સુશાસન અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતી ‘નમો ડ્રોન દીદી યોજના’થી રાજકોટની બહેનોને વર્ષે 12થી 15 લાખ આવક Dec 23, 2025 વિકાસશીલ દેશમાંથી વિકસિત ભારત તરફ આગળ વધતાં ભારતે ટેકનોલોજી, આત્મનિર્ભરતા અને સુશાસનના માર્ગે મજબૂત પગલાં ભર્યા છે. ખેતી, ઉદ્યોગ, શિક્ષણ અને આરોગ્ય સાથે હવે ગ્રામ્ય મહિલાઓના સશક્તિકરણમાં પણ આધુનિક ટેકનોલોજી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સરકારના આ વિઝનનું ઉત્તમ ઉદાહરણ એટલે “નમો ડ્રોન દીદી યોજના”, જેના કારણે ગામડાની મહિલાઓ હવે ખેતી ક્ષેત્રે નવી ઓળખ બનાવી રહી છે.એક સમય હતો જ્યારે ખેતી માટે હાથમાં દાતરડું કે પંપ પકડવો પડતો, આજે એ જ હાથમાં ડ્રોનનું રીમોટ છે. કોઈ મોટા મૂડીનિર્વેશ કે વિશાળ જમીન વિના, ગ્રામ્ય વિસ્તારની બહેનો પણ આજે લખપતિ દીદી બની રહી છે. પ્રથમ નજરે અવિશ્વસનીય લાગતી આ વાત સરકારની મહિલા ઉત્કર્ષલક્ષી યોજનાઓના કારણે શક્ય બની છે. “સૌનો સાથ, સૌનો વિકાસ” અને “સુશાસન”ના સૂત્રને સાકાર કરતી આ યોજના ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવી રહી છે.રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પરિણામે હવે ગામડાંમાં પણ શહેર સમાન સુવિધાઓ વિકસી રહી છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં થતા સ્થળાંતરને અટકાવવામાં પણ મદદ મળી રહી છે. “નમો ડ્રોન દીદી યોજના” દ્વારા મહિલાઓ ખેતી-પશુપાલનથી આગળ વધી આધુનિક ટેકનોલોજી સાથે જોડાઈ રહી છે અને આત્મનિર્ભર બની રહી છે.રાજકોટ જિલ્લાની બહેનો આ યોજનાનો જીવંત દાખલો છે. રાજકોટના સાજડીયાળી ગામની ૩૩ વર્ષીય સોનલબહેન પાંભર અને શ્રદ્ધાબેન સોરઠીયાએ આ યોજનાનો લાભ લઈ નવી દિશામાં પગલું ભર્યું. કોલેજ સુધી અભ્યાસ કરનાર આ બંને બહેનો ઘરનો ઉંબરો ઓળંગી પુણે પહોંચી, જ્યાં ઈફ્કો દ્વારા યોજાયેલી ૧૫ દિવસીય ડ્રોન પાયલોટ તાલીમમાં થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું. ડ્રોન ઉડાવવાની સંપૂર્ણ તાલીમ મેળવી તેઓ હવે સફળ “ડ્રોન દીદી” તરીકે ઓળખાય છે.સરકાર દ્વારા વિનામૂલ્યે અપાયેલા ડ્રોન અને ઈ-થ્રીવ્હીલરથી સોનલબહેન અને શ્રદ્ધાબહેન આજે વર્ષે રૂ. ૧૨થી ૧૫ લાખ સુધીની આવક મેળવી રહી છે. સોનલબહેન જણાવે છે કે, “અગાઉ હું દાતરડું અને પંપથી ખેતીકામ કરતી હતી, આજે આંગળીનાં ટેરવે ડ્રોન ઉડાવું છું. સરકારની તાલીમ અને સહાયથી અમારા પરિવારનું જીવનસ્તર બદલાઈ ગયું છે.”ડ્રોન દ્વારા દવાનો છંટકાવ ખેડૂતો માટે પણ લાભદાયી સાબિત થયો છે. એક એકરમાં માત્ર સાત મિનિટમાં છંટકાવ શક્ય બને છે, જેના કારણે સમય, પાણી અને દવાની બચત થાય છે. પંપથી છંટકાવ કરતી વખતે દવા શ્વાસમાં જવાની શક્યતા રહે છે, જ્યારે ડ્રોનથી દવા સીધી પાંદડાઓ પર પડે છે, જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.બાગાયતી પાકો, કપાસ, તુવેર, એરંડા અને મગફળી જેવા પાકોમાં ડ્રોનથી છંટકાવ ખૂબ અસરકારક સાબિત થયો છે. ગીચ પાકમાં અંદર જવાની જરૂર પડતી નથી, જેથી પાકને નુકસાન થતું નથી અને સાપ-વિછુ જેવા જીવજંતુઓનો ભય પણ રહેતો નથી.ખેડૂત વિમલભાઈ કહે છે કે, “વર્ષોથી ખેતી કરું છું, પણ ભરબપોરે ટાઢા છાંયે બેસીને ખેતરમાં દવાનો છંટકાવ થતો પ્રથમ વખત જોયો. ચોમાસામાં પાણી ભરાય કે ઉનાળાની ગરમી હોય, ડ્રોનથી છંટકાવ ખૂબ સરળ બન્યો છે. ખેતી હવે સરળ અને સલામત લાગી રહી છે.”મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટના વિકાસ સપ્તાહ દરમિયાન આવ્યા ત્યારે ડ્રોન દીદી શ્રદ્ધાબહેને તેમની સામે ડ્રોન કામગીરીનું નિદર્શન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીની સરળતા અને ઉત્સાહભર્યા શબ્દોએ બહેનોને વધુ પ્રેરણા આપી.આ રીતે “નમો ડ્રોન દીદી યોજના” દ્વારા સોનલબહેન અને શ્રદ્ધાબહેન જેવી અનેક મહિલાઓ આજે આત્મનિર્ભર બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મહિલાઓ માત્ર પોતાની આવક વધારતી નથી, પરંતુ દેશના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ યોજના ખરેખર સુશાસન અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતી એક સફળ પહેલ બની છે. Previous Post Next Post