CMના હસ્તે 11,607 લોકરક્ષકોને નિમણૂક પત્રો એનાયત, પારદર્શક ભરતી માટે નીરજા ગોટરુ અને ટીમને અભિનંદન Dec 23, 2025 રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા **11,607 નવનિયુક્ત લોકરક્ષકો (LRD)**ને આજે ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પોલીસ હાઉસિંગ-જેલ રાજ્ય મંત્રી કમલેશ પટેલ, મુખ્ય સચિવ એમ.કે. દાસ, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, તેમજ રાજ્યના અનેક IPS અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ કાર્યક્રમમાં હાજર રહી પોતાના જીવનના મહત્વપૂર્ણ ક્ષણના સાક્ષી બન્યા હતા.કાર્યક્રમ દરમિયાન મુખ્ય સચિવ મનોજકુમાર દાસે જણાવ્યું હતું કે, એકપણ ફરિયાદ વગર ભરતી પ્રક્રિયા પૂર્ણ થવી રાજ્ય માટે ગૌરવની બાબત છે. તેમણે આ માટે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. સાથે જ નવનિયુક્ત લોકરક્ષકોને સંબોધતા કહ્યું કે, ફરજ દરમિયાન દરેક પ્રકારના લોકો સાથે કામ કરવાનું રહેશે, તેથી માનવતા અને સંવેદનશીલતા સાથે કામગીરી કરવી અત્યંત જરૂરી છે.પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે પણ કોઈ વિઘ્ન કે વિવાદ વગર પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ નીરજા ગોટરુ અને ટીમની પ્રશંસા કરી હતી.આ ભરતી પ્રક્રિયામાં કુલ 11,899 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી 8,782 પુરુષ અને 3,117 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. હાલના તબક્કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરેલા 11,607 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 292 ઉમેદવારોનું વેરિફિકેશન પ્રક્રિયામાં છે.નિમણૂક પત્ર સ્વીકારવા આવેલા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. LRDમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામેલા ભગીરથસિંહ ધન્યામભાઈ નકુમસિંહે જણાવ્યું કે, “ઘણા વર્ષોના સંઘર્ષ બાદ આજે સફળતાની ચાવી મળી છે, આ ક્ષણ અવિસ્મરણીય છે.”ઉલ્લેખનીય છે કે, આ ભરતી પૂર્ણ થતાં જ રાજ્ય સરકાર દ્વારા પોલીસ દળમાં ખાલી રહેલી 13,591 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત પણ કરવામાં આવી છે, જે રાજ્ય સરકારની યુવાનલક્ષી, પારદર્શક અને રોજગારકેન્દ્રિત નીતિને સ્પષ્ટ રીતે દર્શાવે છે. Previous Post Next Post