આઈ સોનલ માના 102મા જન્મોત્સવે મઢડામાં ઉમટ્યું માનવ મહેરામણ, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ Dec 22, 2025 જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા સોનલધામ ખાતે આજે આઈ સોનલ માના 102મા જન્મોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી રહી છે. સોનલ બીજ નિમિત્તે આયોજિત આ મહોત્સવે સમગ્ર મઢડાને આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાના રંગે રંગી દીધું છે. વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં માઈભક્તો મઢડાના આંગણે ઉમટી પડ્યા હતા. સોનલ બીજ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ ચારણ-ગઢવી સમાજની અતૂટ શ્રદ્ધા, ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિક પરંપરાનું જીવંત પ્રતિબિંબ બની રહી છે.આઈ સોનલ માના જન્મોત્સવની શરૂઆત વહેલી સવારે માતાજીની મહાઆરતી સાથે કરવામાં આવી હતી. સોનલધામ ખાતે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિભાવ છવાઈ ગયો હતો અને “જય આઈ સોનલ મા”ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ મઢડા ગામના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવાનો, વડીલો અને મહિલાઓ જોડાયા હતા. ઢોલ-નગારાના નાદ સાથે આગળ વધતી શોભાયાત્રાએ સમગ્ર ગામને ઉત્સવમય બનાવી દીધું હતું. શોભાયાત્રા દરમિયાન ચારણ-ગઢવી સમાજની પરંપરાગત સંસ્કૃતિ અને લોકકલા ઝળહળી ઉઠી હતી. ભક્તોએ હાથમાં ધ્વજ, નિશાન અને માતાજીની તસવીરો ધારણ કરી માતાજી પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ દરમિયાન યજ્ઞ, સ્તુતિ, પૂજા અને દર્શન જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. ભક્તોનું માનવું છે કે આઈ સોનલ માના દર્શનથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.બપોરના સમયે સોનલધામના ચોકમાં રાસ અને ગરબાની રમઝટ જોવા મળી હતી. પરંપરાગત વાદ્યોના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા અને સમગ્ર વાતાવરણ ઉત્સાહથી ભરાઈ ગયું હતું. યુવાઓથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ આ ભક્તિમય આનંદમાં જોડાયા હતા. આ પ્રસંગે મઢડા સોનલધામ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે મહાપ્રસાદનું વિશાળ આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.આ ઉજવણીમાં માત્ર ચારણ-ગઢવી સમાજ જ નહીં, પરંતુ અઢારે વરણના લોકો પણ શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. નવી પેઢીને સમાજની પરંપરા, સંસ્કાર અને સંતવાણીના મૂલ્યો સાથે જોડતી આ ઉજવણી સમાજમાં એકતા અને સહભાવનાનો સંદેશ આપતી જોવા મળી હતી. કચ્છથી ખાસ પધારેલા પ્રભુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે મઢડા ખાતે મા સોનલનો 102મો જન્મોત્સવ અત્યંત ભક્તિભાવથી ઉજવાઈ રહ્યો છે. મા સોનલ તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેમના દર્શન માટે દેશ-વિદેશમાંથી ભાવિકો અહીં આવે છે.અન્ય એક માઈભક્ત નિકુંજ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સોનલ બીજ નિમિત્તે મઢડા આવે છે. તેમણે જણાવ્યું કે, આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને રાસ-ગરબા તેમજ રાત્રે યોજાનાર ભજન અને સંતવાણી કાર્યક્રમનો વિશેષ લ્હાવો મળશે.ઉજવણીના સમાપન પ્રસંગે રાત્રિ દરમિયાન ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના નામી-નામી લોકસાહિત્યકારો, ભજનીકો અને સંગીતકારો પોતાની કલા પીરસશે. સંતવાણી કાર્યક્રમ માટે વિશાળ સમિયાણું અને સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં હજારોની સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ રહેવાની સંભાવના છે. ભક્તોની સુવિધા માટે સોનલધામ ટ્રસ્ટ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ અને આરોગ્ય સેવાઓ સહિતની પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. મઢડામાં આજે આઈ સોનલ માના જન્મોત્સવે આસ્થા, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ સર્જાયો છે. Previous Post Next Post