Rajkot રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી Read More
Ahmedabad રાજ્યમાં ગત એક માસમાં ટ્રાફિક નિયમ ભંગના 74,242 કેસ: 5.33 કરોડથી વધુનો દંડ વસૂલાયો Read More
Gujrat તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ સુરેન્દ્રનગર,ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને રંગબેરંગી જીવનશૈલીને એક જ સ્થળે જીવંત કરતી અનેક પરંપરાઓમાં તરણેતરનો મેળો આગવું સ્થાન ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક તરણેતર ખાતે આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ વિશ્વવિખ્યાત મેળો માત્ર ધાર્મિક મેળો નથી, પરંતુ ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાનો ભવ્ય ઉત્સવ છે. આ વર્ષે વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો 14થી 16 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે.તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. મેળા દરમિયાન ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડે છે. મેળાનું વાતાવરણ લોકગીતો, લોકનૃત્યો, પરંપરાગત વસ્ત્રો અને રંગબેરંગી છત્રીઓથી જાણે જીવંત બની જાય છે.રંગબેરંગી છત્રીઓ છે મેળાની ઓળખતરણેતર મેળાની સૌથી આગવી ઓળખ તેની અદ્ભુત કારીગરીવાળી ભરતકામ અને કાચથી સજાવેલી રંગબેરંગી છત્રીઓ છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવકો જ્યારે આ છત્રીઓ સાથે મેળામાં આવે છે ત્યારે સમગ્ર મેળાનું વાતાવરણ વધુ આકર્ષક બની જાય છે.પ્રાચીન સમયથી આ મેળો યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદ કરવાની પરંપરા સાથે પણ જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. યુવકો પોતાની વિશિષ્ટ ભરતકામવાળી છત્રીના માધ્યમથી યુવતીઓનું ધ્યાન આકર્ષિત કરતા. આ પરંપરાએ તરણેતર મેળાને અન્ય મેળાઓથી અલગ ઓળખ અપાવી છે.રાસના તાલે ઝૂમે તરણેતરમેળામાં સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો અનોખો રંગ જોવા મળે છે. બેડા રાસ, હૂડો રાસ અને છંદ ગોઠણ જેવા પરંપરાગત નૃત્યો મેળાનું મુખ્ય આકર્ષણ બને છે. શરણાઈ, ઢોલ અને મંજીરાના તાલ સાથે હજારો લોકો રાસના રંગમાં રંગાઈ જાય છે.મેળામાં આવતા લોકો પરંપરાગત ચણિયાચોળી, કેડિયા અને રંગબેરંગી પાઘડીઓ ધારણ કરે છે. જેના કારણે સમગ્ર મેળો જાણે ગુજરાતની જીવંત લોકકળાનું વિશાળ મંચ બની જાય છે.મહાભારત સાથે જોડાયેલી પૌરાણિક કથાતરણેતર સાથે મહાભારતકાળની પૌરાણિક કથા પણ જોડાયેલી છે. લોકમાન્યતા મુજબ અર્જુને મત્સ્યવેધ કરીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા તે સ્થળ તરણેતર હોવાનું માનવામાં આવે છે. આ ધાર્મિક અને પૌરાણિક માન્યતાને કારણે મેળા દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન અને પૂજન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.એવી પણ માન્યતા છે કે ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિ પંચમીના દિવસે અહીં આવેલા પવિત્ર કુંડમાં ગંગાજીનું આગમન થાય છે. તેથી શ્રદ્ધાળુઓ કુંડમાં પવિત્ર સ્નાન કરી ધાર્મિક વિધિઓ કરે છે.ગ્રામ્ય રમતો અને પશુ મેળો પણ આકર્ષણતરણેતર મેળો માત્ર નૃત્ય અને ધાર્મિક કાર્યક્રમો પૂરતો સીમિત નથી. મેળા દરમિયાન પરંપરાગત ગ્રામ્ય રમતોનું પણ આયોજન કરવામાં આવે છે. કુશ્તી, નાળ ફેંક સહિતની વિવિધ સ્પર્ધાઓ લોકોમાં ઉત્સાહ જગાવે છે. ઘોડા અને બળદગાડાની દોડ પણ મેળાના આકર્ષણમાં વધારો કરે છે.આ ઉપરાંત કાંકરેજ બળદ, ગીર ગાયો અને કાઠિયાવાડી ઘોડાઓનું પ્રદર્શન અને લે-વેચ પણ યોજાય છે. આ પ્રવૃત્તિઓ ગુજરાતના ગ્રામ્ય જીવન અને પશુપાલન પરંપરાની ઝલક આપે છે.આમ, તરણેતરનો મેળો ધર્મ, લોકકલા, સંગીત, નૃત્ય, પરંપરા અને ગ્રામ્ય જીવનનો અનોખો સંગમ છે. ત્રણ દિવસ સુધી ચાલતો આ મેળો ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને દેશ-વિદેશમાં ઉજાગર કરવાનું મહત્વનું માધ્યમ બની રહ્યો છે. 2026માં યોજાનારો તરણેતર મેળો પણ લાખો મુલાકાતીઓ માટે લોકસંસ્કૃતિના આ રંગીન મહાકુંભનો અનુભવ કરાવશે.
Ahmedabad ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ અમદાવાદ,ચોમાસાની વિદાયની શરૂઆત થાય તે પહેલાં દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના 21 રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને આગામી સાત દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી શકે છે.ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું ખાસ મહત્વ રહે છે. રાજ્યમાં ચોમાસાની સિઝન અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે ત્યારે આગામી દિવસોમાં થનારો વરસાદ ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેતીના પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. આવી સ્થિતિમાં જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ખેડૂતોને રાહત મળી શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જ્યારે કેટલાક સ્થળોએ ભારે વરસાદની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે. વરસાદ સાથે કેટલીક જગ્યાએ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકાની પણ સંભાવના રહે છે.ખેડૂતો માટે સપ્ટેમ્બરનો વરસાદ મહત્વનોસપ્ટેમ્બર મહિનામાં પડતો વરસાદ ખેડૂતો માટે અનેક રીતે મહત્વપૂર્ણ હોય છે. ખરીફ પાકની અંતિમ તબક્કાની જરૂરિયાતો માટે વરસાદ ઉપયોગી બની શકે છે. ખાસ કરીને કપાસ, મગફળી, તુવેર સહિતના પાક માટે યોગ્ય સમયે મળતું પાણી ઉત્પાદન પર સીધી અસર કરી શકે છે.જોકે, જ્યાં પાક તૈયાર થવાની સ્થિતિમાં હોય ત્યાં અતિભારે વરસાદ નુકસાનકારક પણ બની શકે છે. ખેતરોમાં પાણી ભરાવાની સાથે પાકને નુકસાન થવાની શક્યતા રહે છે. તેથી ખેડૂતોને હવામાન વિભાગની આગાહી પર નજર રાખવાની અને પાકની સ્થિતિ પ્રમાણે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવે છે.ચોમાસાની વિદાય પહેલાં ફરી વરસાદી માહોલસામાન્ય રીતે સપ્ટેમ્બર મહિના બાદ દેશના અનેક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થાય છે. જોકે, વિદાય પહેલાં હવામાનમાં ફરીથી પલટો જોવા મળવો સામાન્ય છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી સર્જાતી હવામાન પ્રણાલીઓના કારણે કેટલાક રાજ્યોમાં વરસાદી ગતિવિધિ વધી શકે છે.ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને નાગરિકો અને સ્થાનિક તંત્રએ જરૂરી સાવચેતી રાખવી જરૂરી બની છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે ખેડૂતો તેમજ સામાન્ય લોકોએ સ્થાનિક હવામાનની અપડેટ પર નજર રાખવી જરૂરી છે. ખાસ કરીને ભારે વરસાદની ચેતવણીવાળા વિસ્તારોમાં નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાતા માર્ગો પર અનાવશ્યક અવરજવર ટાળવી હિતાવહ રહેશે.આગામી સાત દિવસ ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારો માટે વરસાદની દૃષ્ટિએ મહત્વપૂર્ણ બની શકે છે. ચોમાસાની વિદાય પહેલાં પડનારો આ વરસાદ ખેડૂતો માટે રાહત લાવે છે કે પછી ક્યાંક મુશ્કેલી ઊભી કરે છે, તેના પર સૌની નજર રહેશે.
