સાતમા દિવસે ઇન્ડિગોનું સંકટ યથાવતઃ દેશભરમાં વધુ 562 ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરો વ્યથિત બન્યા

સાતમા દિવસે ઇન્ડિગોનું સંકટ યથાવતઃ દેશભરમાં વધુ 562 ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરો વ્યથિત બન્યા

ઇન્ડિગો એરલાઇન્સ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા ભારે સંકટમાંથી હજુ બહાર આવી શકી નથી. દેશની સૌથી મોટી પ્રાઇવેટ એરલાઇન ગણાતી ઇન્ડિગો માટે ગત મંગળવારથી શરૂ થયેલા આ તંત્રગત તકલીફો હવે મુસાફરો માટે અત્યંત કઠિન પરિસ્થિતિ સર્જી રહ્યા છે. સોમવારે એક જ દિવસમાં છ મોટા મેટ્રો એરપોર્ટ્સ પરથી ઇન્ડિગોએ 562 ફ્લાઇટ્સ રદ કરી નાખતાં હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર બેંગલુરુ એરપોર્ટ પર જ 150 જેટલી ફ્લાઇટ્સ રદ થતા સ્થિતિ રેલવે સ્ટેશન જેવી અસ્તવ્યસ્ત બની હતી. રોજના આશરે બે હજાર જેટલી ફ્લાઇટ્સ ઓપરેટ કરતી ઇન્ડિગોએ જ્યારે એક દિવસે જ 500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દીધી ત્યારે વિવિધ એરપોર્ટ્સ પર મુસાફરોના લાંબા કતારો, ગુસ્સો અને ગેરવ્યવસ્થા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે ઇન્ડિગોની કુલ 1802 ફ્લાઇટ્સ ઉડાન ભરવાની હતી. પરંતુ તેમાંનો મોટો હિસ્સો, એટલે કે 500 થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ જતા હજારો મુસાફરોનું શેડ્યૂલ બદલાઈ ગયું હતું. મુસાફરોના બેગેજને લઈને પણ ભારે ગડબડ જોવા મળી હતી. કુલ નવ હજાર જેટલા બેગેજમાંથી અત્યાર સુધી 4500 બેગ મુસાફરોને પરત કરવામાં આવ્યા છે. બાકી બેગ પણ 36 કલાકમાં પરત કરવામાં આવશે તેવું મંત્રાલયે જણાવ્યું હતું. આ ઉપરાંત 1 થી 7 ડિસેમ્બર વચ્ચે બુક કરાયેલી 5,86,705 જેટલી ટિકિટોના PNR રદ કરવામાં આવ્યા છે અને તમામનું કુલ 569.65 કરોડ રૂપિયાનું રિફંડ મુસાફરોને સોંપવામાં આવ્યું હોવાનું સરકારી માહિતીમાં જણાવાયું છે.

આ આખી સ્થિતિ નવા લાગુ થયેલા ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ નિયમોને કારણે ઉપજી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પાઇલટ્સ અને ક્રૂ માટે નવા નિયમોને કારણે મેનપાવરમાં અછત ઊભી થઈ અને તેનું પરિણામ રૂપે સતત ફ્લાઇટ્સ રદ થવાની સ્થિતિ સર્જાઈ. દેશભરના એરપોર્ટ્સ પર એવી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે જેમાં મુસાફરો ભોજન, પાણી કે યોગ્ય સુવિધાઓ વગર કલાકો સુધી એરપોર્ટ પર ફસાયેલા જોવા મળે છે. કેટલાક મુસાફરો તો જમીન પર જ સૂઈને સમય પસાર કરી રહ્યા છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર શેર થતા લોકોમાં એરલાઇન પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ મામલામાં સુપ્રીમ કોર્ટે પણ સોમવારે ગંભીરતા દર્શાવી હતી. અદાલતે કહ્યું હતું કે મુસાફરોને સ્વાસ્થ્ય સહિત અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હશે અને આ અત્યંત ગંભીર મુદ્દો છે. જોકે હાલ અદાલતે સીધી દખલ ન કરતા, દિલ્હી હાઇકોર્ટમાં 10 ડિસેમ્બરે થનારી સુનાવણી તરફ અંગુલી નિર્દેશ કર્યો હતો. મુસાફરોનું કહેવું છે કે એરલાઇન દ્વારા પૂરતી માહિતી આપવામાં આવી રહી નથી અને એરપોર્ટ પર કોઈ મદદ પણ મળી રહી નથી. આ પરિસ્થિતિને કારણે પરિવાર સાથે મુસાફરી કરતા લોકો, વયસ્કો અને બાળકોને ખાસ દિક્કતો પડી રહી છે.

