ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચને લઈને નકલી ટિકિટ ફ્રોડનો ખતરો, BCAની ક્રિકેટ રસિકોને ચેતવણી Dec 23, 2025 વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે ઇન્ટરનેશનલ મેચ યોજાનાર છે. લાંબા સમય બાદ વડોદરામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાઈ રહી હોવાથી ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ ઉત્સાહનો ગેરલાભ ઉઠાવવા માટે ભેજાબાજ તત્વો સક્રિય થયા છે.મેચની ટિકિટ બુકિંગને લઈને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર નકલી લિંક્સ અને ફેક વેબસાઈટ્સ વાયરલ થઈ રહી છે, જેમાં લોકો ટિકિટ બુકિંગના બહાને છેતરાઈ રહ્યા છે. આ મામલે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા ક્રિકેટ રસિકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે.BCAના ટ્રેઝરર શિતલ મહેતાએ જણાવ્યું હતું કે, કોટંબી ખાતે તૈયાર કરાયેલા ભવ્ય નવા સ્ટેડિયમમાં 11 જાન્યુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચ રમાશે. વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા સ્ટાર ખેલાડીઓ મેદાનમાં ઉતરશે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. પરંતુ આ ઉત્સાહનો લાભ ઉઠાવીને કેટલાક અસામાજિક તત્વો ખોટી લિંક્સ અને નકલી વેબસાઈટ દ્વારા ફ્રોડ કરી રહ્યા છે.તેમણે સ્પષ્ટ કર્યું કે, BCA દ્વારા ટિકિટ બુકિંગ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર લિંક જાહેર કરવામાં આવી નથી. આગામી બે થી ત્રણ દિવસમાં ટિકિટના ભાવ, બુકિંગ પ્રક્રિયા અને તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સત્તાવાર રીતે ટિકિટ બુકિંગ માટે ‘બુક માય શો’ સાથે જોડાણ કરવામાં આવ્યું છે.શિતલ મહેતાએ વધુમાં જણાવ્યું કે, સભ્યોને મળનારા કોમ્પ્લીમેન્ટરી પાસ અંગેની માહિતી પણ ટૂંક સમયમાં જાહેર કરાશે. ત્યાં સુધી કોઈ પણ અજાણી લિંક, વેબસાઈટ અથવા સોશિયલ મીડિયા પોસ્ટ પરથી ટિકિટ બુક ન કરવા માટે ક્રિકેટ રસિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચ બાદ વડોદરામાં **WPL (વુમન્સ પ્રીમિયર લીગ)**ની મેચો પણ યોજાનાર હોવાથી ટિકિટને લઈને ફ્રોડ કરનારા તત્વો વધુ સક્રિય બન્યા છે. BCAએ લોકોને સતર્ક રહેવા અને છેતરપિંડીથી બચવા અપીલ કરી છે. Previous Post Next Post