Rajkot રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી રાજકોટ,રોકાણકારોના ભોળવીને બનાવટી સહીઓ અને દસ્તાવેજો દ્વારા કરોડો રૂપિયા સગેવગે કરનાર આરોપીઓ પોલીસ સકંજામાંરાજકોટના ઔદ્યોગિક અને વેપારી વર્તુળોમાં સનસનાટી મચાવી દેતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પાંચ જાણીતા ઉદ્યોગકારો સાથે આશરે રૂ. ૧૪૪ કરોડ જેટલી જંગી રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવતા સમગ્ર વેપારી આલમમાં હચમચ મચી ગઈ છે. આ કૌભાંડ પાછળ રાજકોટ અને અમદાવાદના ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) સહિતના મુખ્ય સૂત્રધાર સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે.બનાવ અંગે રાજકોટમાં બીગ બજાર પાછળ અમરનાથ મંદિર રોડ પર સાંઈનગરમાં રહેતાં જયેન્દ્રભાઈ મુળજીભાઈ અકબરી (ઉ.વ.56) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ટર્નરેસ્ટ રીસોર્સીસ પ્રા.લી. કંપનીના ડાયરેકટરો જય હર્ષદકુમાર ચોટલીયા (રહે. સ્વાતિ ક્રિમશન એન્ડ ફલોવર શિલજ સર્કલ થલતેજ સરદાર પટેલ રીંગ રોડ, અમદાવાદ), મિતેષ કિરીટકુમાર સંઘવી (રહે. જનતા સોસાયટી ૩, મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસે, રાજકોટ) અને મનીષ ગોવિંદભલ ડાંગી (રહે. 41 અમરનાથ વિલાસ પ્રાઇડ આઇકોન પાસે સાયન્સ સીટી સર્કલ, સોલા ભાડજ ક્રોસ રોડ અમદાવાદ) નું નામ આપતાં આર્થિક ગુના નિવારણ શાખાએ જીપીઆઇડી એકટ સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ હાલમાં નિવૃત જીવન પસાર કરે છે. પહેલાં તેઓ પોતાની રીતે તેમજ મિત્ર અરવિંદભાઈ જસમમતભાઈ રામાણીની સાથે વેપાર ધંધો કરતો હતાં. મિત્ર અરવિંદભાઈ રામાણી કે જેઓ અવધ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. નામે પેઢી ધરાવી વેપાર કરે છે. તેઓના સી.એ. તરીકે જય ચોટલીયા કામકાજ કરતા હોય જેથી તેઓની પાસે પોતાનુ તથા પોતાની કંપનીનુ ઇન્કમટેક્ષ રીર્ટન અને તેઓની કંપનીનાં ઓડીટનું કામકાજ કરાવતા હતા. તેમજ જય ચોટલીયા અરવિંદભાઈ રામાણીના આર્થિક સલાહકારઆરોપીઓએ ઈન્ડોનેશિયન કોલસાની આયાત-નિકાસ અને વેપાર કરતી 'ટર્નરેસ્ટ રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીમાં રોકાણ કરવા માટે આ ઉદ્યોગકારોને આકર્ષ્યા હતા. આરોપીઓએ કોલસાના ધંધામાં ટૂંકા સમયમાં અધધધ... ઊંચું વળતર (હાઈ રિટર્ન) મેળવવાની લાલચ આપીને પાંચેય ઉદ્યોગકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.રાજકોટ અને અમદાવાદના ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સહિતના શખ્સોનું મોટું કારસ્તાનત્યારબાદ, આ કારસ્તાનીઓએ કાવતરૂં રચીને લોન રિન્યુઅલના દસ્તાવેજોમાં ભોળા વેપારીઓની બનાવટી સહીઓ કરી લીધી હતી અને કંપનીના નાણાકીય વ્યવહારોમાં મોટો ગોટાળો આચર્યો હતો. આરોપીઓએ રોકાણકારોની જાણ બહાર કંપનીના શેર, ડિપોઝિટ્સ તેમજ તેમની મોર્ગેજ (ગીરો) રાખેલી મિલકતોના દસ્તાવેજોનો દુરુપયોગ કરી નાણાં સગેવગે કરી દીધા હતા.આ મામલે પીડિત ઉદ્યોગકારો દ્વારા કંપનીના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો, બેંક લોન અને અન્ય ગેરરીતિઓ અંગે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઐતિહાસિક અને ચકચારી કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓને સકંજામાં લેવામાં આવ્યા છે, ત્યારે પોલીસ દ્વારા આ કૌભાંડના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
Gujrat ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન રાજકોટ,સ્વાસ્થ્ય ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સિદ્ધિમહિલાઓમાં થતા ગંભીર એવા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) સામે રાજ્યની યુવતીઓ અને કિશોરીઓને સુરક્ષિત અને નિરોગી બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા મહત્ત્વપૂર્ણ HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ અભિયાને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૬ લાખથી વધુ કિશોરીઓને આ રસી આપીને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, સર્વાઇકલ કેન્સર એ મહિલાઓમાં પ્રવર્તતી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે, જેનો સમયસર પ્રતિકાર કરવા માટે રસીકરણ અત્યંત અસરકારક માધ્યમ સાબિત થાય છે. આ ગંભીર બીમારીને મૂળમાંથી નાબૂદ કરવા તથા નાની વયથી જ કિશોરીઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં વ્યાપક સ્તરે ઝુંબેશ ચલાવવામાં આવી હતી.સર્વાઇકલ કેન્સર સામે રાજ્ય સરકારની આરોગ્ય પહેલને મળી વ્યાપક સફળતાઆ અભિયાન અંતર્ગત શાળાઓ અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રો દ્વારા વિશેષ શિબિરો યોજીને લક્ષ્યાંકિત જૂથની કિશોરીઓને HPV રસીના ડોઝ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. વાલીઓમાં પણ આ રસીકરણને લઈને સભાનતા વધતાં ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે, જેના પરિણામે માત્ર ટૂંકા સમયગાળામાં જ ૬ લાખથી વધુ રસીકરણનો આંકડો પાર થયો છે.રાજ્ય સરકારના આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પગલાથી ભવિષ્યની પેઢીને જીવલેણ કેન્સરના જોખમથી સુરક્ષિત કરી શકાશે. આરોગ્ય તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ અભિયાનને વધુ સઘન બનાવીને વધુમાં વધુ કિશોરીઓને આ રસીના સુરક્ષા કવચ હેઠળ આવરી લેવા માટેની કટિબદ્ધતા દોહરાવવામાં આવી છે.
Rajkot પ્રદર્શન અને એક્ઝિબિશન માટે કાયમી ગ્રાઉન્ડ ફાળવવા રાજકોટના ઉદ્યોગકારોની જોરદાર માંગ રાજકોટ,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ટ્રેડ ફેર યોજવા આધુનિક સુવિધાસભર વિશાળ જગ્યા ફાળવવા સરકાર સમક્ષ રજૂઆતએન્જિનિયરિંગ અને મશીનરી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે દેશ-વિદેશમાં અનોખી ઓળખ ધરાવતા સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે ઔદ્યોગિક ગતિવિધિઓને વધુ બળ પૂરું પાડવા માટે હવે એક કાયમી પ્રદર્શન ગ્રાઉન્ડ (એક્ઝિબિશન ગ્રાઉન્ડ) ફાળવવાની માંગ ઉદ્યોગ જગતમાંથી જોર પકડી રહી છે. રાજકોટના અગ્રણી ઉદ્યોગકારો અને વિવિધ સંસ્થાઓએ સરકાર સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી છે કે રંગીલા રાજકોટના ઔદ્યોગિક વિકાસને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે કાયમી ધોરણે મોટું પ્રદર્શન સ્થળ હોવું અત્યંત અનિવાર્ય છે.રાજકોટમાં સમયાંતરે એન્જિનિયરિંગ ફેર, ઓટોમોબાઈલ પ્રદર્શનો અને વિવિધ ટેક્નોલોજી આધારિત ઔદ્યોગિક મેળાઓ યોજાતા હોય છે, જેમાં દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશી ખરીદદારો અને ઉદ્યોગસાહસિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. જો કે, યોગ્ય અને કાયમી સુવિધાસભર વિશાળ ગ્રાઉન્ડના અભાવે આ પ્રકારના ભવ્ય આયોજનો માટે અનેક પ્રકારની વહીવટી અને ભૌતિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ઉદ્યોગ અગ્રણીઓના જણાવ્યા અનુસાર, જો રાજકોટમાં કોઈ યોગ્ય જગ્યાએ કાયમી પ્રદર્શન ગ્રાઉન્ડ વિકસાવવામાં આવે, તો અહીં કાયમી ધોરણે અત્યાધુનિક હોલ, સેમિનાર રૂમ અને વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ ઊભી કરી શકાશે. આનાથી સ્થાનિક ઉત્પાદકો અને મશીનરી મેન્યુફેક્ચરર્સને પોતાના અદ્યતન ઉત્પાદનોનું પ્રદર્શન કરવા માટે એક ઉત્તમ મંચ મળી રહેશે, જે 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને પણ વધુ મજબૂતી પ્રદાન કરશે.સ્થાનિક ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને આ બાબતે સત્વરે હકારાત્મક અભિગમ અપનાવીને યોગ્ય વિસ્તારમાં કાયમી પ્રદર્શન ગ્રાઉન્ડ માટે જમીન ફાળવવા અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે સત્વરે નક્કર પગલાં ભરવા ભારપૂર્વક અપીલ કરી છે.
Ahmedabad અમદાવાદમાં ખાદ્યપદાર્થના પેકેટો પર નામ, ઘટક સહિતની વિગતો દર્શાવવી ફરજિયાત અમદાવાદ,કાગળ પર કરાયેલા નિયમોની અમલવારી થશે કે કેમ તે અંગે મત-મતાંતરઅમદાવાદ શહેરમાં શેરીએ શેરીએ આવેલી હોટેલ-રેસ્ટોરન્ટથી લઈને લારીઓ સુધી વેચાતા અખાદ્ય ખોરાકના દૂષણને કાબૂમાં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરમાં વેચાતા તમામ ખાદ્ય પદાર્થો પર નામ, ઘટક અને પોષક તત્ત્વો વગેરે જેવી તમામ જરૂરી વિગતો દર્શાવતું લેબલ લગાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જોકે, ભૂતકાળમાં પણ છૂટક વેચાતી મીઠાઈઓ પર ઉત્પાદન તારીખ (મેન્યુફેક્ચરિંગ ડેટ) અને એક્સપાયરી ડેટ લખવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ સમય જતાં તેનું પાલન ધીમે ધીમે બંધ થઈ ગયું છે.અમદાવાદમાં અગાઉ પણ કેટલીક મહત્ત્વની સૂચનાઓ આપવામાં આવી હતી, જેમાં હોટેલ-રેસ્ટોરન્ટના રસોડાનું ગ્રાહકો સમક્ષ લાઈવ સ્ટ્રિમિંગ કરવું તથા દુકાનોમાં મીઠાઈ અને ફરસાણના પ્રાથમિક ટેસ્ટિંગ માટેની કિટ રાખવી વગેરેનો સમાવેશ થાય છે. આ કવાયતના ભાગરૂપે મ્યુનિ.ના ફૂડ વિભાગે ગુજરાત બેકર્સ એસોસિએશનના 100થી વધુ સભ્યો સાથે એક મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ વેપારીઓને યોગ્ય પેકેજિંગ કરવા અને ફરજિયાત લેબલિંગની જોગવાઈઓનો ચૂસ્તપણે અમલ કરવા કડક તાકીદ કરવામાં આવી છે. આ નિયમોનું અનાદર કરનાર કે પાલન ન કરનાર ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશેબીજી તરફ, અમદાવાદમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓ માટે પોતાની દુકાનમાં 'રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ' રાખવી ફરજિયાત કરવામાં આવી છે, પરંતુ મોટાભાગની દુકાનોમાં હજુ સુધી આ કિટ રાખવામાં આવી નથી.
