IndiGoની મોનોપોલી ખતમ! કેન્દ્ર સરકારે નવી 3 એરલાઇન્સને આપી મંજૂરી, જાણો શું છે નામ Dec 24, 2025 ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી બજારમાં પ્રભુત્વ ધરાવતી IndiGo સહિતની મોટી એરલાઇન્સ વચ્ચે હવે સ્પર્ધા વધુ તેજ બનવાની શક્યતા છે. કેન્દ્ર સરકારે ત્રણ નવી એરલાઇન્સને ઉડાન ભરવાની મંજૂરી આપતા ભારતીય આકાશમાં નવા ખેલાડીઓ પ્રવેશ માટે તૈયાર થયા છે. શંખ એર, અલ હિંદ એર અને ફ્લાય એક્સપ્રેસ નામની આ એરલાઇન્સને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી NOC આપવામાં આવી છે.કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિન્જરાપુએ માહિતી આપતાં જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં તેઓએ અનેક નવી એરલાઇન્સની ટીમો સાથે બેઠક કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, શંખ એરને પહેલેથી જ મંત્રાલય તરફથી NOC મળી ચૂક્યું છે, જ્યારે અલ હિંદ એર અને ફ્લાય એક્સપ્રેસને આ અઠવાડિયે મંજૂરી આપવામાં આવી છે.મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ દેશમાં શક્ય તેટલી વધુ નવી એરલાઇન્સને પ્રોત્સાહન આપવાનો છે જેથી ઉડ્ડયન ક્ષેત્રમાં સ્પર્ધા વધે, ભાડા નિયંત્રિત રહે અને મુસાફરોને વધુ વિકલ્પો મળી શકે. ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારોમાંનું એક બની રહ્યું છે અને આ વૃદ્ધિ પાછળ કેન્દ્ર સરકારની નીતિઓ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ઉડાન યોજનાથી નાની એરલાઇન્સને બળકેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે સરકારની ઉડાન યોજનાએ નાની અને પ્રાદેશિક એરલાઇન્સને નવી તાકાત આપી છે. સ્ટાર એર, ઇન્ડિયાવન એર અને ફ્લાય91 જેવી એરલાઇન્સ આજે દેશના દુરસ્ત અને નાના શહેરોને હવાઈ કનેક્ટિવિટી પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ યોજનાના કારણે હવાઈ મુસાફરી હવે માત્ર મહાનગરો સુધી સીમિત રહી નથી, પરંતુ સામાન્ય નાગરિકો માટે પણ વધુ સુલભ બની છે. શંખ એર ક્યાંથી શરૂ કરશે ઉડાન?ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સ્થિત શંખ એરલાઇન્સ શરૂઆતમાં લખનઉથી વારાણસી, ગોરખપુર, અયોધ્યા, ચિત્રકૂટ, ઇન્દોર અને દેહરાદૂન જેવા શહેરો વચ્ચે સેવાઓ શરૂ કરવાની યોજના ધરાવે છે. આ શહેરો ધાર્મિક અને પર્યટન દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોવાથી, મુસાફરોને સમય અને ખર્ચ બંનેમાં મોટી રાહત મળશે. સ્પર્ધા વધશે, મુસાફરોને લાભનવી એરલાઇન્સના પ્રવેશથી IndiGo, એર ઇન્ડિયા, સ્પાઇસજેટ જેવી હાલની કંપનીઓ માટે સ્પર્ધા વધશે. નિષ્ણાતો માને છે કે આવનારા સમયમાં હવાઈ ભાડામાં ઘટાડો, વધુ સારી સેવાઓ અને પ્રાદેશિક કનેક્ટિવિટીમાં વધારો જોવા મળશે. કુલ મળીને, કેન્દ્ર સરકારનો આ નિર્ણય ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે. Previous Post Next Post