સરકારને તાત્કાલિક વચગાળાની વ્યવસ્થા કરવાનો આદેશ Nov 19, 2025 ગુજરાતમાં વધતા ટ્રાફિક અને ગીચતાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસની અછતનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટુ PILની સુનાવણી દરમિયાન રાજ્યના ગૃહ વિભાગથી મળેલા અસંતોષકારક જવાબ બાદ કડક ટિપ્પણીઓ કરતાં તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે ગૃહ વિભાગના મુખ્ય સચિવ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાને પૂરતું ન ગણાવ્યું. હાઈકોર્ટે નોંધ્યું કે ટ્રાફિક પોલીસ ફોર્સ વધારવાની "તાત્કાલિક જરૂરિયાત" છે અને નિષ્ણાત એજન્સી દ્વારા કરવાનું સર્વે કામ ત્રણથી પાંચ વર્ષ ખેંચાઈ શકે છે, જે હાલની પરિસ્થિતિ માટે યોગ્ય નથી.કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં વાહનોની વધતી સંખ્યાએ ટ્રાફિક વ્યવસ્થાને ભારે દબાણ હેઠળ મૂકી છે, છતાં ગૃહ વિભાગ દ્વારા ફોર્સ મજબૂત કરવા જેવી કોઈ તાજેતરની કાર્યવાહીનું સંતોષકારક વર્ણન રજૂ થયું નથી. પહેલા પણ મંજૂર જગ્યાઓની ભરતી પ્રક્રિયા કોર્ટના હસ્તક્ષેપ બાદ જ શરૂ થઈ હતી.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે ગૃહ વિભાગને 'સ્ટોપ ગેપ એરેન્જમેન્ટ' કરવા કહ્યું છે. તેના અંતર્ગત—• નવી કાયમી જગ્યાઓ બનાવી ભરતી કરવી, અથવા• તાલીમ બાદ કરાર આધારિત માનવબળની તાત્કાલિક નિમણૂક કરવી — બેમાંથી કોઈ એક પગલું તાત્કાલિક ભરવું જરૂરી ગણાવ્યું છે।કોર્ટે મુખ્ય સચિવને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી નિર્ણય લેવાની સૂચના આપી છે. સાથે જ આ પ્રક્રિયામાં કરાયેલા પગલાં અંગેનું વ્યક્તિગત સોગંદનામું 12 ડિસેમ્બર, 2025ની આગામી સુનાવણીમાં રજૂ કરવાનું નિર્દેશન આપ્યું છે.રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થાના સુધાર લાવવા હાઈકોર્ટના આદેશ બાદ હવે સરકારના પ્રતિસાદ પર સૌની નજર ટકેલી છે. Previous Post Next Post