શેરબજારમાં મંદીનો આંચકો: સેન્સેકસ 350 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોમાં ચિંતાનો માહોલ Dec 26, 2025 મુંબઈ શેરબજારમાં આજે મંદીનો સ્પષ્ટ આંચકો જોવા મળ્યો હતો. ભારે વેચવાલીના દબાણ હેઠળ સેન્સેકસ 350 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો, જેના કારણે રોકાણકારોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. દિવસની શરૂઆત સ્થિર ટોન સાથે થયા બાદ થોડા જ સમયમાં વેચવાલીનો મારો શરૂ થયો હતો.બજારમાં કોઇ નવા સકારાત્મક સંકેતો ન મળતા રોકાણકારોમાં સાવચેતી જોવા મળી હતી. આવનારી વીકએન્ડ રજાઓને કારણે પણ નવી લેવાલીથી રોકાણકારો દૂર રહ્યા હતા. ઉપરાંત વૈશ્વિક સ્તરે ટેરિફ વોર, અમેરિકાના તાજા હુમલા, તેમજ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાની અસર ભારતીય શેરબજાર પર પડી હતી.આજના કારોબારમાં કેટલાક પસંદગીના શેરોમાં સુધારો નોંધાયો હતો. જેમાં રેલ વિકાસ નિગમ, IRFC, NBCC, હિન્દુસ્તાન ઝીંક, હિન્દ કોપર, કરૂણ વૈશ્ય બેંક અને નેલ્કો જેવા શેરો લીલા નિશાનમાં રહ્યા હતા. જ્યારે બીજી તરફ HFCL, કો-ફોર્જ, PNB હાઉસિંગ, HDFC બેંક, વોડાફોન, રેમન્ડ અને ACC જેવા દિગ્ગજ શેરોમાં ઘટાડો નોંધાયો હતો.આજના અંતે મુંબઈ શેરબજારનો સેન્સેકસ 364 પોઇન્ટ ઘટીને 85,044 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેકસે ઉંચામાં 85,378 અને નીચામાં 84,937નો સ્તર સ્પર્શ્યો હતો. બીજી તરફ નિફટી પણ 96 પોઇન્ટ ઘટીને 26,046 પર બંધ થયો હતો, જ્યારે દિવસ દરમિયાન તેનો ઉંચો સ્તર 26,144 અને નીચો સ્તર 26,008 રહ્યો હતો.બજાર નિષ્ણાતોના મતે, વૈશ્વિક પરિબળોમાં સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી શેરબજારમાં અસ્થિરતા યથાવત્ રહેવાની શક્યતા છે અને રોકાણકારોને હાલ સાવચેતી સાથે નિર્ણય લેવા સલાહ આપવામાં આવી રહી છે. Previous Post Next Post