પડધરી તાલુકાના તરઘડી ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે માર્ગદર્શનાત્મક તાલીમ કાર્યક્રમ યોજાયો Dec 25, 2025 ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામે પ્રાકૃતિક કૃષિ અંગે એક સફળ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં રવિ પાકમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાના લાભો અંગે ખેડૂત ભાઈઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિના મહત્વપૂર્ણ ઘટકો જેમ કે જીવામૃત અને ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપ્સા તેમજ મિશ્ર પાક પદ્ધતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી જમીનની ઉર્વરતા અને પાકની ગુણવત્તામાં સુધારો થાય છે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે તેમજ માનવ સ્વાસ્થ્ય પર કોઈ નકારાત્મક અસર થતી નથી તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.દેશી ગાયના છાણ અને મુત્રમાંથી તૈયાર થતા જીવામૃતના ઉપયોગથી પાકને જરૂરી પોષક તત્વો મળે છે તથા જમીનનું સ્વાસ્થ્ય લાંબા ગાળે જળવાય છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પન્ન થતી ફળો, શાકભાજી અને અનાજ વધુ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ હોય છે, જે પરિવારના સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે.ખેડૂતોને વધુ પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા અનુભવી ખેડૂતો તેમજ જિલ્લા પ્રોજેક્ટ મેનેજર શ્રીમતી બિંદુબેન ભુવા, માસ્ટર ટ્રેનર કમ રિસોર્સ પર્સન શ્રીમતી પુજાબેન રાતીયા તથા તાલુકા પ્રોજેક્ટ મેનેજર શ્રી આદિત્ય ગોંડાલીયા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત તાલીમ દરમિયાન ઉપસ્થિત ખેડૂતોએ પૂછેલા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા.આ તાલીમ કાર્યક્રમથી ખેડૂત ભાઈઓમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવાની દિશામાં જાગૃતિ વધવા સાથે સ્વસ્થ ખેતી અને ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રેરણા મળી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. Previous Post Next Post