Ahmedabad રાજ્યમાં ગત એક માસમાં ટ્રાફિક નિયમ ભંગના 74,242 કેસ: 5.33 કરોડથી વધુનો દંડ વસૂલાયો અમદાવાદ,યોગ્ય નંબરપ્લેટવાળા વાહનચાલકો પર વિશેષ નજર રખાશે રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ હેઠળ ઓગસ્ટ મહિનામાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના મળીને 74,242 કેસ નોંધવામાં આવ્યા છે. આ કેસોમાં વાહનચાલકો પાસેથી રૂ. 5.33 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત ગેરકાયદેસર પાર્કિંગ સામે પણ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે અને 36 હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. ઓગસ્ટ મહિનાના આંકડા દર્શાવે છે કે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમભંગ સામે કાર્યવાહીનો વ્યાપ મોટો રહ્યો છે.રાજ્યમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ સામે પોલીસ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શહેરોના વ્યસ્ત રસ્તાઓ, હાઇવે અને ટ્રાફિકના વધુ ભારવાળા વિસ્તારોમાં આવા નિયમભંગ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓગસ્ટ દરમિયાન નોંધાયેલા 74,242 કેસ અને રૂ. 5.33 કરોડથી વધુની દંડ વસૂલાત એ વાતનો સંકેત આપે છે કે રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલને લઈને પોલીસ તંત્ર સક્રિય છે. ગેરકાયદે પાર્કિંગ સામે પણ પોલીસ અને ટ્રાફિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના આદેશથી 1 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2026 સુધી નંબર પ્લેટ વગરના, અયોગ્ય નંબર પ્લેટ ધરાવતા અથવા નંબર પ્લેટમાં ચેડાં કરાયેલા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નંબર પ્લેટ વાહનની ઓળખ માટે મહત્વપૂર્ણ હોવાથી તેમાં ચેડાં કરવાથી પોલીસ માટે વાહનની ઓળખ અને તપાસમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને નંબર પ્લેટ છુપાવવી, વાંચી ન શકાય તેવી બનાવવી અથવા નિયમ મુજબની નંબર પ્લેટના બદલે અયોગ્ય પ્લેટ લગાવવી જેવા કિસ્સાઓ સામે પોલીસનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
India નેપાળમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ધ્રુજ્યા નવી દિલ્હી,રાત્રે 9:38 કલાકે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 143 કિ.મી.ની ઉંડાઈએ, જાનહાનિ નહીનેપાળમાં ફરી એક વાર ભૂકંપના ઝટકાએ લોકોને હચમચાવી નાખ્યા છે. 8 સપ્ટેમ્બર 2026ની મોડી રાતે લગભગ 9 વાગ્યાને 38 મિનિટ પર નેપાળની ધરતી અચાનક ધ્રુજવા લાગી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0ની માપવામાં આવી છે. જ્યારે લોકો પોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા, સૂવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક જમીન હલવા લાગી. જો કે, રાહતની વાત એ છે કે આ ભૂકંપનું કેન્દ્ર જમીનની ખૂબ જ નીચે એટલે કે 143 કિમી ઊંડું હતું. ઊંડાઈ વધારે હોવાના કારણે અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનમાલના ખતરાના કોઈ સમાચાર સામે આવ્યા નથી.રાતના 9 કલાકને 38 મિનિટે નેપાળના કેટલાય વિસ્તારમાં લોકોને ઝટકા અનુભવાયા. અચાનક ઘરોમાં પંખા, બારીઓ અને દરવાજા હલવાનો અવાજ આવવા લાગ્યો. જે લોકો ટીવી જોઈ રહ્યા હતા અથવા ખાવાનું ખાઈ સૂવાની તૈયારીમાં હતા, તેઓ તરત પોતાના ઘરમાંથી નીકળી બહાર તરફ ભાગવા લાગ્યા. અચાનક આવેલા આ ઝટકાથી થોડી વાર માટે રસ્તા અને ખુલ્લા મેદાનમાં લોકોની ભીડ એકઠી થવા લાગી. રાતના સન્નાટામાં આ ભૂકંપે લોકોના મનમાં ફરીથી હાલમાં જ જોયેલી ભયાનક ઘટનાની યાદ તાજી કરાવી દીધી. સૌ કોઈ એકબીજાને હાલચાલ પૂછવા લાગ્યા હતા.
India અમેરિકાના હુમલા બાદ ઇરાને એક જ દિવસમાં 10 જહાજો પર હુમલા કરતા વૈશ્વિક તણાવ નવી દિલ્હી,બે અમેરિકન જહાજ અને આઠ ઓઈલ ટેન્કરો પર હુમલાથી વ્યાપક યુદ્ધ ભડકવાના એંધાણઅમેરિકા અને ઈરાન વચ્ચે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ રહ્યો છે. અમેરિકા દ્વારા ઈરાનના 5 ઓઈલ ટેન્કરો તબાહ કરાયા બાદ, ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ વળતો પ્રહાર કરતાં એક જ દિવસમાં 10 જહાજો પર હુમલો કરવાનો દાવો કર્યો છે. આ કાર્યવાહી બાદ હોર્મુઝમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.ઈરાનની IRGC ના જણાવ્યા મુજબ, તેના દળોએ હોર્મુઝના પ્રતિબંધિત અને અસુરક્ષિત વિસ્તારમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા 10 જહાજોને નિશાન બનાવ્યા છે. આ જહાજોમાં 2 અમેરિકન યુદ્ધજહાજ અને 8 ઓઇલ ટેન્કરોનો સમાવેશ થાય છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકન નૌસેનાના વિધ્વંસક જહાજો DDG-119 અને DDG-53 પર સફળ મિસાઇલ હુમલા કર્યા છે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.ઈરાની સરકારી ટીવી પર વાંચવામાં આવેલા નિવેદન અનુસાર, IRGC ની નેવીએ કુવૈત, જોર્ડન અને બહરીનના બંદરો પર હાજર તમામ ઓઈલ ટેન્કરોના ક્રૂને તાત્કાલિક જહાજ ખાલી કરવા કહ્યું છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે બંદરો પર અમેરિકન સેનાની હાજરી છે અને જે અમેરિકન કાર્યવાહીમાં સહયોગ આપી રહ્યા છે, ત્યાં ઊભેલા તમામ ટેન્કરોને નિશાન બનાવવામાં આવશે.આ અગાઉ, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડએ ઓમાનની ખાડી અને ખાર્ગ દ્વીપ નજીક ઈરાન સાથે જોડાયેલા 5 ક્રૂડ ઓઇલ ટેન્કરોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા હતા. અમેરિકાનો આરોપ હતો કે ઈરાને છેલ્લા બે દિવસમાં તેના એક સૈન્ય જહાજ પર બે વાર બેલેસ્ટિક મિસાઇલો દાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય 5 સપ્ટેમ્બરે પણ અમેરિકાએ ઈરાનના 3 ઓઈલ ટેન્કરો તબાહ કર્યા હતા.બીજી તરફ, ઈરાને અમેરિકાના એક અંડરવોટર ડ્રોન (સબમર્સિબલ) ને કબજે કરવાનો દાવો કર્યો છે. જોકે, પેન્ટાગોને આ દાવાને ફગાવતા સ્પષ્ટતા કરી છે કે આ એક જૂનું મોડેલ હતું જે એક દિવસ પહેલા જ ટેકનિકલ ખામીના કારણે બંધ પડી ગયું હતું. તેમાં કોઈ ગોપનીય ડેટા કે સંવેદનશીલ સોનાર-રાડાર સાધનો નહોતા.
India નવરાત્રિએ ગરબામાં વિધર્મીઓના પ્રવેશને લઈને મહારાષ્ટ્ર ભાજપમાં બે ફાડ મુંબઈ,VHP એ પ્રવેશ બંધી ફરમાવી તો સી.એમ.ના પત્ની અમૃતા ફડણવીસ સૌના પ્રવેશની તરફેણમાંમહારાષ્ટ્રમાં નવરાત્રિ પહેલાં ગરબા અને દાંડિયાના આયોજનોમાં મુસ્લિમોના પ્રવેશને લઈને રાજકીય અને સામાજિક વિવાદ ઘેરો બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા મુસ્લિમોને ગરબા ઉત્સવથી દૂર રાખવાની અપીલ કરવામાં આવી છે. આ માટે સંગઠને આયોજકોને ગરબામાં પ્રવેશતા લોકોના આઈડી કાર્ડની ચકાસણી કરવા તેમજ તિલક અને કલાવા (લાલ અને પીળા રંગનો પવિત્ર દોરો) પહેરાવવાની શરતો રાખવાનું સૂચન કર્યું છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભાજપ નેતા નિતેશ રાણેએ VHPની આ માંગણી ખુલ્લેઆમ ટેકો આપ્યો છે, જ્યારે બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે ગરબામાં તમામ ધર્મના લોકોના પ્રવેશનું સમર્થન કર્યું છે.મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ VHPના નિર્ણયનું સમર્થન કરતા આક્ષેપ કર્યો છે કે ગરબા અને અન્ય હિન્દુ તહેવારો દરમિયાન 'લવ જેહાદ'ની ઘટનાઓ વધી જાય છે. તેમણે તર્ક આપ્યો હતો કે જે લોકો મૂર્તિપૂજામાં વિશ્વાસ નથી ધરાવતા, તેમને હિન્દુ ધાર્મિક આયોજનોમાં સામેલ થવાનો કોઈ અધિકાર નથી. આ સિવાય રાણેએ ગરબા મંડપોમાં પ્રવેશ આપતા પહેલા લોકોના આઈડી ચકાસવાની સાથે તેમની પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરાવવાની શરત રાખવાનું પણ સૂચન કર્યું છે.નિતેશ રાણેના નિવેદન અંગે પૂછવામાં આવતા અમૃતા ફડણવીસે તદ્દન અલગ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'તહેવારો સૌને સાથે લઈને ઉજવવા માટે હોય છે અને જો કોઈ મુસ્લિમ વ્યક્તિ કોઈ ઉત્સવમાં સામેલ થઈને શાંતિપૂર્ણ રીતે તેનો આનંદ માણે છે, તો તેમાં કંઈ જ ખોટું નથી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જાહેર આયોજનોમાં નિયમોનું પાલન થવું જોઈએ અને તેનાથી અન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ.ગરબામાં મુસ્લિમોના પ્રવેશ અંગેનો આ વિવાદ હવે માત્ર વિપક્ષ કે સત્તાપક્ષ પૂરતો સીમિત ન રહેતા ભાજપના નેતાઓ વચ્ચેના આંતરિક મતભેદો સામે આવ્યા છે. એક તરફ ભાજપના કટ્ટર નેતા નિતેશ રાણે VHPના કડક વલણને સમર્થન આપી રહ્યા છે, તો બીજી તરફ અમૃતા ફડણવીસે જાહેર મંચ પરથી આ મનોવૃત્તિથી અલગ સૂર ઉચ્ચાર્યો છે. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલાર પણ ગરબા જેવા તહેવારોને તમામ માટે સર્વસમાવેશી રાખવાની વાત કરી ચૂક્યા છે.
