“સ્વાગત”માં નાગરિકોની રજૂઆતોનું સામૂહિક પ્રયત્નોથી નિવારણ લાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટ તાકિદ

“સ્વાગત”માં નાગરિકોની રજૂઆતોનું સામૂહિક પ્રયત્નોથી નિવારણ લાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટ તાકિદ

રાજ્યમાં નાગરિકોની સમસ્યાઓને ઝડપી, પારદર્શક અને સંવેદનશીલ રીતે ઉકેલવા માટે શરૂ કરાયેલ “સ્વાગત” (State Wide Attention on Grievances by Application of Technology) ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સરકારનું મહત્વપૂર્ણ અને અસરકારક મંચ બની રહ્યું છે. ડિસેમ્બર-2025ના રાજ્ય સ્વાગત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી અને તેના યોગ્ય નિવારણ માટે સંબંધિત વિભાગો તથા અધિકારીઓને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ વિભાગો અને વહીવટી તંત્રને અનુરોધ કર્યો કે, સ્વાગત કાર્યક્રમમાં આવતી નાગરિકોની રજૂઆતોને માત્ર ફાઇલ પર નહીં પરંતુ સામૂહિક પ્રયત્નોથી અને જવાબદારીપૂર્વક ઉકેલવાની દૃષ્ટિ અપનાવવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, સ્વાગત એ નાગરિક અને સરકાર વચ્ચે વિશ્વાસનો સેતુ છે, જેને મજબૂત બનાવવું આપણી સૌની સંયુક્ત જવાબદારી છે.

દર મહિને ચોથા ગુરુવારે યોજાતા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ડિસેમ્બર-2025 દરમિયાન રાજ્યભરમાંથી 97થી વધુ રજૂઆત કર્તાઓ પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા સ્વાગતમાં 1284 અને તાલુકા સ્વાગતમાં 2458 જેટલી રજૂઆતો સંદર્ભે સંબંધિત કક્ષાએ નિવારણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે સ્વાગત વ્યવસ્થાની વ્યાપકતા અને અસરકારકતાને દર્શાવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સમક્ષ રજૂ થયેલી ફરિયાદોમાં ખાસ કરીને ખેડૂતો, ગ્રામ્ય નાગરિકો અને સામાન્ય લોકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવ્યો. તેમણે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ખેડૂતને તેના ખેતરમાં જવા માટે માર્ગની સમસ્યા અંગે સ્થાનિક પરિસ્થિતિની ચકાસણી કરીને તાત્કાલિક યોગ્ય માર્ગ ઉપલબ્ધ કરાવવા જિલ્લા કલેકટરને સ્પષ્ટ સૂચના આપી હતી.

આ ઉપરાંત, સીપુ યોજના અંતર્ગત સાબરમતી-સરસ્વતી લિંક કેનાલ યોજનામાં મહેસાણા જિલ્લાના ખેડૂતની સંપાદિત થયેલી ખેતી જમીનનું વળતર તાત્કાલિક ચૂકવવા માટે જિલ્લા કલેકટરને તાકીદ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીની ખેડૂતો પ્રત્યેની આગવી સંવેદનશીલતા અને સમયસર વળતર ચૂકવણી અંગેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સ્પષ્ટ બની હતી.

નગરપાલિકા અને શહેરી વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે પણ મુખ્યમંત્રીશ્રીએ કડક વલણ દાખવ્યું. કાલોલ નગરપાલિકા સહિત રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં રોડ, રસ્તા અને ગટર જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કામોમાં ક્વોલિટી જળવાઈ રહે તે માટે તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આવા કામોમાં બેદરકારી કે નિષ્કાળજી દાખવનારા અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ તેમણે આપી હતી.

વાપી નગરપાલિકા વિસ્તારમાં સંયુક્ત માલિકીની જમીનમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ કનેક્શન માટે થતા અવરોધો તાત્કાલિક દૂર કરીને નાગરિકોને કનેક્શન આપવાની કાર્યવાહી કરવા મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત તંત્રને સૂચના આપી હતી. તેમજ બાબરા તાલુકાના એક રજૂઆત કર્તાને સરકારે ફાળવેલા મફત ઘરના પ્લોટની ગામ નમૂનામાં નોંધ કરીને માલિકી હક આપવાની કાર્યવાહી પણ તાત્કાલિક હાથ ધરવા જણાવ્યું હતું.

ડિસેમ્બર-2025ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારીઓ શ્રી ધીરજ પારેખ અને શ્રી રાકેશ વ્યાસ, તેમજ વિવિધ વિભાગોના સચિવો ગાંધીનગરથી જોડાયા હતા. જ્યારે રાજ્યના તમામ જિલ્લા કલેકટરો વીડિયો કોન્ફરન્સ મારફતે સ્વાગત કાર્યક્રમ સાથે સંકળાયા હતા.

સંપૂર્ણ રીતે જોવામાં આવે તો “સ્વાગત” કાર્યક્રમ રાજ્ય સરકારની નાગરિક-પ્રથમ વિચારધારાનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સ્વાગત મારફતે સામાન્ય નાગરિકની અવાજ સરકાર સુધી પહોંચે છે અને સમયસર ઉકેલ લાવવાની પ્રક્રિયા મજબૂત બની રહી છે, જે સશક્ત અને સંવેદનશીલ પ્રશાસનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