વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં વ્રજધામ બન્યું ગુજરાતનું મોટું આકર્ષણ, ચારધામ-તીર્થો અને હિમાલય પ્રતિકૃતિએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા દર્શન કરાવ્યા Dec 22, 2025 વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં હાલ ચાલી રહેલો ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ગુજરાતનું સૌથી મોટું ધાર્મિક અને આધ્યાત્મિક આકર્ષણ બની ગયો છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા આયોજિત આ મહોત્સવ 21થી 29 ડિસેમ્બર સુધી યોજાઈ રહ્યો છે, જેમાં ભક્તોને એક જ જગ્યાએ ભારતના તમામ મુખ્ય તીર્થધામો અને ચારધામના દર્શન કરવાનો અનોખો લ્હાવો મળી રહ્યો છે. મહોત્સવને જોવા માટે વડોદરા ઉપરાંત ગુજરાત અને દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. નવલખી ગ્રાઉન્ડમાં પ્રવેશતા જ વિશાળ અને ભવ્ય પ્રવેશદ્વાર ભક્તોને કોઈ રાજમહેલમાં પ્રવેશ કરતા હોય એવી અનુભૂતિ કરાવે છે. અંદર પ્રવેશ કર્યા બાદ વિશાળ ડોમમાં દેશના પ્રસિદ્ધ તીર્થધામોની અદ્ભુત પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે, જેને જોતા જ સાચા તીર્થસ્થળે આવ્યા હોવાની અનુભૂતિ થાય છે. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના મુખે યોજાતી કથાઓ સાંભળવા માટે પણ ભક્તોની મોટી ભીડ ઉમટી રહી છે.પ્રવેશ કર્યા બાદ સૌથી પહેલા તિરુપતિ બાલાજીના દર્શન થાય છે, ત્યારબાદ પદ્મનાભ સ્વામી, દ્વારકા, નાથદ્વારા, અયોધ્યા રામમંદિર, બદ્રીનાથ, કેદારનાથ, વૃંદાવન, જગન્નાથપુરી અને રામેશ્વરમ જેવા ભારતના મુખ્ય ધામોના દર્શન એક જ પરિસરમાં થાય છે. આ તમામ ડોમની વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ધારણ કરાયેલો ગોવર્ધન પર્વત વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગોવર્ધન પર્વતની પરિક્રમા કરીને ભક્તો આધ્યાત્મિક આનંદ અને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. આ પ્રદર્શન બાદ આગળ વધતા ભક્તોને વિશાળ હિમાલય પર્વતની પ્રતિકૃતિ જોવા મળે છે, જેમાં ગુફાઓ બનાવવામાં આવી છે. રાત્રિના સમયે લાઇટિંગ સાથે આ હિમાલય અને ગુફાઓનો નજારો અદભૂત બની જાય છે. ગુફાઓમાં શેષનાગ પર ભગવાન શ્રીકૃષ્ણ, રામ દરબાર સહિતના પૌરાણિક પ્રસંગોને જીવંત સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્ટોરી ટેલિંગ પદ્ધતિ દ્વારા ભક્તોને આ દ્રશ્યોમાં જોડવાનો સફળ પ્રયાસ થયો છે, જે ખાસ કરીને બાળકો અને યુવાઓ માટે આકર્ષણરૂપ બન્યો છે.મહોત્સવમાં ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત બિઝનેસ સમિટ અને બિઝનેસ એક્સપોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહે છે અને વ્યવસાય, સેવા અને સંસ્કૃતિ વિષયક નિષ્ણાતોના વકતવ્ય યોજાય છે. સાથે-સાથે ભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદીની પણ સુવ્યવસ્થા કરવામાં આવી છે.જામનગરથી આવેલા હેમાબેન સંઘાણીએ જણાવ્યું હતું કે, અહીં એક જ જગ્યાએ 84 બેઠક, ચારધામ અને ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવાનો અમને અદભૂત લ્હાવો મળ્યો છે. અમે જામનગરથી 60 લોકો સાથે આવ્યા છીએ અને અહીં આવીને સાચી અર્થમાં ધન્યતાનો અનુભવ થયો છે. જુનાગઢથી આવેલા વિજયભાઈ ભલાણીએ જણાવ્યું હતું કે, અમે જુનાગઢ શહેરમાંથી 7 બસ અને સમગ્ર જિલ્લામાંથી 22 બસ લઈને અહીં આવ્યા છીએ. આવું ભવ્ય અને અનોખું આયોજન અમે અગાઉ ક્યારેય જોયું નથી.VYOના ગ્લોબલ પ્રેસિડેન્ટ રાજીવ શાહે જણાવ્યું હતું કે, આ મહોત્સવની સૌથી મોટી ખાસિયત એ છે કે ભારતભરના મુખ્ય તીર્થોને વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં પધરાવવામાં આવ્યા છે. ચારધામ, અયોધ્યા રામમંદિર, નાથદ્વારા, તિરુપતિ બાલાજી અને ગોવર્ધન પર્વત જેવી પ્રતિકૃતિઓ ભક્તોને અદભૂત આધ્યાત્મિક અનુભવ કરાવે છે. હિમાલયની ગુફાઓમાં વિવિધ દ્રશ્યો સાથે સ્ટોરી ટેલિંગ, કથા, બિઝનેસ સમિટ અને નિઃશુલ્ક ભોજન પ્રસાદી—all-in-one આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની વિશ્વસ્તરની સંસ્થા VYO આજે વિશ્વના 15 દેશોમાં સક્રિય રીતે કાર્યરત છે. VYOના 15 વર્ષ અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. 21થી 29 ડિસેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં ગુજરાત ઉપરાંત ભારત અને વિદેશમાંથી લાખો લોકો વડોદરા આવી રહ્યા છે, જેના કારણે નવલખી ગ્રાઉન્ડ આ દિવસોમાં આસ્થા, સંસ્કૃતિ અને ભક્તિના મહાસાગરમાં રૂપાંતરિત થયું છે. Previous Post Next Post