જોડિયા તાલુકાના બોડકા ગામની 3 વર્ષની દીકરીના હૃદય રોગનું આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે સફળ ઓપરેશન Nov 11, 2025 જામનગર : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આયુષ્યમાન ભારત યોજના હેઠળ એક વધુ માનવતાભર્યું ઉદાહરણ સામે આવ્યું છે. જોડિયા તાલુકાના બોડકા ગામની 3 વર્ષની બાળકી નેહાને જન્મ પછીથી હૃદયના કાણાની તકલીફ (CHD) હોવાનું જાણવા મળ્યું હતું. તેના ગરીબ પરિવારે દિનપ્રતિદિન ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતું હોવાથી, મોંઘી સારવાર શક્ય નહોતી. પરંતુ સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ નેહાનું રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે તદ્દન વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.નેહાનો જન્મ 08 ઑગસ્ટ 2022ના રોજ અરવિંદભાઈ સોલંકી અને તેમના પત્નીના ઘેર થયો હતો. શરૂઆતમાં બાળક સંપૂર્ણ સ્વસ્થ હતું, પરંતુ બાદમાં તબિયતમાં તકલીફ જણાતાં આંગણવાડી ટીમે તેને સ્ક્રીનિંગ માટે નોંધ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. નૂપુર પ્રસાદ અને જોડિયાના તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સંજય સોમૈયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ટીમ — ડૉ. સેજલ કરકર, ડૉ. દેવજી નકુમ, એફ.એચ.ડબલ્યુ. બંસી ડાંગર, નીતાબેન પંડ્યા અને આંગણવાડી કાર્યકર મધુબેન પરમાર — 12 માર્ચ 2025ના રોજ નેહાના ઘરે પહોંચી તપાસ કરી હતી.પ્રાથમિક તપાસમાં હૃદયની તકલીફ જણાતાં બાળકીને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ જામનગર અને ત્યારબાદ આગળની સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ જવાની સલાહ આપવામાં આવી. પરંતુ પરિવારે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી. પીઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓપરેટર નરેન્દ્રસિંહ ઝાલાની મદદથી આયુષ્યમાન કાર્ડની પ્રક્રિયા પૂર્ણ કરી કાર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યું.સ્ટર્લીંગ હોસ્પિટલમાં વિગતવાર આરોગ્ય તપાસ બાદ ડૉક્ટરોએ બાળકના હૃદયમાં કાણું હોવાનું નિદાન કર્યું. ત્યારબાદ 19 મે 2025ના રોજ તજજ્ઞ ડૉક્ટરોની ટીમે સફળ સર્જરી કરી અને બાળકીની તકલીફ દૂર કરી. હવે નેહા સંપૂર્ણ સ્વસ્થ છે અને દર છ મહિનાએ રુટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં હાજરી આપશે.આયુષ્યમાન કાર્ડ અંતર્ગત થયેલા આ મફત અને સફળ ઓપરેશનથી બાળકીના માતા-પિતા તેમજ સમગ્ર ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું છે. તેમણે આરોગ્ય વિભાગ, RBSK ટીમ અને સ્ટર્લીંગ હોસ્પિટલના તમામ ડૉક્ટરો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.આ ઘટના એ સાબિત કરે છે કે સરકારી યોજનાઓ યોગ્ય માર્ગદર્શન અને કાર્યક્ષમ તંત્રથી જોડાય ત્યારે ગરીબ પરિવારો માટે તે જીવદાતા સાબિત થઈ શકે છે. Previous Post Next Post