ચીને એક વર્ષમાં સમુદ્ર અને જમીનમાંથી 3,174 ટન સોનું કાઢ્યું

ચીને એક વર્ષમાં સમુદ્ર અને જમીનમાંથી 3,174 ટન સોનું કાઢ્યું

નવી દિલ્હી ,

સોનાના ભંડારો શોધવા વ્યાપકપણે એ.આઈનો ઉપયોગ 

ચીન હાલ જમીનથી લઈને સમુદ્રની ઊંડાઈ સુધી સોનાના નવા ભંડારની શોધમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. એક તરફ ચીનની સરકારી બૅંકો સોનાની ખરીદી વધારી રહી છે, તો બીજી તરફ દેશમાં નવા ગોલ્ડ રિઝર્વ શોધવા માટે મોટા પાયે જિયોલોજિકલ એક્સપ્લોરેશન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2025 દરમિયાન ચીને અંદાજે 3,174 ટન સોનું કાઢ્યું હતું. આ દરમિયાન ચીનમાં જમીનની અંદર તેમજ સમુદ્રના તળિયે સોનાના અનેક મોટા ભંડારની શોધ કરવામાં આવી છે.

ચીનમાં તાજેતરના સમયની સૌથી મોટી શોધ લિયાઓનિંગ પ્રાંતમાં થઈ છે. અહીંના દાદોંગગૌ રિઝર્વમાં આશરે 25.86 લાખ ટન ગોલ્ડ ઓર મળી આવ્યુ છે. તેના આધારે અહીં અંદાજે 1,444 ટન સોનું હોવાનો અંદાજ છે. આ શોધને 1949 પછી ચીનમાં મળેલા સૌથી મોટા ગોલ્ડ રિઝર્વમાંથી એક માનવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આ શોધ માટે માત્ર 15 મહિનાનો સમય લાગ્યો.
ચીનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન અનેક વિસ્તારોમાં ગોલ્ડ રિઝર્વની શોધ થઈ છે..જાન્યુઆરી 2025માં ત્રણ માઇનિંગ વિસ્તારમાં કુલ 168 ટન સોનું મળ્યું. જેમાં ગાંસુના અનબાલી નોર્થમાં 102.4 ટન, ઇનર મંગોલિયાના હદામેંગુમાં 41.3 ટન અને હેઇલોંગજિયાંગના બાઓશિંગગૌ વિસ્તારમાં 24.3 ટન સોનું મળ્યું.

કુનલુન પર્વતમાળામાં 1,000 ટનથી વધુ સોનાના સંભવિત ભંડારના અહેવાલ સામે આવ્યા. જિયાઓડોંગ દ્વીપકલ્પના લાઇઝોઉ વિસ્તારમાં સમુદ્રતળની નીચે મોટું અંડરસી ગોલ્ડ ડિપોઝિટ મળ્યું. સાનશાન આઇલેન્ડની હાઇયુ ગોલ્ડ માઇનમાં 562 ટનનું કન્ફર્મ્ડ રિઝર્વ હોવાનું જણાવાયું છે. પ્રશાંત મહાસાગરમાં ચીનની સંયુક્ત વૈજ્ઞાનિક ટીમે તાઇવાન અને ફિલિપાઇન્સના ઉત્તરીય વિસ્તારો નજીક સમુદ્રતળમાં સલ્ફાઇડના ત્રણ મોટા શંકુ આકારના ટેકરા શોધ્યા.

પ્રાથમિક તપાસમાં અહીંના અયસ્કમાં પ્રતિ ટન 15.4 ગ્રામ સોનું અને 1.27 કિલોગ્રામ ચાંદી સુધી મળી હોવાનું સામે આવ્યું છે. ચીન અનેક ટેક્ટોનિક પ્લેટોના જંકશન પાસે આવેલું છે. તેના કારણે અહીં જિયોલોજિકલ પ્રવૃત્તિ વધુ જોવા મળે છે. આ પ્રક્રિયાથી હાઇડ્રોથર્મલ સિસ્ટમ બને છે, જેમાં સોનું ધરાવતા ગરમ પ્રવાહી ચટ્ટાનોની તિરાડોમાં જમા થઈ શકે છે. ચીન દ્વારા જિયોલોજિકલ એક્સપ્લોરેશન પાછળ મોટા પાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2025માં આ ક્ષેત્રમાં આશરે 115.99 અબજ યુઆન ખર્ચવામાં આવ્યા હતા. 2021થી અત્યાર સુધીમાં આ ખર્ચ લગભગ 450 અબજ યુઆન સુધી પહોંચ્યો હોવાનું જણાવાયું છે. હવે ચીન સોનાની શોધ માટે AI આધારિત મિનરલ મોડેલિંગ અને હાઇ-પાવર ગ્રાઉન્ડ-પેનિટ્રેટિંગ રડાર જેવી આધુનિક ટૅક્નોલૉજીનો પણ ઉપયોગ કરી રહ્યું છે. ચીન વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઉત્પાદક દેશોમાં સામેલ છે. તેમ છતાં તેની સ્થાનિક માંગને પહોંચી વળવા માટે તેને આયાત પર પણ આધાર રાખવો પડે છે. વર્ષ 2024ના પ્રથમ 9 મહિનામાં ચીનમાં આશરે 741.7 ટન સોનાનો વપરાશ થયો હતો, જ્યારે ઉત્પાદન આશરે 268 ટન રહ્યું હતું.

You may also like

આર.એમ.ઓ.નું ઉદાસીન વલણ, રાજકોટ સિવિલના નવ નિયુક્ત તબીબોનું દર્દીઓ સાથે ગેરવર્તન

આર.એમ.ઓ.નું ઉદાસીન વલણ, રાજકોટ સિવિલના નવ નિયુક્ત તબીબોનું દર્દીઓ સાથે ગેરવર્તન

રાજકોટમાં 42 હજારથી વધુ ગ્રાહકો સ્માર્ટ મીટર સાથે કનેક્ટ

રાજકોટમાં 42 હજારથી વધુ ગ્રાહકો સ્માર્ટ મીટર સાથે કનેક્ટ

રાજકોટમાં 'અગ્નિપથ' થીમ પર ત્રિકોણબાગ કા રાજાના દિવ્ય દર્શન

રાજકોટમાં 'અગ્નિપથ' થીમ પર ત્રિકોણબાગ કા રાજાના દિવ્ય દર્શન

રાજકોટમાં એડીસ મચ્છરોનો ઉપદ્રવ: ડેન્ગ્યુ-મેલેરિયાના વધુ 2 કેસ સાથે સિઝનનો આંક ૩૬ પર પહોંચ્યો

રાજકોટમાં એડીસ મચ્છરોનો ઉપદ્રવ: ડેન્ગ્યુ-મેલેરિયાના વધુ 2 કેસ સાથે સિઝનનો આંક ૩૬ પર પહોંચ્યો