ઇસરોએ ઇતિહાસ રચ્યો: ભારતમાંથી અત્યાર સુધીનો સૌથી વજનદાર સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ Dec 25, 2025 ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)એ અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતના સૌથી શક્તિશાળી સ્વદેશી રોકેટ એલવીએમ-૩ (બાહુબલી) દ્વારા ભારતમાંથી અત્યાર સુધીનો સૌથી વજનદાર સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કરીને ઇસરો એ એક નવો ઇતિહાસ રચ્યો છે. આ સેટેલાઇટનું નામ બ્લૂબર્ડ બ્લોક-2 છે, જેનું વજન આશરે 6100 કિલોગ્રામથી વધુ છે.બુધવારે સવારે 8.54 કલાકે, આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી એલવીએમ-૩ રોકેટ દ્વારા અમેરિકન સેટેલાઇટ બ્લૂબર્ડ બ્લોક-2ને સફળતાપૂર્વક અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો હતો. લોન્ચિંગના લગભગ 15 મિનિટ બાદ સેટેલાઇટ રોકેટથી અલગ થયો અને આશરે 600 કિમી ઊંચાઈએ લોઅર અર્થ ઓર્બિટમાં સફળતાપૂર્વક સ્થાપિત થયો.આ સેટેલાઇટ ભારત દ્વારા લોન્ચ કરાયેલ અત્યાર સુધીનો સૌથી ભારે પેલોડ છે, જે ઇસરોની ટેક્નિકલ ક્ષમતા અને વિશ્વસનીયતાનું પ્રતીક બની રહ્યો છે. બ્લૂબર્ડ બ્લોક-2 સેટેલાઇટ અમેરિકા સ્થિત AST SpaceMobile દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેનો મુખ્ય હેતુ વિશ્વભરમાં સ્માર્ટફોનને સીધા હાઇ સ્પીડ સેલ્યુલર બ્રોડબેન્ડ સાથે જોડવાનો છે. દુનિયા હવે મુઠ્ઠીમાંબ્લૂબર્ડ બ્લોક-2 સેટેલાઇટની મદદથી વિશ્વના કોઈપણ ખૂણે, ભલે ત્યાં પરંપરાગત ટેલિકોમ નેટવર્ક ઉપલબ્ધ ન હોય, ત્યાં પણ 4G અને 5G વોઇસ કોલ, વીડિયો કોલ, મેસેજિંગ, સ્ટ્રીમિંગ અને ડેટા સેવાઓ પૂરી પાડી શકાશે. આ સેટેલાઇટ અંતરિક્ષમાંથી સીધા ધરતી પર સ્માર્ટફોન સાથે કનેક્ટ થવાની ક્ષમતા ધરાવે છે, જે વૈશ્વિક ટેલિકોમ ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે.ખાસ કરીને વિશ્વના અંતરિયાળ, દુર્ગમ અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં આજે પણ ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્ટિવિટી એક મોટો પડકાર છે, ત્યાં બ્લૂબર્ડ બ્લોક-2 સેટેલાઇટ દ્વારા ડિજિટલ સેવાઓ પહોંચાડવી શક્ય બનશે. આથી ડિજિટલ ઈન્ક્લુઝનને નવી દિશા મળશે. ઇસરોની ટેક્નિકલ શક્તિનો પરચોઆ સેટેલાઇટને લોન્ચ કરવા માટે ઉપયોગમાં લેવાયેલું એલવીએમ-૩ (લૉન્ચ વ્હીકલ માર્ક-3) રોકેટ ઇસરોનું સૌથી શક્તિશાળી રોકેટ છે. અગાઉ તેને GSLV Mk-3 તરીકે ઓળખવામાં આવતું હતું. આ સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી વિકસાવવામાં આવેલું રોકેટ છે અને તે ગગનયાન જેવા માનવયુક્ત મિશનો માટે પણ આધારસ્તંભ ગણાય છે.6100 કિલોગ્રામ જેટલા ભારે સેટેલાઇટને ચોક્કસ કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરવી એ ભારતની લોન્ચ ક્ષમતામાં મોટો ઉછાળો દર્શાવે છે. આ સફળતાએ સાબિત કરી દીધું છે કે ભારત હવે વૈશ્વિક સ્તરે હેવી સેટેલાઇટ લોન્ચિંગ માર્કેટમાં એક મજબૂત ખેલાડી બની ગયું છે. આંતરરાષ્ટ્રીય સહયોગ અને વ્યાપારી સફળતાઆ લોન્ચિંગ ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) અને અમેરિકાની AST SpaceMobile વચ્ચે થયેલા કરારનો ભાગ છે. NSIL એ ઇસરોની કોમર્શિયલ શાખા છે, જે ભારતના અંતરિક્ષ કાર્યક્રમને વ્યાપારી ઊંચાઈએ લઈ જઈ રહી છે. આ સફળતા ભારતના સ્પેસ સેક્ટરમાં વધતા વૈશ્વિક વિશ્વાસને દર્શાવે છે. દેશભરમાં અભિનંદનઆ ઐતિહાસિક સફળતા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દેશના અનેક નેતાઓ અને વિપક્ષી નેતાઓએ ઇસરો અને તેના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “ભારતની ધરતી પરથી અત્યાર સુધીનો સૌથી વજનદાર સેટેલાઇટ લોન્ચ કરીને ઇસરોએ ઇતિહાસ રચ્યો છે. આ આત્મનિર્ભર ભારતના પ્રયાસોનું પરિણામ છે અને ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.”ઇસરોના ચેરમેન વી. નારાયણને જણાવ્યું હતું કે, “બાહુબલી રોકેટે બ્લૂબર્ડ બ્લોક-2ને સફળતાપૂર્વક ઓર્બિટમાં સ્થાપિત કર્યો છે. આથી ભારતની ભારે સેટેલાઇટ લોન્ચ કરવાની ક્ષમતા વધુ મજબૂત બની છે.”આ સફળતાએ ભારતને માત્ર અંતરિક્ષ શક્તિ તરીકે નહીં, પરંતુ વૈશ્વિક ટેક્નોલોજી લીડર તરીકે પણ સ્થાપિત કર્યું છે. આવનારા સમયમાં ગગનયાન સહિતના મહત્ત્વાકાંક્ષી મિશનો માટે આ સિદ્ધિ એક મજબૂત પાયો સાબિત થશે. Previous Post Next Post