PM2.5: દિલ્હીના પ્રદૂષણનો ‘ખલનાયક’, બાળકોના ફેફસાંને 40% સુધી નુકસાન પહોંચાડતો કણ – સ્ટડીનો ચોંકાવનારો ખુલાસો Nov 19, 2025 દિલ્હીમાં શિયાળાની ઋતુ શરૂ થતાં જ હવા પ્રદૂષણ ફરી ગંભીર સ્તરે પહોંચી ગયું છે. આ દરમિયાન આવેલી એક નવી વૈજ્ઞાનિક સ્ટડીએ માતા-પિતા અને આરોગ્ય નિષ્ણાતોમાં ચિંતા વધારી દીધી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિલ્હીની હવામાં સૌથી જોખમી સાબિત થતું સૂક્ષ્મ પ્રદૂષક PM2.5 બાળકોના ફેફસાંને અત્યંત નુકસાન પહોંચાડી રહ્યું છે. અભ્યાસ મુજબ, 8 થી 9 વર્ષના બાળકો શ્વાસ દ્વારા લેતા PM2.5નું લગભગ 40% પ્રમાણ તેમના ‘ડીપ લંગ્સ’ સુધી પહોંચી જાય છે, જ્યાં તે લાંબા સમય સુધી જમા રહી નુકસાન કરે છે.CREA (Center for Research on Energy and Clean Air)ના વિશ્લેષક ડૉ. મનોજ કુમારે જણાવ્યું કે નાના શિશુઓમાં પણ PM2.5નું 30% જેટલું પ્રમાણ ફેફસાંના ઊંડા ભાગ સુધી પહોંચે છે. બીજી તરફ, PM10 જેવા મોટા કણોમાં આ આંકડો માત્ર 1% જેટલો છે, કારણ કે મોટાભાગના PM10 કણો નાક અને ગળામાં જ અટકી જાય છે. બાળકોમાં જોખમ વધુ છે કારણ કે તેમના ફેફસાં હજુ વિકાસશીલ હોય છે, તેઓ વધુ ઝડપથી શ્વાસ લે છે અને તેમની શ્વાસનળી સાંકડી હોય છે, જે PM2.5ને વધુ ઊંડે સુધી પહોંચવાની તક આપે છે.અભ્યાસે એક મહત્ત્વની નીતિગત ખામી પણ ઉજાગર કરી છે. દિલ્હી પ્રદૂષણ માટે જવાબદાર મુખ્ય કણ ધૂળના રજકણો (PM10) નહીં પરંતુ દહન સંબંધિત PM2.5 છે, જે વાહન ધુમાડો, ઉદ્યોગો, પાવર પ્લાન્ટ અને કચરો બાળવાના કારણે ઉત્પન્ન થાય છે. 18 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધીના 30 દિવસમાં દરેક દિવસે PM2.5 જ મુખ્ય પ્રદૂષક હતું. છતાં, સરકારની નીતિઓ હજુ પણ મોટી હદે ‘ડસ્ટ કંટ્રોલ’ પર કેન્દ્રિત છે, જ્યારે મુખ્ય પ્રદૂષણ સ્ત્રોત દહન પ્રવૃત્તિઓ છે.વિશેષજ્ઞોનું મંતવ્ય છે કે જો બાળકોના સ્વાસ્થ્ય અને ફેફસાંના વિકાસને સુરક્ષિત રાખવા માંગતા હોઈએ, તો PM2.5ના સંપર્કને ઘટાડવો એ સૌથી ઊંચી પ્રાથમિકતા હોવી જોઈએ. દિલ્હીનું હવા પ્રદૂષણ હવે માત્ર ઋતુસરની સમસ્યા નહીં પરંતુ જાહેર આરોગ્ય માટે ગંભીર ચેતવણી બની ગયું છે Previous Post Next Post