India અમેરિકામાં કર્મચારીઓનું શોષણ કરનારા ત્રણ ગુજરાતીઓને ૧.૪૬ મિલિયન ડોલરનો દંડ નવી દિલ્હી,મજૂરોને ગેરકાયદેસર રીતે ‘ઇન્ડિપેન્ડન્ટ કોન્ટ્રાક્ટર’ તરીકે દર્શાવાયા હતાઅમેરિકાના બોસ્ટન વિસ્તારમાં આવેલા લોકપ્રિય ફૂડ આઉટલેટ ‘ડંકીન ડોનેટ્સના ફ્રેન્ચાઇઝી સંચાલકો સામે સ્થાનિક તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં કૌભાંડ આચરનાર ત્રણ ગુજરાતીઓ સહિત સંલગ્ન એજન્સીઓ વિરુદ્ધ શ્રમ કાયદાના ભંગ બદલ કડક પગલાં લેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ તમામ સંચાલકોએ પોતાના વ્યવસાયમાં ગેરરીતિ આચરીને કર્મચારીઓના હકો પર તરાપ મારી હતી.તંત્રની તપાસમાં બહાર આવ્યું છે કે ડંકીન ડોનટ્સના આ યુનિટ્સમાં કામ કરતા ૧૦૦ કરતાં વધુ શ્રમિકો અને કર્મચારીઓને નિયમો વિરુદ્ધ જઈને ‘ઇન્ડિપેન્ડન્ટ કોન્ટ્રાક્ટર’ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ પદ્ધતિનો હેતુ ઓવરટાઇમ તેમજ અન્ય કાયદેસરના લાભો આપવાનું ટાળવાનો હતો. કર્મચારીઓના આ પ્રકારે થયેલા આર્થિક શોષણ અને શ્રમ કાયદાના ઉલ્લંઘનને ગંભીરતાથી લઈને સત્તાવાળાઓએ કુલ ૧.૪૬ મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. આ મામલો વિદેશી ધરતી પર શ્રમિકોના અધિકારો અને શ્રમ કાયદાના પાલન અંગે ફરી એકવાર લાલબત્તી સમાન સાબિત થયો છે, જ્યાં કાયદો તોડનારાઓ સામે વહીવટી તંત્ર દ્વારા સૂરસૂરિયું કરવાના બદલે સખત નાણાકીય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
Ahmedabad અમદાવાદમાં 3 માસ પહેલા બનેલી ઘટના ઓનર કિલિંગ હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ,એક યુવક સાથે સોફિયાનો વીડિયો વાયરલ થતાં આબરૂ જવાની બીકે પરિવારે જ પતાવી દીધીઅમદાવાદમાં અકસ્માતની એક ઘટના પાછળ ચોંકાવનારો ખુલાસો થયો છે. અકસ્માતમાં મોતને ભેટેલી 22 વર્ષીય યુવતી સોફિયાનું ખરેખર ઓનર કિલિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમાજમાં આબરૂ બચાવવાના નામે ખુદ સગા ભાઈ મોહંમદ હાબીલ અને પિતા મોહંમદ ફારૂક (રહે. ફતેવાડી, સરખેજ) દ્વારા જ યુવતીની હત્યા કરીને તેને અકસ્માતનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.મૃતક સોફિયાના કેસમાં પોલીસ તપાસની વિગતો અનુસાર, ત્રણ મહિના અગાઉ તેનો કોઈ યુવક સાથેનો વીડિયો વાઈરલ થયો હતો. પરિવારના ઠપકા છતાં તે અન્ય યુવકો સાથે સંપર્કમાં રહેતી હોવાથી પિતા મોહંમદ ફારૂક અને ભાઈ મોહંમદ હાબીલે તેની હત્યાનું પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હતું. ગત 12 ઓગસ્ટની રાત્રે બંને આરોપીઓ સોફિયાને બાઈક પર બેસાડી સરખેજના ઘેલજીપુરા ગામ પાસેના કાચા રસ્તે અવાવરું જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં ભાઈ હાબીલે પોતાની પાસે સંતાડી રાખેલી લોખંડની હથોડી કાઢી બહેનના માથાના ભાગે ત્રણ ઘા ઝીંકી દીધા હતા અને પિતાએ આ ઘાતકી ગુનામાં મદદગારી કરી હતી. હત્યા બાદ પોલીસને ગુમરાહ કરવા આરોપી ભાઈએ 'એમ' ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે ખોટી ફરિયાદ નોંધાવી હતી કે, કોઈ અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને ટક્કર મારતા બહેનને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી સોલા સિવિલમાં મોત નીપજ્યું છે. જોકે, તપાસમાં આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો ભાંડો ફૂટી જતા પોલીસે ખોટી હકીકત ઉપજાવી કાઢી ગેરમાર્ગે દોરવા બદલ પિતા-પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સોફિયાનો અકસ્માત થયો ન હતો પણ પિતા અને ભાઈએ હથોડીના ઘા ઝીંકી હત્યા કરી હતીસમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, ગત 12/8/26ના રોજ અમને પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનથી અકસ્માત થયાની અને તેમાં પાછળ બેઠેલા બહેનનું હોસ્પિટલમાં મોત થયાની વિગત મળી હતી, જેના આધારે અમે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. આ બનાવમાં અજાણ્યા વાહનની કોઈ વિગતો ન હોવાથી અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં અદ્વૈત બંગલોઝના ફૂટેજમાં ઘટના સમયે કોઈ અકસ્માત થયેલો જણાયો ન હતો, પરંતુ તેના 30 મિનિટ પછી ત્યાં એક બાઈક પર 3 લોકો આવે છે અને બાઈક પડી જવાનો અવાજ આવે છે. આ શંકાસ્પદ વિસંગતતાના કારણે અમે ટેકનિકલ ટીમને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કામે લગાડી હતી. અમે જ્યારે ફરિયાદી મોહમ્મદ હાબીલની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું કે તેની બહેન સોફિયા બોપલની હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી અને તેને ઘરે મૂકવા જતી વખતે આ અકસ્માત થયો હતો. પરંતુ તેણે બતાવેલો રૂટ ખોટો હતો અને કેમેરા ફૂટેજમાં સમય તેમજ રૂટની ઘણી વિસંગતતાઓ સામે આવતાં અમે તેની કડક રીતે પૂછપરછ કરી હતી, જેમાં આખરે તેણે ગુનો કબૂલી લીધો હતો. 3 મહિના પહેલાં સોફિયાનો એક વીડિયો વાઈરલ થયો હતો અને તેના ચારિત્ર્ય પર શંકા હોવાથી તેને ઘરે ઠપકો આપ્યો હતો, પણ તે ન સમજતાં તેના ભાઈ મોહમ્મદ હાબીલ અને પિતા મોહમ્મદ ફારૂકે આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું.આ બંને બાપ-દીકરાએ કાવતરું રચીને પોતાની ફેબ્રિકેશન અને વેલ્ડિંગની દુકાનેથી હથોડી લઈ બાઈક પર સોફિયાને લેવા ગયા હતા. રસ્તામાં 3 વખત ડ્રાઈવર બદલીને તેઓ સુમસામ વિસ્તાર એવા ઘેલજીપુરાના અવાવરુ ખાંચામાં ગયા અને ત્યાં સોફિયાના માથામાં હથોડી મારીને તેની હત્યા કરી નાખી. ત્યારબાદ આ હત્યાને અકસ્માતમાં ખપાવી દેવા માટે તેઓ સોફિયાના મૃતદેહને અદ્વૈત બંગલોઝ સામે લાવ્યા, પોતાની બાઈક પછાડીને તેમજ પોતાના હાથ પર ઘા કરીને અકસ્માતનું નાટક રચ્યું. તેઓ મૂળ યુપીના બુલંદશહરના છે અને સરખેજના ફતેવાડીમાં રહે છે. પિતાને 5 દીકરીઓ અને ભાઈને 4 દીકરીઓ હોવાથી સમાજમાં બદનામી અને અન્ય દીકરીઓની સગાઈ ન થવાના ડરથી આ ઓનર કિલિંગ કર્યું હતું.
India બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવનાથી નવી દિલ્હી,દેશમાં 11 સપ્ટેમ્બરથી વરસાદના છેલ્લા રાઉન્ડની આશા પ્રબળદેશના અનેક વિસ્તારો ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં હાલ ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં પૂર્વ યુપી, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મિઝોરમમાં ભારે વરસાદ (7-11 સેમી) નોંધાયો છે. યુપીમાં બનેલા લો પ્રેશરના કારણે આગામી ચાર દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ અને આકાશી વીજળી પડવાની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં (ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા તટ નજીક) નવી લો પ્રેશર સિસ્ટમ (Low Pressure Area) સક્રિય થવાની પ્રબળ સંભાવના છે. પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 12 થી 14 સપ્ટેમ્બર અને છત્તીસગઢ તથા પૂર્વ મધ્ય પ્રદેશમાં 10 થી 14 સપ્ટેમ્બર દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થશે.ઓડિશામાં 10 સપ્ટેમ્બરે અને અરૂણાચલ પ્રદેશમાં 12 સપ્ટેમ્બરે અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે. તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને વિદર્ભમાં 11 થી 14 સપ્ટેમ્બર દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં 10 સપ્ટેમ્બરથી ચાર દિવસ માટે ભારે વરસાદ રહી શકે છે. જ્યારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં 8 થી 13 સપ્ટેમ્બર વચ્ચે માત્ર છૂટોછવાયો વરસાદ થશે.અંદમાન અને નિકોબારના લોંગ આઇલેન્ડ તથા અસમના આમ્રઘાટમાં સૌથી વધુ 12 સેમી વરસાદ નોંધાયો છે. આ સિવાય પશ્ચિમ બંગાળના હલ્દિયામાં 10 સેમી, પૂર્વ યુપીના મોહમ્મદી અને મિઝોરમના કોલાસિબમાં 9 સેમી, તથા ઓડિશાના નવરંગપુરમાં 8 સેમી વરસાદ પડ્યો છે.દિલ્હી-એનસીઆરમાં 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે, અને તાપમાન 34°C થી 36°C ની વચ્ચે રહેશે. પરંતુ 11 સપ્ટેમ્બરથી હવામાન બદલાશે અને ઘનઘોર વાદળો સાથે હળવાથી મધ્યમ વરસાદના બે રાઉન્ડ આવશે, જેનાથી મહત્તમ તાપમાન ઘટીને 31°C થી 33°C થઈ જશે અને ગરમીથી રાહત મળશે.ગુજરાતમાં 12 સપ્ટેમ્બરથી વરસાદી રાઉન્ડગુજરાતમાં 12 સપ્ટેમ્બરથી ફરી વરસાદી માહોલ જામશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની IMDએ આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યુ છે. ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટ્યા બાદ હવે ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાના એંધાણ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી મુજબ, આગામી 12 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદી માહોલમાં નોંધપાત્ર વધારો થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે.આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ?હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન (14 સપ્ટેમ્બર સુધી) રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડા સાથે છાંટા પડવાની સંભાવના છે. જોકે, 12 અને 13 સપ્ટેમ્બરના રોજ હવામાન પ્રણાલી વધુ સક્રિય બનશે.12 અને 13 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં આગાહી?દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ મૂશળધાર વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા છે.14 સપ્ટેમ્બરે ક્યાં વરસાદ પડશે?14 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. હવામાન નિષ્ણાતોના મત અનુસાર, મધ્ય ઉત્તર પ્રદેશ પર સક્રિય લો-પ્રેશર સિસ્ટમ હવે નબળી પડીને પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ ફંટાઈ છે. પરંતુ, આગામી 11 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તેમજ ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશા દરિયાકાંઠે એક નવું નીચા દબાણનું ક્ષેત્ર સર્જાવા જઈ રહ્યું છે. આ નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે 12 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધશે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હાલમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટાભાગે શુષ્ક હવામાન નોંધાયું છે, પરંતુ આગામી દિવસોમાં બનનારી આ સિસ્ટમ રાજ્યના ખેડૂતો માટે રાહતના લાવી શકે છે.
