ટેસ્ટ ક્રિકેટ માટે BCCIએ અલગ કોચ રાખવાની જરૂર: IPL ટીમના માલિકની માગ, જુઓ શું કહ્યું Nov 27, 2025 ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ફોર્મેટને લઈને ઉઠતા સવાલો વધુ ગંભીર બન્યા છે. દક્ષિણ આફ્રિકા સામે 0-2ની ટેસ્ટ સીરિઝ હાર બાદ ચર્ચાનો માહોલ એવો બન્યો છે કે હવે ટીમ ઈન્ડિયાને આ ફોર્મેટ માટે અલગ કોચની જરૂર છે કે નહીં તે મુદ્દે ખુલ્લી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગુવાહાટીમાં 408 રનની કરૂણ હાર, જે રનની દ્રષ્ટિએ ભારતની ટેસ્ટ ઇતિહાસની સૌથી મોટી હાર છે, એણે દરેક સ્તરે ચિંતાનો વિષય ઊભો કર્યો છે. ઘરઆંગણે સતત બીજી ટેસ્ટ સીરિઝ ગુમાવવાના કારણે પ્રશંસકો, ભૂતપૂર્વ ખેલાડીઓ અને ફ્રેન્ચાઇઝી માલિકો વચ્ચે ચર્ચા વધુ તીવ્ર બની છે. ખાસ કરીને દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલની ટિપ્પણી બાદ આ મુદ્દો વધુ પ્રચલિત બની ગયો છે.પાર્થ જિંદાલે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારતે ટેસ્ટ ક્રિકેટ માટે એક સ્પેશિયાલિસ્ટ રેડ-બોલ કોચની તાત્કાલિક નિમણૂક કરવી જોઈએ. તેમની દ્રષ્ટિએ, ટીમમાં ટેસ્ટ ફોર્મેટ માટે જે તકનીકી અને માનસિક તૈયારીઓ જરૂરી હોય છે તે હાલમાં પૂરતી રીતે દેખાતી નથી. તેમણે સીધી રીતે વર્તમાન કોચિંગ સેટઅપની મર્યાદાઓ પર આંગળી મૂકી છે અને કહ્યું છે કે જ્યારે તમે રેડ-બોલ રમતના નિષ્ણાતોને તક નથી આપતા ત્યારે આવી હાર અવશ્ય થાય. તેમની આ ટિપ્પણી માત્ર ક્રિકેટપ્રેમીઓને જ નહીં પરંતુ સંપૂર્ણ ક્રિકેટ પ્રશાસનને વિચારમાં મૂકે તેવી છે.આ હાર પછી ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા ખાસ મહત્વપૂર્ણ બની છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ રીતે કહ્યું કે હારની જવાબદારી સૌની છે પરંતુ સૌથી પહેલા પોતાની છે. એ જવાબદારીનો ભાવ પ્રશંસનીય છે પરંતુ તેમના નિવેદનમાંથી એ સ્પષ્ટ દેખાયું કે રિષભ પંતના અનાવશ્યક અને ગેલેરીને ખુશ કરનારા શોટ્સથી તેઓ અસંતોષ હતા. તેમણે ટીમના ખેલાડીઓને ચેતવણીના સ્વરે જણાવ્યું કે રેડ-બોલ ક્રિકેટમાં ગેલેરી માટે નહીં પરંતુ ટીમ માટે બલિદાન ભાવ સાથે રમવું જોઈએ. ટેકનિકલ મજબૂતી, માનસિક સ્થિરતા અને ટીમ માટેની પ્રતિબદ્ધતા આ ફોર્મેટમાં સૌથી અગત્યની ગણાય છે અને ભારતીય ટીમ આ ત્રણેય બાબતોમાં છેલ્લા સમયમાં નબળી પડી રહી છે.તાજેતરમાં ભારતે ઘરઆંગણે બે મહત્વપૂર્ણ સીરિઝ ગુમાવી છે. પહેલા ન્યૂઝીલેન્ડે 3-0થી ક્લીન સ્વીપ કર્યો અને હવે દક્ષિણ આફ્રિકાએ પણ એ જ સિદ્ધી મેળવી છે. આ પરિસ્થિતિ પ્રશંસકો માટે અચંબા જેવી છે કારણ કે વર્ષો સુધી ભારત ઘરઆંગણે લગભગ અજેય માનવામાં આવતું હતું. ભારતીય બેટિંગ ઓર્ડરનું તૂટવું, બોલરોની અસંગત અસર અને મેચ દરમ્યાન વ્યૂહરચનાની ખામીઓ બધું મળી ને આ હાર વધુ મોટી લાગી છે. ટેસ્ટ ફોર્મેટમાં લાંબા સમય સુધી એકાગ્રતા અને ટેકનિકનું સંયોજન જાળવી રાખવું પડે છે, જે ભારત છેલ્લા કેટલાક સમયથી કરી શકતું નથી એવું પ્રદર્શન પરથી જણાઈ રહ્યું છે.આ પરિસ્થિતિમાં પાર્થ જિંદાલની માગ નવી નથી પરંતુ હવે તે વધુ સંબંધિત બની ગઈ છે. અનેક દેશોએ ફોર્મેટ પ્રમાણે અલગ કોચિંગ સ્ટાફ સાથે સફળતા મેળવી છે. ઇંગ્લેન્ડે લાલ બોલ અને વ્હાઇટ બોલ માટે અલગ કોચ રાખીને સ્પષ્ટ પરિણામો મેળવ્યા છે. ભારતે પણ જો પોતાના ટેસ્ટ ફોર્મેટમાં ફરીથી પ્રભુત્વ જમાવવું હોય તો કદાચ આવા મોડેલ પર વિચારવાની જરૂર છે. રેડ-બોલ સ્પેશિયાલિસ્ટ કોચ માત્ર તકનીક પર નહીં પરંતુ લાંબી ઇનિંગ્સ રમવાની કળા, ધીરજ અને પિચનો યોગ્ય અંદાજ જેવી બાબતો પર ભાર મૂકે છે જે હાલમાં ટીમ ઈન્ડિયામાં અભાવે દેખાય છે.વર્તમાન પરિસ્થિતિમાં મુખ્ય પ્રશ્ન એ છે કે શું BCCI હવે કોઈ કડક અને દીર્ઘગાળાના નિર્ણય તરફ આગળ વધશે? ગૌતમ ગંભીર યુવાન ટીમને લઈને યોગ્ય દિશામાં કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ક્યારેક ફોર્મેટ-સ્પેસિફિક અભિગમ જ સફળતા તરફ લઈ જાય છે. સીરિઝની હાર માત્ર પરિણામ નહીં પરંતુ સિસ્ટમમાં રહેલી ખામીનું પ્રતિબિંબ છે. આ ખામીઓને દૂર કરવા જૂના મોડેલને બદલવાની હિંમત તો જોઈએ જ.આ હારોએ ભારતીય ક્રિકેટ સિસ્ટમને આઈનો બતાવ્યો છે. હવે પ્રશ્ન છે—BCCI આ આઈનામાં નજર કરી કંઈક ફેરફાર કરશે કે નહીં? ટેસ્ટ ક્રિકેટ એ ભારત માટે માત્ર રમત નહીં પણ ગૌરવ છે. તેને પાછું ગૌરવશાળી બનાવવા યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય માળખું જરૂરી છે. Previous Post Next Post