આ સમગ્ર પ્રકરણ વચ્ચે કેન્દ્ર સરકારના ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સંસદમાં જણાવ્યું કે ઇન્ડિગો સામે એવી કાર્યવાહી કરાશે જે અન્ય એરલાઇન્સ માટે દાખલારૂપ સાબિત થશે. સરકારે એરલાઇનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આ પ્રકારની અવ્યવસ્થા મુસાફરો માટે અસહ્ય છે અને તેની ગંભીર અસર ઉડ્ડયન ક્ષેત્રની પ્રતિષ્ઠા પર પડે છે. ડીજીસીએએ ઇન્ડિગોને નોટિસ મોકલી હતી, જેના જવાબમાં એરલાઇન્સે દુઃખ વ્યક્ત કરતાં મુસાફરો પાસેથી માફી માંગી છે. ઇન્ડિગોનું કહેવું છે કે હાલ 100 ટકા નેટવર્ક રીસ્ટોર કરવામાં આવ્યું છે અને 91 ટકા ફ્લાઇટ્સ સમયસર ઓપરેટ થઈ રહી છે. તેમ છતાં, મોટા શહેરોના એરપોર્ટ્સ પર જોવા મળતા દૃશ્યોથી સ્પષ્ટ થાય છે કે મુસાફરોનું અસંતોષ હજી ઓસર્યું નથી.

એક અઠવાડિયાથી સતત ચાલતા આ સંકટને કારણે મુસાફરોનો મોટા પાયે વિશ્વાસ પણ ખંડિત થયો છે. વીતી ગયેલા સાત દિવસોમાં હજારો લોકો પોતાના મહત્વના કાર્યક્રમો, મેડિકલ અપોઇન્ટમેન્ટ, લગ્ન પ્રસંગો અને બિઝનેસ મીટિંગ્સ મિસ કરી ચૂક્યાં છે. અનેક મુસાફરોને અન્ય એરલાઇનની મોંઘી ટિકિટો ખરીદી રહેલી છે, જ્યારે કેટલાકને ટ્રેન અથવા બસ દ્વારા લાંબી મુસાફરી કરી ઘરે પહોંચવાનું પડી રહ્યું છે.

ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં આ ઘટના એક મોટા ચેતવણીરૂપ પ્રસંગ તરીકે જોવામાં આવી રહી છે. એક જ એરલાઇનની આંતરિક સમસ્યાઓથી દેશવ્યાપી મુસાફરી વ્યવસ્થા કેટલી અસરગ્રસ્ત થઈ શકે છે તે આ પ્રકરણથી સ્પષ્ટ થાય છે. હવે નજર એ પર છે કે સરકાર ઇન્ડિગો સામે શું કાર્યવાહી કરે છે અને શું આ ઘટના પછી ઉડ્ડયન ક્ષેત્રના નિયમો અને પ્રક્રિયાઓમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવશે. IndGoનું પડકાર એ છે કે તે માત્ર સિસ્ટમને સ્થિર કરે એટલું જ નહીં, પરંતુ લોકોને ગુમાવેલો વિશ્વાસ પણ પાછો જીતે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