India અમેરિકા-ઈરાન યુદ્ધ બાદ ક્રૂડ અને ગેસના ભાવ ધરાશાયી થશે : ટ્રમ્પની ભવિષ્યવાણી નવી દિલ્હી ,મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ ૯૭ ડૉલરને પારઅમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા તણાવના કારણે મિડલ ઈસ્ટની ભૌગોલિક-રાજકીય સ્થિતિ અત્યંત તંગ બની છે. આ સંઘર્ષની સીધી અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ઊર્જા બજાર પર જોવા મળી રહી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. વર્તમાન સમયમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ૯૭ ડૉલર પ્રતિ બેરલને વટાવી ગઈ છે, જ્યારે મોંઘવારીનું જોખમ વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બન્યું છે.આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, ઈરાન સામેના વર્તમાન સંઘર્ષમાં અમેરિકાનો વિજય નિશ્ચિત છે અને આ યુદ્ધ પૂર્ણ થયા બાદ વૈશ્વિક બજારમાં તેલ અને ગેસના ભાવમાં મોટો કડાકો બોલશે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે, યુદ્ધ જીત્યા બાદ ગેસની કિંમત ઘટીને ૩ ડૉલર પ્રતિ ગેલન અને ત્યારબાદ ૨ ડૉલર પ્રતિ ગેલનથી પણ નીચે આવી જશે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, અમેરિકા ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર વિકસાવવાની મંજૂરી નહીં આપે.એક તરફ અમેરિકા સાથેનો તણાવ અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે ઈરાન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ઈરાન સરકારે તેના નાગરિકો અને મોટા ગેસ ગ્રાહકો માટે ઇંધણના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈરાન દ્વારા માસિક ક્વોટા (૧૧૦ લીટર અથવા ૨૯ ગેલન) કરતાં વધુ ઇંધણ ખરીદવા પર પ્રતિ લીટર ૧,૦૦,૦00 રિયાલ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે અગાઉના દર કરતાં લગભગ બમણો છે.હાલમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ આશરે ૯૩ ડૉલર પ્રતિ બેરલ જ્યારે મરબાન ક્રૂડ ૩.૪૦ ટકાના ઉછાળા સાથે ૧૦૭ ડૉલર પ્રતિ બેરલ આસપાસ વેપાર કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે, જો મિડલ ઈસ્ટનો આ સંઘર્ષ લાંબો સમય ચાલશે તો વૈશ્વિક સ્તરે ઇંધણની કિંમતો વધુ ઉછળી શકે છે, જેની સીધી અસર સામાન્ય પ્રજાના ખિસ્સા પર પડશે.
India ઇલોન મસ્ક હવે પૃથ્વી છોડીને અવકાશમાં ડેટા સેન્ટરનું સાહસ કરશે નવી દિલ્હી,વિશ્વના સૌથી ધનવાન ઉદ્યોગપતિ અને ટેકનોલોજી જાયન્ટ ઈલોન મસ્કે પૃથ્વી પર ઘટતી જતી જમીનને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્ત્વાકાંક્ષી અને ભવિષ્યવાદી યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત તેઓ હવે પૃથ્વીના બદલે સીધા અવકાશ (સ્પેસ)માં જ વિશાળ ડેટા સેન્ટર્સ સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે. મસ્કે આગામી ૨૦૨૭ના અંત સુધીમાં આ અનોખો પ્રોજેક્ટ લૉન્ચ કરવાનો ટાર્ગેટ પણ નિર્ધારિત કર્યો છે, જેમાં તેમની અગ્રણી કંપનીઓ ‘સ્પેસએક્સ’ અને ‘સ્ટારલિંક’ મુખ્ય ભૂમિકા ભજવશે. વર્તમાન સમયમાં AI ટેકનોલોજીના અભૂતપૂર્વ ઉદય અને વ્યાપક ઉપયોગને કારણે ડેટા સેન્ટર્સની માંગ સમગ્ર વિશ્વમાં બેફામ રીતે વધી રહી છે. જો કે, પૃથ્વી પર ડેટા સેન્ટર્સનું સંચાલન કરવું હવે અનેક મુશ્કેલીઓ નોતરી રહ્યું છે. તેના માટે ભારે માત્રામાં વીજળીનો વપરાશ થાય છે, કૂલિંગ (ઠંડા રાખવા) માટે વિપુલ પ્રમાણમાં પાણીની આવશ્યકતા રહે છે અને સૌથી મોટો પ્રશ્ન વિશાળ જમીનનો વિસ્તાર ફાળવવાનો છે. પૃથ્વી પર જમીન ખૂટી પડવા લાગી છે અને પર્યાવરણીય ચિંતાઓને કારણે ડેટા સેન્ટર્સના વિરોધમાં પણ વધારો થઈ રહ્યો છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલરૂપે ઈલોન મસ્કે અવકાશમાં ડેટા સેન્ટર્સ સ્થાપવાનો વિચાર વહેતો મૂક્યો છે, જેનાથી પૃથ્વી પરના ઉર્જા સંકટને પણ નિવારી શકાશે અને જમીનની જરૂરિયાત સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે.
Gujrat ગત વર્ષના ૧૫મા ક્રમમાંથી શાનદાર છલાંગ લગાવી રાષ્ટ્રીય સ્તરે ટોપ-૧૦માં સ્થાન મેળવ્યું રાજકોટ,'સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૬'માં દેશભરમાં રાજકોટનો સાતમો ક્રમપર્યાવરણ અને શુદ્ધ વાયુની દિશામાં રાજકોટ મહાનગરપાલિકા અને શહેરીજનો દ્વારા કરવામાં આવી રહેલા સઘન પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૬’ના પરિણામોમાં રાજકોટ શહેરે શાનદાર પ્રદર્શન કરતા સમગ્ર દેશમાં ૭મું સ્થાન હાંસલ કર્યું છે.ગયા વર્ષે આ જ સર્વેક્ષણમાં રાજકોટ ૧૫મા ક્રમે રહ્યું હતું, જ્યાંથી આ વખતે જબરદસ્ત છલાંગ લગાવીને શહેરે સીધું ટોપ-૧૦માં સ્થાન મેળવી લીધું છે. આ ઉપલબ્ધિથી રાજકોટ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ અને પ્રદૂષણ નિયંત્રણ ક્ષેત્રે અગ્રેસર શહેર તરીકે ઉભરી આવ્યું છે.આ સિદ્ધિ અંગે માહિતી આપતા રાજકોટના મેયર, પક્ષના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે તંત્ર દ્વારા લાંબા સમયથી આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે. હવામાં પ્રદૂષણ ફેલાવતા કણોને નિયંત્રિત કરવા, શહેરમાં ગ્રીન કવર (હરિયાળી) વધારવા, રસ્તાઓ પર ધૂળ ઉડતી અટકાવવા માટે એન્ટી-સ્મોગ ગન અને મિકેનિકલ સ્વીપિંગ મશીનોનો વ્યાપક ઉપયોગ તેમજ ઔદ્યોગિક અને વાહનોના ધુમાડા પર કડક નજર રાખવા જેવા પગલાં લેવામાં આવ્યા છે.અધિકારીઓએ વિશેષમાં ઉમેર્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની દીર્ધદ્રષ્ટિવાળી નીતિઓ અને ખાસ કરીને રાજકોટના જાગૃત નાગરિકોના સક્રિય સહયોગના કારણે જ આ મોટી સિદ્ધિ હાસિલ કરવી શક્ય બની છે. સ્વચ્છ અને શુદ્ધ હવા માટે તંત્ર અને જનતાની સહિયારી મહેનત રંગ લાવી છે. આ રાષ્ટ્રીય રેન્કિંગ સુધરવાથી રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ અને ગર્વની લાગણી ફેલાઈ ગઈ છે. આગામી દિવસોમાં હજી વધુ આધુનિક આયોજનો હાથ ધરીને હવાની ગુણવત્તામાં વધુ સુધારો લાવવા અને રાષ્ટ્રીય સ્તરે હજી વધુ ઉંચા ક્રમે પહોંચવા માટે તંત્ર દ્વારા નવું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
Rajkot રાજકોટનો લાયન સફારી પાર્કનો પ્રોજેક્ટ ₹૨૪.૬૧ કરોડ પર પહોંચ્યો રાજકોટ, કામ આખરી તબક્કામાં પહોંચતા એજન્સી દ્વારા વધુ ૮ કરોડની માગણીરાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે તૈયાર થઈ રહેલા અત્યાધુનિક લાયન સફારી પાર્કના પ્રોજેક્ટના ખર્ચમાં ધરખમ વધારો થયો છે. મૂળ અંદાજ કરતાં આ પ્રોજેક્ટ હવે રાજકોટ મહાનગરપાલિકાને ₹૨૪.૬૧ કરોડ જેટલી માતબર રકમમાં પડશે. સફારી પાર્કનું કામ પૂર્ણ થવાના આરે પહોંચ્યું છે ત્યારે જ એજન્સી દ્વારા વધુ નાણાંની માગણી કરવામાં આવતાં મ્યુનિસિપલ તંત્ર પર નાણાકીય ભારણ વધ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે લાયન સફારી પાર્કમાં એન્ટ્રન્સ પ્લાઝા અને વિઝિટર એમેનિટીઝના નિર્માણ માટે અગાઉ ₹૧૬.૬૬ કરોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી દરમિયાન તેમાં અંદાજે ₹૭.૯૪ કરોડનો વધારો થતાં હવે કુલ ખર્ચ વધીને ₹૨૪.૬૧ કરોડ સુધી પહોંચી ગયો છે. કામ આખરી ચરણમાં પહોંચતા જ એજન્સીએ નાણાકીય અછત કે વધારાના ખર્ચને લઈને રજૂઆતો કરતાં કોર્પોરેશન સમક્ષ નવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.ખર્ચના આ વધારા વચ્ચે રાજકોટવાસીઓ માટે એક રાહતના સમાચાર એ પણ છે કે આગામી દિવાળીના તહેવારો સુધીમાં આ લાયન સફારી પાર્ક ખુલ્લો મુકાય અને તે સંપૂર્ણપણે ધમધમતો થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. પ્રવાસીઓ માટે સિંહના ખુલ્લા દર્શનનો રોમાંચ વધારવા માટે તંત્ર દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે એન્ટ્રન્સ પ્લાઝા અને વિઝિટર એમેનિટીઝના ખર્ચમાં ₹૭.૯૪ કરોડનો મોટો વધારોઆ વધારાના ખર્ચ અંગે અંતિમ નિર્ણય લેવા માટે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. કમિટી સમક્ષ કુલ ૨૫ જેટલી મહત્વની દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. જેમાં લાયન સફારી પાર્કના વધારાના ખર્ચ ઉપરાંત બગીચાની જાળવણી, પે એન્ડ યુઝ ટોયલેટનું સંચાલન અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત થયેલા ખર્ચ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અંતે નિર્ણયો લેવામાં આવશે.
