વડોદરામાં ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ : નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી, અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ આવતીકાલે Dec 26, 2025 વડોદરામાં વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયના સાંનિધ્યમાં આયોજિત ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ભક્તિ, સંગઠન અને સંસ્કારનો મહાન ઉત્સવ બની રહ્યો છે. મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી 1008 પોથી શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે નંદ મહોત્સવની ભાવભીની ઉજવણી કરવામાં આવી, જેમાં હજારો વૈષ્ણવ જનોએ ભાવપૂર્વક કથાનું શ્રવણ કર્યું. આ ભવ્ય ધાર્મિક આયોજનમાં આવતીકાલે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ રહેશે, જેના કારણે મહોત્સવને રાષ્ટ્રીય સ્તરે વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થયું છે. કથાપ્રસંગ દરમિયાન પૂ. વ્રજરાજકુમારજી મહોદયએ નંદ મહોત્સવનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, “નંદ મહોત્સવ માત્ર આનંદનો ઉત્સવ નથી, પરંતુ ઉત્સાહ, સંગઠન અને પરસ્પર પ્રેમનું પ્રતિક છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મના પ્રસંગે ગોકુળમાં જે સમૂહ આનંદ જોવા મળે છે, એ સમાજને એકતાનો સંદેશ આપે છે.” તેમણે ઉમેર્યું કે કલિયુગમાં સંગઠન જ સૌથી મોટી શક્તિ છે. વિચારો ભલે અલગ હોય, પરંતુ સમાજની સુરક્ષા, સંસ્કૃતિના સંરક્ષણ અને ધર્મના ઉત્થાન માટે સંગઠિત થવું અનિવાર્ય છે.પૂ. વ્રજરાજજી મહોદયએ કહ્યું કે ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ વૈષ્ણવ સંપ્રદાયના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખી રહ્યો છે. આ મહોત્સવ માત્ર ધાર્મિક કથાનો કાર્યક્રમ નથી, પરંતુ વૈષ્ણવ સમાજને વૈશ્વિક સ્તરે એક મંચ પર લાવવાનો પ્રયાસ છે. તેમણે હાજર રહેલા તમામ વૈષ્ણવ ભક્તોની ધીરજ, શિસ્ત અને શ્રદ્ધા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો, કારણ કે કથામાં થોડો વિલંબ થયો હોવા છતાં ભક્તોએ શાંતિપૂર્વક કથાનું શ્રવણ ચાલુ રાખ્યું.આ પ્રસંગે દ્વારકા પીઠના શંકરાચાર્યજીના આશીર્વચન પ્રાપ્ત થયા, જે સમગ્ર સભા માટે ગૌરવની ક્ષણ બની. સાથે જ વાકપતિપીઠાધીશ્વર મથુરેશ્વરજી મહારાજ અને યોગેશ્વરજી મહોદયની ઉપસ્થિતિએ કાર્યક્રમની ભવ્યતા વધારી. ધર્મ, દર્શન અને સાધનાનો એવો સંગમ જોવા મળ્યો કે સમગ્ર પંડાલ ભક્તિરસથી છલકાઈ ઉઠ્યો. મહોત્સવના આયોજન પાછળ વીવાયઓ (VYO)ના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની અવિરત મહેનત નોંધપાત્ર રહી છે. ખાસ કરીને 75 વર્ષની ઉંમરે પણ શ્રી અશોકભાઈ દિવસ-રાત નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે, જે સંગઠનની શક્તિ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. પૂ. વ્રજરાજકુમારજી મહોદયએ જણાવ્યું કે, “કોઈ પણ કાર્ય જો નિષ્ઠાભાવથી કરવામાં આવે તો ઈશ્વર તેની સફળતા નિશ્ચિત કરે છે.”કથામાં પૂ.શ્રીએ સમુદ્રમંથનનું અત્યંત સરળ અને સુંદર ભાષામાં વર્ણન કર્યું. તેમણે સમજાવ્યું કે પ્રસિદ્ધિ શબ્દોથી નહીં, પરંતુ કાર્યોથી મળે છે. વ્યક્તિગત સેવા દ્વારા સંતોષ પ્રાપ્ત થાય છે, અને દુનિયામાં અંતે તમારા શબ્દો નહીં પરંતુ તમારા કર્મો બોલે છે – એવો મહત્વપૂર્ણ સંદેશ તેમણે આપ્યો.ચોથા દિવસે બપોરે 2 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વિશાળ સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ શિસ્તબદ્ધ રીતે કથાનું શ્રવણ કર્યું, જે સમગ્ર મહોત્સવની શોભામાં વધારો કરતું રહ્યું. આવતીકાલે કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ મહોત્સવમાં પધારવાના હોવાથી ઉત્સવ વધુ ભવ્ય બનવાની અપેક્ષા છે. ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ વૈષ્ણવ સમાજ માટે માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ એક પ્રેરણાદાયક આંદોલન બની રહ્યો છે." Previous Post Next Post