ગુજરાત રિજનલ કોન્ફરન્સથી MSME સહિત ઉદ્યોગોને મોટો લાભ, સરકારના સહયોગથી રોકાણકારો માટે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય

ગુજરાત રિજનલ કોન્ફરન્સથી MSME સહિત ઉદ્યોગોને મોટો લાભ, સરકારના સહયોગથી રોકાણકારો માટે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ – સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્ઘાટન પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એક સમયે ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત માત્ર “વાપીથી તાપી” સુધી ઓળખાતું હતું. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરીને રાજ્યને ઇન્વેસ્ટમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી દિશા આપી છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે રાજ્યની ચારેય દિશામાં મેન્યુફેક્ચરિંગ હબ તરીકે અનેક સેક્ટરો વિકસ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતની આ ઐતિહાસિક સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપતા તેમણે જણાવ્યું કે, 80 MoU સાથે શરૂ થયેલી આ ઇવેન્ટ આજે 98,000થી વધુ પ્રોજેક્ટોના સફળ અમલ સુધી પહોંચી છે.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સૌરાષ્ટ્ર કચ્છ અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ કોન્ફરન્સમાં 400થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત 16થી વધુ દેશોના પ્રતિનિધિઓ રિવર્સ બાયર-સેલર મીટમાં હાજર રહ્યા છે. આ કોન્ફરન્સના આયોજનથી MSME સહિત વિવિધ ઉદ્યોગ સેક્ટરને મોટો ફાયદો થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.

ગુજરાતમાં રોકાણ માટે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જણાવતા હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજ્યમાં રોડ, રેલવે, પોર્ટ અને એર કનેક્ટિવિટીનું મજબૂત નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે. સ્પષ્ટ ઔદ્યોગિક નીતિ, સરકારનો સહયોગ અને સુરક્ષાની ખાતરીના કારણે રોકાણકારો માટે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય બન્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાતના કારણે રાજ્યના લાખો યુવાનોને રોજગારી મળી રહી છે અને અનેક વેપારીઓના સપનાઓ સાકાર થયા છે. વડાપ્રધાનના વિઝનથી ગિફ્ટ સિટી ફિનટેકનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. સાથે જ ધોલેરા સ્માર્ટ સિટી, સાણંદ અને બેચરાજી જેવા ઔદ્યોગિક વિસ્તારોના વિકાસથી એક મજબૂત ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ ઉભું થયું છે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ “Ease of Doing Business”ના 23 પેરામિટર પર ગુજરાત સરકારે નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વડાપ્રધાનના વિકાસના વિઝનને સાકાર કરવા સમગ્ર ટીમ ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.