India પીએમ મોદીના જન્મદિવસે, 17મીએ પ્રગટશે "એક દિયા આશીર્વાદ કા" નવી દિલ્હી,કેન્દ્ર સરકાર ની યોજનાઓના કરોડો લાભાર્થીઓ એક-એક દીવો પ્રગટાવશેવડાપ્રધાન મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે ભાજપે એક મહિના સુધી ચાલનાર `સેવા સંકલ્પ અભિયાન' માટે વ્યાપક તૈયારીઓ કરી છે. અભિયાન અંતર્ગત `એક દીયા આશીર્વાદ કા' કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવશે.વડાપ્રધાનને જનસેવા માટે આશીર્વાદ માટે 17 સપ્ટેમ્બરે દેશભરમાં લાભાર્થી એક દીવો પ્રગટાવશે. સેવા સંકલ્પ અભિયાનમાં ભાજપ વડાપ્રધાનના જનસેવાના 25 વર્ષને લઈને પણ વિશેષ કાર્યક્રમ આયોજીત કરશે. મોદીના જન્મ દિવસે ભાજપ દર વર્ષે સેવા સપ્તાહ કે સેવા પખવાડિયું ઉજવે છે. આ વખતે પણ 17 સપ્ટેમ્બરથી 17 ઓકટોબર સુધી એક મહિનાના સેવા સંકલ્પ મહિનો ઉજવવામાં આવી રહ્યો છે.આ સેવા અભિયાનમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પરંતુ 17 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થી દીવો પ્રગટાવીને વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવશે.આ અભિયાનને `એક દીયા આશીર્વાદ કા' નામ આપવામાં આવ્યુ છે. સૂત્રો મુજબ કેન્દ્ર સરકારની લગભગ 125 અલગ-અલગ યોજનાઓ ચાલે છે, બધી યોજનાઓના કરોડો લાભાર્થી દીવો પ્રગટાવી વડાપ્રધાનને જનસેવા માટે આશિર્વાદ આપશે.ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના દેશમાં લગભગ 81.35 કરોડ લાભાર્થી છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અત્યાર સુધીમાં 41 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ બનાવાયા છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ત્રણ મોટા નેતાઓની કેન્દ્રીય ટીમની રચના કરી છે, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ડી.પુરંદેશ્વરી અને વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીને સામેલ કરાયા છે. રાજયોમાં પણ ગ્રામ્ય સ્તર સુધી ટીમ બનાવાઈ છે. આ અભિયાનથી ભાજપ કાર્યકર્તા વધુને વધુ ઘર સુધી પહોંચવાના પ્રવાસમાં લાગી ગયા છે.
Ahmedabad અમદાવાદ એરપોર્ટ પર યાત્રીઓને હેરાન કરવા બદલ કસ્ટમના 2 સુપ્રિટેન્ડેન્ટ સહિત 4 અધિકારીઓ સસ્પેન્ડ અમદાવાદ,વિભાગીય તપાસના અંતે કસૂરવાર અધિકારીઓ સામે તંત્ર દ્વારા લેવાયા કડક પગલાંસરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરો સાથે અયોગ્ય વર્તન અને હેરાનગતિનો ગંભીર મામલો સામે આવતા કસ્ટમ્સ વિભાગે લાલ આંખ કરી છે. એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ્સના બે સુપ્રિટેન્ડેન્ટ અને બે ઇન્સ્પેક્ટર મળીને કુલ ચાર જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી એરપોર્ટ પર ફરજ બજાવતા ભ્રષ્ટ અને બેજવાબદાર અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના આ અધિકારીઓ દ્વારા વિદેશથી આવતા મુસાફરોને અકારણ હેરાન કરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત, નિયમો મુજબ ચેકિંગ દરમિયાન ફરજિયાતપણે બોડી વોર્ન કેમેરા પહેરવાના હોવા છતાં, આ અધિકારીઓએ કેમેરા પહેર્યા ન હોવાનું પણ તપાસમાં સાબિત થયું હતું.મુસાફરો દ્વારા કરવામાં આવેલી સત્તાવાર અને લેખિત ફરિયાદોને આધારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મુસાફરને હેરાન કરવાના આક્ષેપો સાચા સાબિત થતાં અને વહીવટી ફરજમાં ગંભીર બેદરકારી સામે આવતા, કસ્ટમ્સ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવ્યા છે.આ કાર્યવાહીના ભાગરૂપે બે સુપ્રિટેન્ડેન્ટ અને બે ઇન્સ્પેક્ટરને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરીને વિભાગીય તપાસ વધુ તીવ્ર બનાવવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગના આ સપાટો બોલાવતા એરપોર્ટના અન્ય કર્મચારીઓમાં પણ કડક સંદેશો વહી ગયો છે કે મુસાફરોની સુરક્ષા અને સન્માન સાથે ચેડાં કરનારને બક્ષવામાં આવશે નહીં.
Rajkot RMCએ 18 વર્ષ પહેલા જંક્શન રોડ પર કરેલું ડિમોલિશન કોર્ટે ગેરકાયદે ઠેરવ્યું રાજકોટ ,આર્થિક સંકડામણ અને આઘાતમાં 18 વર્ષો દરમ્યાન ૩૦ વેપારીઓનાં મોત અને એકનો આપઘાતરાજકોટના અત્યંત વ્યસ્ત અને ધમધમતા જંક્શન મેઈન રોડ પર આજથી ૧૮ વર્ષ પહેલાં એટલે કે ૨૦૦૮માં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી 82 જેટલી કેબિનો અને દુકાનો પર થયેલી ડિમોલિશનની એક કાર્યવાહી સામે આખરે ન્યાયનો સૂરજ ઉગ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા મનમાની ચલાવીને અચાનક ચલાવવામાં આવેલા આ બુલડોઝર રાજને અદાલતે ૧૮ વર્ષના લાંબા અંતરાલ બાદ સત્તાવાર રીતે ગેરકાયદે જાહેર કર્યો છે. આ ચુકાદાએ તંત્રની મનસ્વી કાર્યવાહી સામે એક મોટો સવાલ ઊભો કર્યો છે.વર્ષ ૨૦૦૮માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા અચાનક ડિમોલિશનના કારણે અહીં વર્ષોથી વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નિરાશ્રિત થઈ આવેલા અસંખ્ય વેપારીઓ રાતોરાત બેરોજગાર બની ગયા હતા. અચાનક રોજગારી છીનવાઈ જવાથી અને માથે દેવું થઈ જવાથી વેપારીઓની આર્થિક કમર ભાંગી ગઈ હતી. પરિણામે, તીવ્ર માનસિક તાણ, આઘાત અને આર્થિક અસક્ષમતાના કારણે તબક્કાવાર ૩૦ જેટલા વેપારીઓનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વેપારીએ આઘાતમાં આવીને આપઘાત જેવું અંતિમ પગલું ભરી લીધું હતું. આ એક એવી કરુણાંતિકા હતી જેના ઘા પીડિત પરિવારો માટે ક્યારેય રૂઝાયા નહોતા.કોર્ટના ઐતિહાસિક અને માનવતાવાદી ચુકાદાથી પીડિત પરિવારોને વૈકલ્પિક જગ્યા મળવાનો માર્ગ મોકળો આ લડાઈ એટલી લાંબી અને ખર્ચાળ સાબિત થઈ કે શરૂઆતમાં લડત આપનાર ૮૨ વેપારીઓમાંથી આર્થિક અક્ષમતા અને ગરીબીના કારણે મોટાભાગના લોકો પાછા હટી ગયા હતા. આખી ય કાનૂની લડાઈમાં માત્ર ૩૬ વેપારીઓ જ એવા હતા કે જેઓ છેક સુધી મક્કમ રહીને અદાલતમાં કાનૂની જંગ લડતા રહ્યા. આખરે આ અડગ મનોબળ અને સત્યની જીત થઈ છે. કોર્ટે તંત્રની કાર્યવાહીને ગેરકાયદે ઠેરવીને પીડિતો માટે રાહતના દરવાજા ખોલી આપ્યા છે. આ માનવતાવાદી ચુકાદાને પગલે હવે વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહેલા મૃતક વેપારીઓના પરિવારો અને બાકી રહેલા તમામ પીડિતોમાં એક નવી આશા જાગી છે કે તેમને યોગ્ય વૈકલ્પિક જગ્યા કે ન્યાય મળશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1900, 2012 અને 2013માં સ્ટેન્ડિંગ બેઠકમાં આ લોકોને વૈકલ્પિક જગ્યા આપવાના ઠરાવો થયા હતા પણ તેનો અમલ હજી સુધી થયો નથી ત્યારે જ કોર્ટનો આ નિર્ણય આવતા હવે કોર્પોરેશનની ભૂમિકા પર સૌની નજર મંડાયેલી છે.
