ડેમમાંથી ખેડૂતો માટેનું પાણી ઉલેચતા કેમિકલ માફિયાઓ: ઉબેણ સિંચાઈ પરિયોજના પર ગંભીર આક્ષેપ Dec 26, 2025 ભેંસાણના ભાટગામ નજીક આવેલી ઉબેણ સિંચાઈ પરિયોજનામાંથી ખેડૂતો માટે ફાળવાયેલું પાણી ગેરકાયદે રીતે ઉલેચવામાં આવતા સમગ્ર મામલો ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે. ડેમમાંથી ધોળા દિવસે કેમિકલ ઉદ્યોગ સાથે જોડાયેલા ગેરકાયદે ધોલાઈઘાટ ધરાવનારા માફિયાઓ દ્વારા મોટા પાયે પાણી ચોરી કરવામાં આવી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ડેમમાંથી 22 મોટર અને સંબંધિત સાધનો ઝડપાયા હોવા છતાં સિંચાઈ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાને બદલે મામલો દબાવી દેવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.ભાટગામ નજીક આવેલી ઉબેણ સિંચાઈ પરિયોજના જૂનાગઢ અને જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે જીવનરેખા સમાન છે. આ ડેમમાંથી હજારો ખેડૂતોના ખેતરો માટે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ધોલાઈઘાટ ચલાવતા શખ્સોએ આ ડેમમાંથી બેફામ રીતે પાણી ઉલેચવાનું શરૂ કર્યું હતું. મોટા પાયે મોટર મૂકી 24 કલાક પાણી ખેંચવામાં આવતું હોવાના કારણે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો.ગામની મંડળીના આગેવાનોને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે સ્થળ પર જઈ તપાસ કરી હતી. તપાસ દરમિયાન ડેમમાંથી પાણી ચોરી માટે વપરાતી 22 જેટલી મોટર, વીજ કેબલ અને લાંબી પાઇપલાઇન ઝડપાઈ હતી. આ સમગ્ર બાબતની જાણ તાત્કાલિક સિંચાઈ વિભાગને કરવામાં આવી હતી. અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા પણ આશ્ચર્યજનક રીતે કડક કાર્યવાહી કરવાની જગ્યાએ ફક્ત મોટર ધરાવનારાઓના નામ નોંધીને અને ફોટોગ્રાફ્સ લઈ મામલો ઠંડો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સ્થાનિકો કહે છે.આ સમગ્ર ઘટનાને લઈને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના આગેવાન કિશોરભાઈ પટોળીયાએ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “જો કોઈ સામાન્ય ખેડૂત પોતાના પાકને બચાવવા માટે ડેમમાં મોટર મૂકે તો તેની સામે તરત જ પાણી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવે છે. પરંતુ અહીં કેમિકલ માફિયાઓએ 22 મોટર મૂકી દિવસ-રાત ખેડૂતોના હક્કનું પાણી ચોરી કર્યું છતાં તંત્ર મૌન છે. આ સ્પષ્ટ દ્વિધા નીતિ છે.”તેમણે વધુમાં જણાવ્યું કે, ગત વર્ષે ખેડૂતો સામે પાણી ચોરીના કેસ દાખલ કરવામાં આવ્યા હતા, તો આ વખતે આટલી મોટી ચોરી સામે તંત્ર કેમ ઘૂંટણીયે પડી ગયું છે તે પ્રશ્ન જનતાને સતાવી રહ્યો છે. વિજ વિભાગની પણ આંખ આડા કાન કરવાની નીતિના કારણે આટલા મોટા પાયે પાણી ચોરી શક્ય બની હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ઉબેણ સિંચાઈ પરિયોજના વિશ્વબેંકની લોનથી બનાવવામાં આવી છે અને તેની આસપાસ કોઈપણ પ્રકારની અવરજવર પર મનાઈ છે. તેમ છતાં કેમિકલ માફિયાઓએ ડેમની પાળામાં ગેરકાયદે ખોદકામ કરી પાણીની પાઇપલાઇન નાખી લીધી હતી. આ ખોદકામના કારણે ડેમની પાળાને નુકસાન પહોંચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. સ્થાનિકોનો પ્રશ્ન છે કે જો ચોમાસામાં પાણી ભરાય અને પાળામાં થયેલા નુકસાનને કારણે ડેમ તૂટી જાય તો તેની જવાબદારી કોણ લેશે?આ સમગ્ર મામલે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ પાણીની અછતના કારણે પાક બગડી રહ્યા છે અને બીજી તરફ ઉદ્યોગોને ગેરકાયદે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જો તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની પણ ચેતવણી આપવામાં આવી છે.હાલ સમગ્ર મામલે સિંચાઈ વિભાગ અને વહીવટી તંત્રની ભૂમિકા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું ગેરકાયદે ધોલાઈઘાટ અને કેમિકલ માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે કે પછી આ મામલો પણ અન્ય કૌભાંડોકોન દબાઈ જશે તે જોવાનું રહ્યું. Previous Post Next Post