પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીના મોત બાદ NSUI હરકતમાં, સ્કૂલની માન્યતા રદ કરવા અને પોલીસ બંદોબસ્તની માંગ Dec 22, 2025 રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત પ્રવાસ દરમિયાન સાસણગીર નજીક આવેલા ખાનગી રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ધોરણ-8ના વિદ્યાર્થી હાર્દિક બારૈયાના મોતની ઘટના બાદ સમગ્ર શહેરમાં શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે. માસૂમ વિદ્યાર્થીના અકાળ અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જોકે આ ઘટનાના ત્રણ દિવસ બાદ વિદ્યાર્થી સંગઠન NSUI હરકતમાં આવ્યું છે અને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરીને સ્કૂલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.NSUI દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું હતું કે, રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને સાસણગીર ખાતે પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા. પ્રવાસ દરમિયાન સ્કૂલ સંચાલક અને મેનેજમેન્ટની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટના માત્ર અકસ્માત નથી પરંતુ સુરક્ષા વ્યવસ્થામાં થયેલી ઘોર બેદરકારીનું પરિણામ છે, જેમાં એક પરિવારએ પોતાનો લાડકવાયો દીકરો ગુમાવ્યો છે. NSUI રાજકોટ શહેરના પ્રમુખ બ્રિજરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સંચાલક અને મેનેજમેન્ટની હોય છે. તેમ છતાં, જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવ્યા ન હતા. સ્વિમિંગ પૂલ જેવી જોખમી જગ્યાએ વિદ્યાર્થીઓને પૂરતી દેખરેખ વગર રાખવામાં આવ્યા, જેના કારણે આ દુઃખદ ઘટના બની. તેમણે આ મામલે નવયુગ સ્કૂલની માન્યતા તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી.NSUI દ્વારા કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને આવેદનપત્ર પાઠવીને મૃતક વિદ્યાર્થીના માતા-પિતાને ન્યાય આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી. NSUI નેતાઓએ જણાવ્યું હતું કે, જે માતા-પિતાએ પોતાનું બાળક ગુમાવ્યું છે તેમની પીડા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેવી નથી. બાળક હવે જીવતો પાછો આવી શકે તેમ નથી, પરંતુ સરકાર અને પ્રશાસને પરિવારને મોટી આર્થિક સહાય જાહેર કરીને તેમની પીડામાં થોડો તો રાહત આપવી જોઈએ.આ ઉપરાંત NSUI દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મહત્વપૂર્ણ માંગણી કરવામાં આવી હતી. NSUIએ કલેક્ટરને અપીલ કરી હતી કે, રાજકોટ સહિત રાજ્યભરમાં જ્યારે પણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ માટે લઈ જવામાં આવે ત્યારે પ્રવાસી બસ સાથે ફરજિયાત રીતે બે પોલીસ કોન્સ્ટેબલનો બંદોબસ્ત ગોઠવવામાં આવે. પોલીસ બંદોબસ્ત રહેતા સ્કૂલ સંચાલકોની જવાબદારી વધશે અને વિદ્યાર્થીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત થશે. NSUIનું માનવું છે કે, માત્ર માર્ગ સલામતી નહીં પરંતુ પ્રવાસ દરમિયાન સમગ્ર કાર્યક્રમમાં પોલીસની હાજરીથી શિસ્ત અને સુરક્ષા બંને જળવાશે.જ્યારે NSUIના નેતાઓને પૂછવામાં આવ્યું કે શું તેઓ મૃતક વિદ્યાર્થીના માતા-પિતાને મળ્યા છે કે નહીં, ત્યારે તેમણે જણાવ્યું હતું કે સંગઠનના આગેવાનો પરિવારને મળવા ગયા હતા અને પરિવારની વ્યથા સાંભળી હતી. પરિવારને ન્યાય અપાવવા માટે જ આજે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે.NSUI દ્વારા આપવામાં આવેલા આવેદનમાં વધુમાં જણાવાયું હતું કે, સ્કૂલ દ્વારા આયોજિત પ્રવાસોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા હોવી જોઈએ. સ્વિમિંગ પૂલ, એડવેન્ચર પ્રવૃત્તિઓ અથવા જોખમી સ્થળોએ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે ત્યારે ટ્રેન્ડ લાઈફગાર્ડ, શિક્ષકો અને જરૂરી સુરક્ષા સાધનોની હાજરી અનિવાર્ય હોવી જોઈએ. પરંતુ નવયુગ સ્કૂલના કેસમાં આ તમામ બાબતોની અવગણના કરવામાં આવી હોવાનું NSUIનું કહેવું છે.એક તરફ સ્કૂલ સંચાલકોની બેદરકારી અને બીજી તરફ પ્રશાસનની ઢીલાશના કારણે એક માસૂમ બાળકને જીવ ગુમાવવો પડ્યો છે. NSUIએ ચેતવણી આપી છે કે જો સ્કૂલ સામે કડક કાર્યવાહી નહીં થાય અને પરિવારને યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે.રાજકોટમાં બનેલી આ દુઃખદ ઘટના બાદ ફરી એકવાર સ્કૂલ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એક પરિવાર માટે આ ઘટના ક્યારેય ન ભૂલાય તેવી છે, જ્યારે સમાજ અને પ્રશાસન માટે આ ઘટના ચેતવણીરૂપ સાબિત થવી જોઈએ. Previous Post Next Post