અમદાવાદ એરપોર્ટ પર યાત્રીઓને હેરાન કરવા બદલ કસ્ટમના 2 સુપ્રિટેન્ડેન્ટ સહિત 4 અધિકારીઓ સસ્પેન્ડ 08 Sep 2026
તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ સુરેન્દ્રનગર,ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને રંગબેરંગી જીવનશૈલીને એક જ સ્થળે જીવંત કરતી અનેક પરંપરાઓમાં તરણેતરનો મેળો આગવું સ્થાન ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક તરણેતર ખાતે આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ વિશ્વવિખ્યાત મેળો માત્ર ધાર્મિક મેળો નથી, પરંતુ ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાનો ભવ્ય ઉત્સવ છે. આ વર્ષે વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો 14થી 16 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે.તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. મેળા દરમિયાન ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડે છે. મેળાનું વાતાવરણ લોકગીતો, લોકનૃત્યો, પરંપરાગત વસ્ત્રો અને રંગબેરંગી છત્રીઓથી જાણે જીવંત બની જાય છે.રંગબેરંગી છત્રીઓ છે મેળાની ઓળખતરણેતર મેળાની સૌથી આગવી ઓળખ તેની અદ્ભુત કારીગરીવાળી ભરતકામ અને કાચથી સજાવેલી રંગબેરંગી છત્રીઓ છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવકો જ્યારે આ છત્રીઓ સાથે મેળામાં આવે છે ત્યારે સમગ્ર મેળાનું વાતાવરણ વધુ આકર્ષક બની જાય છે.પ્રાચીન સમયથી આ મેળો યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદ કરવાની પરંપરા સાથે પણ જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. યુવકો પોતાની વિશિષ્ટ ભરતકામવાળી છત્રીના માધ્યમથી યુવતીઓનું ધ્યાન આકર્ષિત કરતા. આ પરંપરાએ તરણેતર મેળાને અન્ય મેળાઓથી અલગ ઓળખ અપાવી છે.રાસના તાલે ઝૂમે તરણેતરમેળામાં સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો અનોખો રંગ જોવા મળે છે. બેડા રાસ, હૂડો રાસ અને છંદ ગોઠણ જેવા પરંપરાગત નૃત્યો મેળાનું મુખ્ય આકર્ષણ બને છે. શરણાઈ, ઢોલ અને મંજીરાના તાલ સાથે હજારો લોકો રાસના રંગમાં રંગાઈ જાય છે.મેળામાં આવતા લોકો પરંપરાગત ચણિયાચોળી, કેડિયા અને રંગબેરંગી પાઘડીઓ ધારણ કરે છે. જેના કારણે સમગ્ર મેળો જાણે ગુજરાતની જીવંત લોકકળાનું વિશાળ મંચ બની જાય છે.મહાભારત સાથે જોડાયેલી પૌરાણિક કથાતરણેતર સાથે મહાભારતકાળની પૌરાણિક કથા પણ જોડાયેલી છે. લોકમાન્યતા મુજબ અર્જુને મત્સ્યવેધ કરીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા તે સ્થળ તરણેતર હોવાનું માનવામાં આવે છે. આ ધાર્મિક અને પૌરાણિક માન્યતાને કારણે મેળા દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન અને પૂજન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.એવી પણ માન્યતા છે કે ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિ પંચમીના દિવસે અહીં આવેલા પવિત્ર કુંડમાં ગંગાજીનું આગમન થાય છે. તેથી શ્રદ્ધાળુઓ કુંડમાં પવિત્ર સ્નાન કરી ધાર્મિક વિધિઓ કરે છે.ગ્રામ્ય રમતો અને પશુ મેળો પણ આકર્ષણતરણેતર મેળો માત્ર નૃત્ય અને ધાર્મિક કાર્યક્રમો પૂરતો સીમિત નથી. મેળા દરમિયાન પરંપરાગત ગ્રામ્ય રમતોનું પણ આયોજન કરવામાં આવે છે. કુશ્તી, નાળ ફેંક સહિતની વિવિધ સ્પર્ધાઓ લોકોમાં ઉત્સાહ જગાવે છે. ઘોડા અને બળદગાડાની દોડ પણ મેળાના આકર્ષણમાં વધારો કરે છે.આ ઉપરાંત કાંકરેજ બળદ, ગીર ગાયો અને કાઠિયાવાડી ઘોડાઓનું પ્રદર્શન અને લે-વેચ પણ યોજાય છે. આ પ્રવૃત્તિઓ ગુજરાતના ગ્રામ્ય જીવન અને પશુપાલન પરંપરાની ઝલક આપે છે.આમ, તરણેતરનો મેળો ધર્મ, લોકકલા, સંગીત, નૃત્ય, પરંપરા અને ગ્રામ્ય જીવનનો અનોખો સંગમ છે. ત્રણ દિવસ સુધી ચાલતો આ મેળો ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને દેશ-વિદેશમાં ઉજાગર કરવાનું મહત્વનું માધ્યમ બની રહ્યો છે. 2026માં યોજાનારો તરણેતર મેળો પણ લાખો મુલાકાતીઓ માટે લોકસંસ્કૃતિના આ રંગીન મહાકુંભનો અનુભવ કરાવશે. Read More
ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ અમદાવાદ,ચોમાસાની વિદાયની શરૂઆત થાય તે પહેલાં દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના 21 રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને આગામી સાત દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી શકે છે.ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું ખાસ મહત્વ રહે છે. રાજ્યમાં ચોમાસાની સિઝન અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે ત્યારે આગામી દિવસોમાં થનારો વરસાદ ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેતીના પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. આવી સ્થિતિમાં જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ખેડૂતોને રાહત મળી શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જ્યારે કેટલાક સ્થળોએ ભારે વરસાદની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે. વરસાદ સાથે કેટલીક જગ્યાએ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકાની પણ સંભાવના રહે છે.ખેડૂતો માટે સપ્ટેમ્બરનો વરસાદ મહત્વનોસપ્ટેમ્બર મહિનામાં પડતો વરસાદ ખેડૂતો માટે અનેક રીતે મહત્વપૂર્ણ હોય છે. ખરીફ પાકની અંતિમ તબક્કાની જરૂરિયાતો માટે વરસાદ ઉપયોગી બની શકે છે. ખાસ કરીને કપાસ, મગફળી, તુવેર સહિતના પાક માટે યોગ્ય સમયે મળતું પાણી ઉત્પાદન પર સીધી અસર કરી શકે છે.જોકે, જ્યાં પાક તૈયાર થવાની સ્થિતિમાં હોય ત્યાં અતિભારે વરસાદ નુકસાનકારક પણ બની શકે છે. ખેતરોમાં પાણી ભરાવાની સાથે પાકને નુકસાન થવાની શક્યતા રહે છે. તેથી ખેડૂતોને હવામાન વિભાગની આગાહી પર નજર રાખવાની અને પાકની સ્થિતિ પ્રમાણે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવે છે.ચોમાસાની વિદાય પહેલાં ફરી વરસાદી માહોલસામાન્ય રીતે સપ્ટેમ્બર મહિના બાદ દેશના અનેક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થાય છે. જોકે, વિદાય પહેલાં હવામાનમાં ફરીથી પલટો જોવા મળવો સામાન્ય છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી સર્જાતી હવામાન પ્રણાલીઓના કારણે કેટલાક રાજ્યોમાં વરસાદી ગતિવિધિ વધી શકે છે.ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને નાગરિકો અને સ્થાનિક તંત્રએ જરૂરી સાવચેતી રાખવી જરૂરી બની છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે ખેડૂતો તેમજ સામાન્ય લોકોએ સ્થાનિક હવામાનની અપડેટ પર નજર રાખવી જરૂરી છે. ખાસ કરીને ભારે વરસાદની ચેતવણીવાળા વિસ્તારોમાં નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાતા માર્ગો પર અનાવશ્યક અવરજવર ટાળવી હિતાવહ રહેશે.આગામી સાત દિવસ ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારો માટે વરસાદની દૃષ્ટિએ મહત્વપૂર્ણ બની શકે છે. ચોમાસાની વિદાય પહેલાં પડનારો આ વરસાદ ખેડૂતો માટે રાહત લાવે છે કે પછી ક્યાંક મુશ્કેલી ઊભી કરે છે, તેના પર સૌની નજર રહેશે. Read More
રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી રાજકોટ,રોકાણકારોના ભોળવીને બનાવટી સહીઓ અને દસ્તાવેજો દ્વારા કરોડો રૂપિયા સગેવગે કરનાર આરોપીઓ પોલીસ સકંજામાંરાજકોટના ઔદ્યોગિક અને વેપારી વર્તુળોમાં સનસનાટી મચાવી દેતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પાંચ જાણીતા ઉદ્યોગકારો સાથે આશરે રૂ. ૧૪૪ કરોડ જેટલી જંગી રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવતા સમગ્ર વેપારી આલમમાં હચમચ મચી ગઈ છે. આ કૌભાંડ પાછળ રાજકોટ અને અમદાવાદના ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) સહિતના મુખ્ય સૂત્રધાર સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે.બનાવ અંગે રાજકોટમાં બીગ બજાર પાછળ અમરનાથ મંદિર રોડ પર સાંઈનગરમાં રહેતાં જયેન્દ્રભાઈ મુળજીભાઈ અકબરી (ઉ.વ.56) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ટર્નરેસ્ટ રીસોર્સીસ પ્રા.લી. કંપનીના ડાયરેકટરો જય હર્ષદકુમાર ચોટલીયા (રહે. સ્વાતિ ક્રિમશન એન્ડ ફલોવર શિલજ સર્કલ થલતેજ સરદાર પટેલ રીંગ રોડ, અમદાવાદ), મિતેષ કિરીટકુમાર સંઘવી (રહે. જનતા સોસાયટી ૩, મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસે, રાજકોટ) અને મનીષ ગોવિંદભલ ડાંગી (રહે. 41 અમરનાથ વિલાસ પ્રાઇડ આઇકોન પાસે સાયન્સ સીટી સર્કલ, સોલા ભાડજ ક્રોસ રોડ અમદાવાદ) નું નામ આપતાં આર્થિક ગુના નિવારણ શાખાએ જીપીઆઇડી એકટ સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ હાલમાં નિવૃત જીવન પસાર કરે છે. પહેલાં તેઓ પોતાની રીતે તેમજ મિત્ર અરવિંદભાઈ જસમમતભાઈ રામાણીની સાથે વેપાર ધંધો કરતો હતાં. મિત્ર અરવિંદભાઈ રામાણી કે જેઓ અવધ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. નામે પેઢી ધરાવી વેપાર કરે છે. તેઓના સી.એ. તરીકે જય ચોટલીયા કામકાજ કરતા હોય જેથી તેઓની પાસે પોતાનુ તથા પોતાની કંપનીનુ ઇન્કમટેક્ષ રીર્ટન અને તેઓની કંપનીનાં ઓડીટનું કામકાજ કરાવતા હતા. તેમજ જય ચોટલીયા અરવિંદભાઈ રામાણીના આર્થિક સલાહકારઆરોપીઓએ ઈન્ડોનેશિયન કોલસાની આયાત-નિકાસ અને વેપાર કરતી 'ટર્નરેસ્ટ રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીમાં રોકાણ કરવા માટે આ ઉદ્યોગકારોને આકર્ષ્યા હતા. આરોપીઓએ કોલસાના ધંધામાં ટૂંકા સમયમાં અધધધ... ઊંચું વળતર (હાઈ રિટર્ન) મેળવવાની લાલચ આપીને પાંચેય ઉદ્યોગકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.રાજકોટ અને અમદાવાદના ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સહિતના શખ્સોનું મોટું કારસ્તાનત્યારબાદ, આ કારસ્તાનીઓએ કાવતરૂં રચીને લોન રિન્યુઅલના દસ્તાવેજોમાં ભોળા વેપારીઓની બનાવટી સહીઓ કરી લીધી હતી અને કંપનીના નાણાકીય વ્યવહારોમાં મોટો ગોટાળો આચર્યો હતો. આરોપીઓએ રોકાણકારોની જાણ બહાર કંપનીના શેર, ડિપોઝિટ્સ તેમજ તેમની મોર્ગેજ (ગીરો) રાખેલી મિલકતોના દસ્તાવેજોનો દુરુપયોગ કરી નાણાં સગેવગે કરી દીધા હતા.આ મામલે પીડિત ઉદ્યોગકારો દ્વારા કંપનીના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો, બેંક લોન અને અન્ય ગેરરીતિઓ અંગે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઐતિહાસિક અને ચકચારી કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓને સકંજામાં લેવામાં આવ્યા છે, ત્યારે પોલીસ દ્વારા આ કૌભાંડના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. Read More
ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન રાજકોટ,સ્વાસ્થ્ય ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સિદ્ધિમહિલાઓમાં થતા ગંભીર એવા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) સામે રાજ્યની યુવતીઓ અને કિશોરીઓને સુરક્ષિત અને નિરોગી બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા મહત્ત્વપૂર્ણ HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ અભિયાને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૬ લાખથી વધુ કિશોરીઓને આ રસી આપીને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, સર્વાઇકલ કેન્સર એ મહિલાઓમાં પ્રવર્તતી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે, જેનો સમયસર પ્રતિકાર કરવા માટે રસીકરણ અત્યંત અસરકારક માધ્યમ સાબિત થાય છે. આ ગંભીર બીમારીને મૂળમાંથી નાબૂદ કરવા તથા નાની વયથી જ કિશોરીઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં વ્યાપક સ્તરે ઝુંબેશ ચલાવવામાં આવી હતી.સર્વાઇકલ કેન્સર સામે રાજ્ય સરકારની આરોગ્ય પહેલને મળી વ્યાપક સફળતાઆ અભિયાન અંતર્ગત શાળાઓ અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રો દ્વારા વિશેષ શિબિરો યોજીને લક્ષ્યાંકિત જૂથની કિશોરીઓને HPV રસીના ડોઝ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. વાલીઓમાં પણ આ રસીકરણને લઈને સભાનતા વધતાં ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે, જેના પરિણામે માત્ર ટૂંકા સમયગાળામાં જ ૬ લાખથી વધુ રસીકરણનો આંકડો પાર થયો છે.રાજ્ય સરકારના આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પગલાથી ભવિષ્યની પેઢીને જીવલેણ કેન્સરના જોખમથી સુરક્ષિત કરી શકાશે. આરોગ્ય તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ અભિયાનને વધુ સઘન બનાવીને વધુમાં વધુ કિશોરીઓને આ રસીના સુરક્ષા કવચ હેઠળ આવરી લેવા માટેની કટિબદ્ધતા દોહરાવવામાં આવી છે. Read More
પ્રદર્શન અને એક્ઝિબિશન માટે કાયમી ગ્રાઉન્ડ ફાળવવા રાજકોટના ઉદ્યોગકારોની જોરદાર માંગ રાજકોટ,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ટ્રેડ ફેર યોજવા આધુનિક સુવિધાસભર વિશાળ જગ્યા ફાળવવા સરકાર સમક્ષ રજૂઆતએન્જિનિયરિંગ અને મશીનરી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે દેશ-વિદેશમાં અનોખી ઓળખ ધરાવતા સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે ઔદ્યોગિક ગતિવિધિઓને વધુ બળ પૂરું પાડવા માટે હવે એક કાયમી પ્રદર્શન ગ્રાઉન્ડ (એક્ઝિબિશન ગ્રાઉન્ડ) ફાળવવાની માંગ ઉદ્યોગ જગતમાંથી જોર પકડી રહી છે. રાજકોટના અગ્રણી ઉદ્યોગકારો અને વિવિધ સંસ્થાઓએ સરકાર સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી છે કે રંગીલા રાજકોટના ઔદ્યોગિક વિકાસને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે કાયમી ધોરણે મોટું પ્રદર્શન સ્થળ હોવું અત્યંત અનિવાર્ય છે.રાજકોટમાં સમયાંતરે એન્જિનિયરિંગ ફેર, ઓટોમોબાઈલ પ્રદર્શનો અને વિવિધ ટેક્નોલોજી આધારિત ઔદ્યોગિક મેળાઓ યોજાતા હોય છે, જેમાં દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશી ખરીદદારો અને ઉદ્યોગસાહસિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. જો કે, યોગ્ય અને કાયમી સુવિધાસભર વિશાળ ગ્રાઉન્ડના અભાવે આ પ્રકારના ભવ્ય આયોજનો માટે અનેક પ્રકારની વહીવટી અને ભૌતિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ઉદ્યોગ અગ્રણીઓના જણાવ્યા અનુસાર, જો રાજકોટમાં કોઈ યોગ્ય જગ્યાએ કાયમી પ્રદર્શન ગ્રાઉન્ડ વિકસાવવામાં આવે, તો અહીં કાયમી ધોરણે અત્યાધુનિક હોલ, સેમિનાર રૂમ અને વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ ઊભી કરી શકાશે. આનાથી સ્થાનિક ઉત્પાદકો અને મશીનરી મેન્યુફેક્ચરર્સને પોતાના અદ્યતન ઉત્પાદનોનું પ્રદર્શન કરવા માટે એક ઉત્તમ મંચ મળી રહેશે, જે 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને પણ વધુ મજબૂતી પ્રદાન કરશે.સ્થાનિક ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને આ બાબતે સત્વરે હકારાત્મક અભિગમ અપનાવીને યોગ્ય વિસ્તારમાં કાયમી પ્રદર્શન ગ્રાઉન્ડ માટે જમીન ફાળવવા અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે સત્વરે નક્કર પગલાં ભરવા ભારપૂર્વક અપીલ કરી છે. Read More
અમદાવાદમાં ખાદ્યપદાર્થના પેકેટો પર નામ, ઘટક સહિતની વિગતો દર્શાવવી ફરજિયાત અમદાવાદ,કાગળ પર કરાયેલા નિયમોની અમલવારી થશે કે કેમ તે અંગે મત-મતાંતરઅમદાવાદ શહેરમાં શેરીએ શેરીએ આવેલી હોટેલ-રેસ્ટોરન્ટથી લઈને લારીઓ સુધી વેચાતા અખાદ્ય ખોરાકના દૂષણને કાબૂમાં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરમાં વેચાતા તમામ ખાદ્ય પદાર્થો પર નામ, ઘટક અને પોષક તત્ત્વો વગેરે જેવી તમામ જરૂરી વિગતો દર્શાવતું લેબલ લગાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જોકે, ભૂતકાળમાં પણ છૂટક વેચાતી મીઠાઈઓ પર ઉત્પાદન તારીખ (મેન્યુફેક્ચરિંગ ડેટ) અને એક્સપાયરી ડેટ લખવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ સમય જતાં તેનું પાલન ધીમે ધીમે બંધ થઈ ગયું છે.અમદાવાદમાં અગાઉ પણ કેટલીક મહત્ત્વની સૂચનાઓ આપવામાં આવી હતી, જેમાં હોટેલ-રેસ્ટોરન્ટના રસોડાનું ગ્રાહકો સમક્ષ લાઈવ સ્ટ્રિમિંગ કરવું તથા દુકાનોમાં મીઠાઈ અને ફરસાણના પ્રાથમિક ટેસ્ટિંગ માટેની કિટ રાખવી વગેરેનો સમાવેશ થાય છે. આ કવાયતના ભાગરૂપે મ્યુનિ.ના ફૂડ વિભાગે ગુજરાત બેકર્સ એસોસિએશનના 100થી વધુ સભ્યો સાથે એક મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ વેપારીઓને યોગ્ય પેકેજિંગ કરવા અને ફરજિયાત લેબલિંગની જોગવાઈઓનો ચૂસ્તપણે અમલ કરવા કડક તાકીદ કરવામાં આવી છે. આ નિયમોનું અનાદર કરનાર કે પાલન ન કરનાર ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશેબીજી તરફ, અમદાવાદમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓ માટે પોતાની દુકાનમાં 'રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ' રાખવી ફરજિયાત કરવામાં આવી છે, પરંતુ મોટાભાગની દુકાનોમાં હજુ સુધી આ કિટ રાખવામાં આવી નથી. Read More
રાજ્યમાં ગત એક માસમાં ટ્રાફિક નિયમ ભંગના 74,242 કેસ: 5.33 કરોડથી વધુનો દંડ વસૂલાયો અમદાવાદ,યોગ્ય નંબરપ્લેટવાળા વાહનચાલકો પર વિશેષ નજર રખાશે રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ હેઠળ ઓગસ્ટ મહિનામાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના મળીને 74,242 કેસ નોંધવામાં આવ્યા છે. આ કેસોમાં વાહનચાલકો પાસેથી રૂ. 5.33 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત ગેરકાયદેસર પાર્કિંગ સામે પણ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે અને 36 હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. ઓગસ્ટ મહિનાના આંકડા દર્શાવે છે કે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમભંગ સામે કાર્યવાહીનો વ્યાપ મોટો રહ્યો છે.રાજ્યમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ સામે પોલીસ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શહેરોના વ્યસ્ત રસ્તાઓ, હાઇવે અને ટ્રાફિકના વધુ ભારવાળા વિસ્તારોમાં આવા નિયમભંગ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓગસ્ટ દરમિયાન નોંધાયેલા 74,242 કેસ અને રૂ. 5.33 કરોડથી વધુની દંડ વસૂલાત એ વાતનો સંકેત આપે છે કે રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલને લઈને પોલીસ તંત્ર સક્રિય છે. ગેરકાયદે પાર્કિંગ સામે પણ પોલીસ અને ટ્રાફિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના આદેશથી 1 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2026 સુધી નંબર પ્લેટ વગરના, અયોગ્ય નંબર પ્લેટ ધરાવતા અથવા નંબર પ્લેટમાં ચેડાં કરાયેલા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નંબર પ્લેટ વાહનની ઓળખ માટે મહત્વપૂર્ણ હોવાથી તેમાં ચેડાં કરવાથી પોલીસ માટે વાહનની ઓળખ અને તપાસમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને નંબર પ્લેટ છુપાવવી, વાંચી ન શકાય તેવી બનાવવી અથવા નિયમ મુજબની નંબર પ્લેટના બદલે અયોગ્ય પ્લેટ લગાવવી જેવા કિસ્સાઓ સામે પોલીસનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. Read More
નેપાળમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ધ્રુજ્યા નવી દિલ્હી,રાત્રે 9:38 કલાકે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 143 કિ.મી.ની ઉંડાઈએ, જાનહાનિ નહીનેપાળમાં ફરી એક વાર ભૂકંપના ઝટકાએ લોકોને હચમચાવી નાખ્યા છે. 8 સપ્ટેમ્બર 2026ની મોડી રાતે લગભગ 9 વાગ્યાને 38 મિનિટ પર નેપાળની ધરતી અચાનક ધ્રુજવા લાગી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0ની માપવામાં આવી છે. જ્યારે લોકો પોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા, સૂવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક જમીન હલવા લાગી. જો કે, રાહતની વાત એ છે કે આ ભૂકંપનું કેન્દ્ર જમીનની ખૂબ જ નીચે એટલે કે 143 કિમી ઊંડું હતું. ઊંડાઈ વધારે હોવાના કારણે અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનમાલના ખતરાના કોઈ સમાચાર સામે આવ્યા નથી.રાતના 9 કલાકને 38 મિનિટે નેપાળના કેટલાય વિસ્તારમાં લોકોને ઝટકા અનુભવાયા. અચાનક ઘરોમાં પંખા, બારીઓ અને દરવાજા હલવાનો અવાજ આવવા લાગ્યો. જે લોકો ટીવી જોઈ રહ્યા હતા અથવા ખાવાનું ખાઈ સૂવાની તૈયારીમાં હતા, તેઓ તરત પોતાના ઘરમાંથી નીકળી બહાર તરફ ભાગવા લાગ્યા. અચાનક આવેલા આ ઝટકાથી થોડી વાર માટે રસ્તા અને ખુલ્લા મેદાનમાં લોકોની ભીડ એકઠી થવા લાગી. રાતના સન્નાટામાં આ ભૂકંપે લોકોના મનમાં ફરીથી હાલમાં જ જોયેલી ભયાનક ઘટનાની યાદ તાજી કરાવી દીધી. સૌ કોઈ એકબીજાને હાલચાલ પૂછવા લાગ્યા હતા. Read More