અભિનેત્રી પર અશ્લીલ ટિપ્પણી મામલે ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત Aug 04, 2026 ચેન્નઈ,પાર્ટી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણથી મામલો ગરમાયોકાવેરી જળ વિવાદ મામલે તામિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય સામે નિવેદન આપતી વેળાએ કથિત વિવાદાસ્પદ અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ તામિલનાડુ પોલીસે વિરોધ પક્ષના નેતા અને ડીએમકે નેતા ઉધયનિધિ સ્ટાલિનની અટકાયત કરી છે. આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઉધયનિધિ સ્ટાલિન કાવેરી મુદ્દે એક સભાને સંબોધિત કરી રહ્યા હતા અને તામિલનાડુ સરકારની નિષ્ફળતા પર પ્રહારો કરી રહ્યા હતા. તે દરમિયાન ભીડમાંથી કોઈક વ્યક્તિએ "તૃષા, તૃષા" તેવી બૂમો પાડી હતી. આ વાત પર થોડી ક્ષણો માટે અટકીને ઉધયનિધિએ એક ડબલ મિનિંગ એટલે કે દ્વિઅર્થી ટિપ્પણી કરી હતી. જેને અભિનેત્રી તૃષા સાથે જોડીને જોવામાં આવી રહી છે અને આ નિવેદને રાજકીય જગતમાં ભારે હલચલ મચાવી દીધી છે.આ વિવાદાસ્પદ નિવેદન સામે આવતા જ તામિલનાડુમાં ભારે રાજકીય રોષ ફાટી નીકળ્યો હતો. શાસક પક્ષ ટીવીકે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉધયનિધિ સ્ટાલિનની આકરી ટીકા કરવામાં આવી હતી. ટીવીકે નેતા આદવ અર્જુનાએ ઉધયનિધિની ભાષાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા તેમને એબ્યુસિંગ નિધિ કહ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓ મહિલાઓ પ્રત્યે વિકૃત માનસિકતા ધરાવે છે. તેમજ ટીવીકે પ્રવક્તા ફેલિક્સ ગેરાલ્ડે પણ સવાલ ઉઠાવ્યો હતો કે શું નેતા આવા અપશબ્દો પોતાના પુત્ર કે પુત્રીની સામે બોલી શકે છે? આ ઉપરાંત, ભાજપના પ્રવક્તા નારાયણન તિરુપથીએ આ ટિપ્પણીને ઘૃણાસ્પદ ગણાવીને ઉધયનિધિની તુરંત ધરપકડની માંગ કરી હતી, જ્યારે ભાજપના અન્ય નેતાઓએ પણ તેઓ માફી માંગે તેવી માંગણી દોહરાવી હતી.બીજી તરફ, આ સમગ્ર મામલે પોલીસે કેસ નોંધીને તેમની અટકાયત કરી છે. અટકાયત દરમિયાન મીડિયા સાથે વાત કરતા ઉધયનિધિ સ્ટાલિને પોતાના નિવેદનનો બચાવ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમણે કશું જ ખોટું કહ્યું નથી અને વિજય સિવાય કોઈનું નામ લીધું નથી. તેમણે આ પોલીસ કાર્યવાહીને બદલાની ભાવનાવાળી ગણાવી હતી. કાયદાકીય મુશ્કેલીઓ વધતા ઉધયનિધિએ આ મામલે રાહત મેળવવા માટે મદ્રાસ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે અને આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે.આ મામલે શાસક પક્ષ ભલે આક્રમક મુદ્રામાં હોય, પરંતુ ડીએમકે પક્ષ પોતાના નેતાના સમર્થનમાં મેદાને આવ્યો છે. ડીએમકેના પૂર્વ મંત્રી ટી મનો થંગારાજે આ વિવાદને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે કાવેરી જળ વિવાદ અને ડેલ્ટાના ખેડૂતોની વાસ્તવિક સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ એક બનાવટી વિવાદ ઊભો કરવામાં આવ્યો છે, જેથી વિપક્ષી નેતાને સવાલો પૂછતા અટકાવી શકાય. Previous Post Next Post