કોલંબિયામાં 7.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી 132 લોકોના મોત

કોલંબિયામાં 7.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી 132 લોકોના મોત

નવી દિલ્હી,

1,575 મકાનો ધરાશાઈ અને 6 એરપોર્ટ પર ફ્લાઈટ્સ ઠપ

દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે આવેલા તીવ્ર ભૂકંપે ભારે વિનાશ નોતર્યો છે. કોલંબિયાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા 7.4ની તીવ્રતાના આ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 132 પર પહોંચી ગયો છે, જ્યારે મૃતકોનો આંકડો હજુ વધવાની ભીતિ સેવાઈ રહી છે. 570થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કોલંબિયા સરકારે કરી છે.

ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે સ્થાનિક વિસ્તારોમાં આવેલી ડઝનબંધ ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. અનેક રહેણાંક મકાનો અને વ્યાવસાયિક ઈમારતો કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળ નીચે હજુ પણ મોટી સંખ્યામાં લોકો દબાયેલા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના સ્વજનોને શોધવા માટે વલખા મારી રહ્યા છે.

કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમોને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં ખડકી દેવામાં આવી છે. અત્યારે પ્રાથમિકતા કાટમાળમાં દબાયેલા લોકોને બચાવવાની અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવાની છે. તંત્ર દ્વારા રાહત કામગીરી ચાલુ હોવાથી આગામી સમયમાં નુકસાન અંગેની વધુ વિગતો સ્પષ્ટ થશે.

કાટમાળ નીચે અનેક લોકો દબાયા હોવાની આશંકાથી મૃતાંક વધવાની શક્યતા

કુદરતી હોનારતની આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે કોલંબિયા સરકારે સોમવારે જ દેશમાં ‘રાષ્ટ્રીય આપત્તિ’ જાહેર કરી દીધી હતી. કોલંબિયાના પ્રમુખ Abelardo de la Espriellaએ બોગોટાથી માહિતી આપતા જણાવ્યું હતું કે, આ શક્તિશાળી ભૂકંપને કારણે દેશભરમાં 1,575 મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, દેશના 6 એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થતાં તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સનું ઓપરેશન તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

કોલંબિયન જિયોલોજિકલ સર્વિસના જણાવ્યા અનુસાર, પશ્ચિમી કોલંબિયામાં સ્થાનિક સમય મુજબ સવારે 7:34 વાગ્યે આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ચૌકો વિભાગના સાન જોસ ડેલ પાલ્મરનજીક જમીનમાં 96 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું.

સંબંધિત તંત્ર અને અધિકારીઓ પ્રભાવિત પ્રાંતોની રાજધાનીઓ, સ્થાનિક મેયર અને તેમની ટીમ સાથે સતત સંપર્કમાં છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને અસરગ્રસ્તો સુધી સૌથી જરૂરી રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

You may also like

ગાંધીનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ ધરાશાઈ થતાં દબાયેલા 15નું રેસ્ક્યૂ

ગાંધીનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ ધરાશાઈ થતાં દબાયેલા 15નું રેસ્ક્યૂ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી