33 વર્ષ બાદ ગુજરાત ફરી ‘ટાઈગર સ્ટેટ’; સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય

33 વર્ષ બાદ ગુજરાત ફરી ‘ટાઈગર સ્ટેટ’; સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય

ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ નોંધાઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા 33 વર્ષ બાદ ગુજરાતને ફરીથી ‘વાઘની હાજરી ધરાવતું રાજ્ય’ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત સમગ્ર ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં કુદરતી નિવાસસ્થાનમાં સિંહ, દીપડા અને વાઘ—ત્રણેય મુખ્ય ‘બિગ કેટ’ પ્રજાતિઓ એકસાથે અસ્તિત્વ ધરાવે છે.

NTCAના મૂલ્યાંકન મુજબ દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં છેલ્લા 10 મહિનાથી એક ચાર વર્ષનો નર વાઘ સતત ટ્રેપ કેમેરામાં કેદ થતો રહ્યો છે. વાઘે આ વિસ્તારને પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું હોવાના નક્કર પુરાવા મળતાં ગુજરાતમાં વાઘની સત્તાવાર હાજરી નોંધાઈ છે.

 

રતનમહાલ બન્યું વાઘનું નવું સરનામું

દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્યે ગુજરાતને ‘ટાઈગર સ્ટેટ’નો દરજ્જો અપાવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ટ્રેપ કેમેરા, પગલાંના નિશાન, શિકારના પેટર્ન અને વિસ્તારમાં લાંબા સમયથી સ્થિર ગતિશીલતા—આ તમામ વૈજ્ઞાનિક આધારોથી વાઘની સ્થાયી હાજરી પુષ્ટિ થઈ છે. પરિણામે NTCAએ ગુજરાતને ફરી વાઘ ધરાવતું રાજ્ય જાહેર કરવાનો નિર્ણય લીધો.
 

 

હવે ‘ટાઈગર રિઝર્વ’ તરફ પગલાં

મળતી માહિતી મુજબ ગુજરાત વન વિભાગ હવે રતનમહાલને સત્તાવાર રીતે ‘ટાઈગર રિઝર્વ’ જાહેર કરવાની તૈયારીમાં છે. વાઘના સંવર્ધન માટે અન્ય રાજ્યોમાંથી માદા વાઘ લાવવાની સંભાવનાઓ પર વિચારણા ચાલી રહી છે. સાથે જ વાઘ માટે પૂરતો ખોરાક ઉપલબ્ધ રહે તે માટે તૃણહારી પ્રાણીઓની સંખ્યા વધારવાની યોજના, સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ, અને આધુનિક મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકવાની તૈયારી છે.
 


વન્યજીવ પ્રેમીઓમાં ખુશી, ઈકો-ટુરિઝમને વેગ

અત્યાર સુધી ગુજરાતની વૈશ્વિક ઓળખ મુખ્યત્વે એશિયાટિક સિંહોના ઘર તરીકે હતી. હવે ‘ટાઈગર સ્ટેટ’નો દરજ્જો મળતા રાજ્યની વન્યજીવ ઓળખ વધુ મજબૂત બની છે. નિષ્ણાતો માને છે કે આ પગલાથી ઈકો-ટુરિઝમને વેગ મળશે, સ્થાનિક રોજગારીની તકો વધશે અને જૈવ વૈવિધ્યનું સંરક્ષણ વધુ સશક્ત બનશે.


વાઘ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ વિકસાવાશે: વન મંત્રી

ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે NTCAના અભ્યાસના પ્રાથમિક અહેવાલમાં ગુજરાતમાં વાઘની હાજરીની પુષ્ટિ થઈ છે અને હાલ રાજ્યમાં એક વાઘની વસ્તી સત્તાવાર રીતે નોંધાઈ છે. ગુજરાતમાં વાઘ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ વિકસાવવાની વિશાળ શક્યતાઓ છે. આ દિશામાં સૂચિત પગલાં અમલમાં મૂકવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આગામી સમયમાં વન્ય પ્રાણી અને વન્ય પ્રણાલીનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.
 


ત્રણ ‘બિગ કેટ’ ધરાવતું રાજ્ય બન્યું ગુજરાત

મંત્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું કે એશિયાટિક સિંહ અને દીપડા બાદ હવે વાઘની હાજરી સાથે ગુજરાત ત્રણ મુખ્ય ‘બિગ કેટ’ પ્રજાતિઓ ધરાવતું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર વન વિસ્તારના સંરક્ષણ અને વન્યજીવ સંવર્ધન માટે મક્કમ છે. કેન્દ્રિય સંસ્થાઓ સાથે સંકલન કરીને આગામી દિવસોમાં વાઘના સંરક્ષણ, સુરક્ષા અને સંવર્ધન માટે વધુ આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવશે—જેથી ગુજરાતની વન સમૃદ્ધિમાં નવો અધ્યાય ઉમેરાઈ શકે.

https://www.instagram.com/p/DSuRGshCAX5/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