ભાવનગરના યુવા ખેલાડી કુલદીપસિંહ વાળાએ દક્ષિણ આફ્રિકામાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું Dec 15, 2025 ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના યુવા ખેલાડી કુલદીપસિંહ વાળાએ દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતનું નામ રોશન કરી સમગ્ર રાજ્ય અને દેશને ગૌરવ અપાવ્યું છે. દક્ષિણ આફ્રિકાના મોસલ બે ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલદીપસિંહે ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને સાબિત કરી દીધું છે કે પ્રતિભા માટે કોઈ શહેર કે સુવિધાની મર્યાદા નથી હોતી, માત્ર દ્રઢ મનોબળ, સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શન જરૂરી હોય છે. તાજેતરમાં યોજાયેલી આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિશ્વના અનેક દેશોના અનુભવી અને પ્રતિષ્ઠિત ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા ખાસ કરીને તેની કઠિનતા માટે જાણીતી છે. અહીં યોજાયેલી ‘ટ્રાયથલ’ સ્પર્ધામાં ખેલાડીઓને એકસાથે ત્રણ અલગ-અલગ અને અઘરી શારીરિક કસોટીઓમાંથી પસાર થવું પડે છે. સ્પર્ધામાં 3 કિલોમીટર દોડ, સમુદ્રના ઉછળતા મોજાઓ વચ્ચે 200 મીટરનું સ્વિમિંગ અને ત્યારબાદ ગન શૂટિંગનો સમાવેશ થાય છે. શારીરિક શક્તિ સાથે સાથે માનસિક સંતુલન અને એકાગ્રતા પણ અહીં એટલી જ જરૂરી હોય છે.કુલદીપસિંહ વાળાએ મધ્યપ્રદેશના યશ બાથરે અને ગોવાના ઉદ્દેશ માજીક સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્રણેય ખેલાડીઓએ અદભુત તાલમેલ, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે સ્પર્ધામાં ભાગ લીધો. દરેક તબક્કામાં ભારતીય ટીમે સંયમ અને સાહસનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, જેના પરિણામે ભારતને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો. વિદેશી ધરતી પર જ્યારે ભારતનો તિરંગો ગૌરવભેર લહેરાવ્યો ત્યારે તે ક્ષણ માત્ર ખેલાડીઓ માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની બની ગઈ. કુલદીપસિંહની આ સિદ્ધિ એક દિવસમાં મળેલી નથી. તેના પાછળ વર્ષોની મહેનત, ત્યાગ અને સંઘર્ષ છુપાયેલો છે. બાળપણથી જ કુલદીપસિંહને રમતગમત પ્રત્યે ઊંડો લગાવ હતો. ગામડાની સીમિત સુવિધાઓ વચ્ચે પણ તેણે પોતાની પ્રતિભાને ક્યારેય દબાવા દીધી નથી. તેમના પિતા બી.એ. વાળા, જે હાલ શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે, તેમણે પુત્રની પ્રતિભાને વહેલી વેળાએ ઓળખી લીધી હતી. પિતાનું માર્ગદર્શન અને પ્રોત્સાહન કુલદીપસિંહ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બન્યું.આ ઉપરાંત, કુલદીપસિંહને તેમના પિતા-કોચ બી.એ. વાળા તેમજ અન્ય કોચ અંકુરસિંહ પાસેથી સતત અને સચોટ માર્ગદર્શન મળતું રહ્યું. નિયમિત અભ્યાસ, શારીરિક તંદુરસ્તી, માનસિક મજબૂતી અને સ્પર્ધાત્મક તૈયારી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. પરિણામે, તેણે અનેક સ્થાનિક, જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈને ટ્રોફીઓ અને પ્રમાણપત્રો જીત્યા. આ ઘરઆંગણે મળેલી સફળતાઓએ તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નસીબ અજમાવવાનો આત્મવિશ્વાસ આપ્યો. કુલદીપસિંહ વાળાની આ સિદ્ધિ આજના ભારતના બદલાતા ચિત્રને સ્પષ્ટ રીતે દર્શાવે છે. હાલના સમયમાં રમતગમત પ્રત્યે લોકોની જાગૃતિ નોંધપાત્ર રીતે વધી છે. વિદ્યાર્થીઓ હવે માત્ર અભ્યાસ પૂરતા સીમિત ન રહીને ક્રિકેટ, કબડ્ડી, ફૂટબોલ, એથ્લેટિક્સ, સ્વિમિંગ, શૂટિંગ અને ટ્રાયથલ જેવી રમતોમાં પણ ઉજ્જવળ ભવિષ્ય ઘડવા લાગ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતાં યુવાનો, સીમિત સાધનો અને પડકારો વચ્ચે પણ પોતાની મહેનત અને લગનથી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતી રહ્યા છે.કુલદીપસિંહ જેવી સફળતાઓ અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ છે. તે સાબિત કરે છે કે જો સપનાઓ મોટા હોય અને તેને સાકાર કરવા માટે સાચી દિશામાં મહેનત કરવામાં આવે, તો ગામડાની ધૂળમાંથી ઉઠીને પણ વિશ્વના મંચ પર પોતાની ઓળખ બનાવી શકાય છે. તેની આ સિદ્ધિથી ભાવનગર જિલ્લો, ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારત ગૌરવ અનુભવી રહ્યું છે. આવનારા સમયમાં કુલદીપસિંહ વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરી દેશનું નામ વિશ્વભરમાં ઉજ્જવળ બનાવે તેવી સૌની શુભેચ્છા છે. Previous Post Next Post