રાજકોટ-પોરબંદર વચ્ચે દોડશે બે નવી ટ્રેનો: સૌરાષ્ટ્રના રેલવે કનેક્ટિવિટીને મળશે નવો વેગ Nov 11, 2025 રાજકોટ : સૌરાષ્ટ્રના રેલવે મુસાફરો માટે આનંદના સમાચાર આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ વચ્ચે રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે બે નવી પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. આ નવી ટ્રેનોનું ઉદ્ઘાટન આવતી 14 નવેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે.આ બંને ટ્રેનોની જાહેરાત તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી તથા પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી. આ નિર્ણય સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને મુસાફરીની સરળતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.નવી મંજૂર થયેલી બે પેસેન્જર ટ્રેન પૈકી એક ટ્રેન દૈનિક (Daily) દોડશે જ્યારે બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે. બંને ટ્રેનો રાજકોટ–પોરબંદર–રાજકોટ વાયા જેતલસર જંક્શન રૂટ પરથી દોડશે.ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા તથા વિવિધ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન અગ્રણીઓ ટ્રેનમાં બેસીને રાજકોટથી પોરબંદર સુધીની પ્રથમ મુસાફરી કરશે, જ્યારે માર્ગમાં અનેક સ્ટેશનો પર સ્થાનિક આગેવાનો અને સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવશે.ડો. માંડવિયાએ જણાવ્યું કે, “સૌરાષ્ટ્રમાં રેલવે સેવાઓના વિસ્તરણથી માત્ર પરિવહન સુવિધા નહીં પરંતુ આર્થિક વિકાસ અને પ્રવાસન ક્ષેત્રને પણ નવી દિશા મળશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી સુધારવાથી વ્યાપાર, રોજગાર અને પ્રવાસન ક્ષેત્રમાં અનેક નવી તકો ઊભી થશે.”આ નવી ટ્રેનોની શરૂઆતથી લાખો મુસાફરોને રાહત મળશે અને રાજકોટથી પોરબંદર વચ્ચેની મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના વિકાસ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. Previous Post Next Post