ગાંધીનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ ધરાશાઈ થતાં દબાયેલા 15નું રેસ્ક્યૂ Sep 10, 2026 ગાંધીનગર ,ચારને હોસ્પિટલમાંથી રજા અપાઈ 11 હજુ દાખલગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બુધવારે રાત્રે આશરે 9.15થી 9.30 વાગ્યાની આસપાસ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કુડાસણના બોસ્કી ધ એમ્પાયર નામના નિર્માણાધીન કોમર્શિયલ પ્રોજેક્ટમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ત્રીજા માળે બનાવવામાં આવેલો સ્લેબ અને તેની સાથેનું સેન્ટરિંગ સ્ટ્રક્ચર અચાનક નીચે આવી પડ્યું હતું. સ્લેબનો મોટો હિસ્સો ધરાશાયી થતાં ત્યાં કામ કરી રહેલા શ્રમિકોમાંથી અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હતા.ઘટનાની જાણ થતાં શરૂઆતના તબક્કે સ્થાનિકોએ કાટમાળમાંથી કેટલાક શ્રમિકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. ત્યારબાદ ગાંધીનગર ફાયર અને ઇમરજન્સી સર્વિસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે કાટમાળ વચ્ચે ફસાયેલા શ્રમિકોને શોધવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રારંભિક અહેવાલોમાં 10થી 15 શ્રમિકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટનાસ્થળેથી શરૂઆતમાં ચાર શ્રમિકોને સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે વધુ ચાર લોકોને રેસ્ક્યુ કર્યા હતા. SDRFના આશરે 60 જવાનો તેમજ ફાયર બ્રિગેડની ચારથી પાંચ ટીમો રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હતી. ગાંધીનગર કલેક્ટર રવિન્દ્ર ખટાલેના જણાવ્યા મુજબ આશરે 15 લોકો ફસાયા હતા અને તમામને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત શ્રમિકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા અને અન્ય અધિકારીઓએ 11 લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દાખલ કરાયેલા 11 દર્દીઓમાંથી કોઈની હાલત ગંભીર નથી. 4 લોકોને રજા અપાઈ છે. કેટલાક શ્રમિકોને સામાન્ય ઇજાઓ થઈ હતી, જ્યારે બે શ્રમિકોને વધુ ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. એકને કરોડરજ્જુ સંબંધિત ઇજા અને અન્ય એકને ફ્રેક્ચર થયું છે. રેસ્ક્યુ કામગીરી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા. એક અહેવાલ મુજબ ક્રેન દ્વારા છતના ભાગને ટક્કર લાગ્યા બાદ માળખું ધરાશાયી થયું હોવાની પ્રાથમિક માહિતી છે. Next Post