ગજબ! ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલીવાર 1 જ ઓવરમાં 5 વિકેટ, 28 વર્ષના બોલરે રચ્યો ઈતિહાસ Dec 23, 2025 ક્રિકેટના ઈતિહાસમાં એક અનોખું અને અવિસ્મરણીય પાનું ઉમેરાયું છે. ઈન્ડોનેશિયાના 28 વર્ષીય ફાસ્ટ બોલર ગેડે પ્રિયંદાનાએ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાં એવું કારનામું કરી બતાવ્યું છે, જે આજ સુધી કોઈ પણ પુરુષ કે મહિલા ક્રિકેટરે કર્યું નથી. પ્રિયંદાના એક જ ઓવરમાં પાંચ વિકેટ ઝડપીને વિશ્વ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચી દીધો છે.આ ઐતિહાસિક ક્ષણ મંગળવારે બાલીના ઉદયના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ઈન્ડોનેશિયા અને કંબોડિયા વચ્ચેની T20 ઈન્ટરનેશનલ મેચ દરમિયાન સર્જાઈ. 168 રનના લક્ષ્યનો પીછો કરતી કંબોડિયાની ટીમ 15 ઓવર બાદ 5 વિકેટે 106 રન બનાવી રહી હતી અને મેચ હજી ખુલ્લી લાગતી હતી. તે સમયે કેપ્ટને બોલિંગ માટે ગેડે પ્રિયંદાનાને બોલાવ્યો, જે તેની મેચની પહેલી ઓવર હતી.પ્રિયંદાનાએ ઓવરના પ્રથમ ત્રણ બોલમાં જ હેટ્રિક પૂર્ણ કરી દીધી. તેણે શાહ અબરાર હુસૈન, નિર્મલજીત સિંહ અને ચાંથોએન રથાનકને સતત ત્રણ બોલમાં પવેલિયન મોકલ્યા. ત્યારબાદ એક ડોટ બોલ આવ્યો અને પછીના બે બોલ પર મોંગડારા સોક અને પેલ વેન્નાકને આઉટ કરીને એક જ ઓવરમાં પાંચ વિકેટ લેવાનો ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો.આ આખી ઓવરમાં કંબોડિયા માત્ર એક જ રન બનાવી શકી, તે પણ વાઈડ બોલ દ્વારા. આ ઓવર બાદ મેચ સંપૂર્ણપણે ઈન્ડોનેશિયાના પક્ષમાં વળી ગઈ અને કંબોડિયાની ટીમ લક્ષ્યથી 60 રન પાછળ રહીને હારનો સામનો કરવો પડ્યો.બોલિંગ સિવાય પ્રિયંદાનાએ બેટિંગમાં પણ યોગદાન આપ્યું હતું. તેણે ઈનિંગની શરૂઆત કરતા 11 બોલમાં 6 રન બનાવ્યા. જોકે, ઈન્ડોનેશિયાની બેટિંગમાં અસલી ચમક વિકેટકીપર-બેટ્સમેન ધર્મા કેસુમાની હતી, જેણે 68 બોલમાં અણનમ 110 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. તેની આ શાનદાર ઈનિંગમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થયો હતો.અગાઉ ડોમેસ્ટિક ક્રિકેટ અને લીગ મેચોમાં એક ઓવરમાં પાંચ વિકેટ લેવાના બનાવો નોંધાયા છે. બાંગ્લાદેશના અલ-અમીન હુસૈને 2013-14 વિજય દિવસ T20 કપમાં અને ભારતના અભિમન્યુ મિથુને 2019-20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ સિદ્ધિ મેળવી હતી. પરંતુ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાં આવું પહેલી વાર બન્યું છે.T20 ઈન્ટરનેશનલમાં અગાઉ એક જ ઓવરમાં ચાર વિકેટ 14 વખત પડી ચૂકી છે. તેમાં સૌથી યાદગાર ઉદાહરણ શ્રીલંકાના લસિથ મલિંગાનું છે, જેમણે 2019માં ન્યુઝીલેન્ડ સામે ચાર બોલમાં ચાર વિકેટ લીધી હતી. છતાં, એક જ ઓવરમાં પાંચ વિકેટ લેવાનો કારનામો હવે ગેડે પ્રિયંદાનાના નામે નોંધાયો છે.આ સિદ્ધિ માત્ર ઈન્ડોનેશિયા માટે જ નહીં, પરંતુ એસોસિએટ દેશોની ક્રિકેટ માટે પણ ગૌરવની ક્ષણ છે. પ્રિયંદાનાની આ કામગીરી સાબિત કરે છે કે વૈશ્વિક ક્રિકેટ હવે મોટા દેશોની મર્યાદામાં બંધાઈ નથી રહી અને નવા દેશોના ખેલાડીઓ પણ ઈતિહાસ રચવાની ક્ષમતા ધરાવે છે. Previous Post Next Post