વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી રાજકોટ–સૌરાષ્ટ્રના ઉદ્યોગોને નવી દિશા Dec 23, 2025 જાન્યુઆરી માસમાં રાજકોટમાં યોજાનારી **વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)**થી રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ઔદ્યોગિક તથા વ્યાવસાયિક વિકાસને નવી ગતિ મળશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમને લઈને ઉદ્યોગકારો અને વેપારીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લઘુઉદ્યોગ ભારતી–સૌરાષ્ટ્ર દ્વારા આયોજિત બે મહત્વના સેમિનાર અને ડિફેન્સ એક્સ્પો ઉદ્યોગકારો માટે નવી તકોના દ્વાર ખોલશે.લઘુઉદ્યોગ ભારતી–ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી હંસરાજભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાન અંતર્ગત ઉત્પાદન અને એન્જિનિયરિંગ ક્ષેત્રને મજબૂત બનાવવા પ્રયાસ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં રાજકોટમાં યોજાનારી VGRC ઉદ્યોગકારો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.લઘુઉદ્યોગ ભારતી–સૌરાષ્ટ્ર દ્વારા આ કોન્ફરન્સમાં બે મહત્વના સેમિનાર યોજાશે. પ્રથમ સેમિનાર ઈમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ ડેવલપમેન્ટ વિષય પર યોજાશે, જેમાં ઉદ્યોગકારોને આયાત ઘટાડીને દેશી ઉત્પાદન વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. હાલ દેશમાં હેન્ડટૂલ્સ અને પાવર ટૂલ્સ જેવા ઉત્પાદનોની રૂ. એક અબજથી વધુની આયાત થાય છે. આ ઉત્પાદનોનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરીને આયાત ઘટાડવામાં આવે તો દેશનું હુંડિયામણ દેશમાં જ રહે અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે દિશામાં ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવશે.બીજો મહત્વનો સેમિનાર ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ વિષય પર યોજાશે. રાજકોટના અનેક ઉદ્યોગકારો પહેલેથી જ ડિફેન્સ ક્ષેત્ર માટે જરૂરી સાધનો અને ભાગોના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. આ સંદર્ભે યોજાનારા ડિફેન્સ એક્સ્પો દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને સરકાર, પી.એસ.યુ. તેમજ અન્ય મોટા ઉદ્યોગકારો સમક્ષ રજૂ કરવામાં આવશે. આ એક્સ્પો બાયર્સ અને સેલર્સ માટે સેતુરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.ડિફેન્સ સંબંધિત ઉત્પાદનોના ઉત્પાદન બાદ તેના સપ્લાય માટે જરૂરી વેન્ડર રજિસ્ટ્રેશન, પ્રક્રિયા, નીતિ અને તકનીકી માર્ગદર્શન ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ સેમિનારમાં આપવામાં આવશે, જેથી નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે ડિફેન્સ ક્ષેત્રમાં પ્રવેશ સરળ બને.શ્રી ગજેરાએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘વાયબ્રન્ટ ગુજરાત’ની સંકલ્પના દ્વારા ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા ‘રિજનલ વાયબ્રન્ટ’નો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેના કારણે પ્રદેશવિશેષની ઉદ્યોગિક શક્તિઓને આગળ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.સૌરાષ્ટ્રના વિવિધ શહેરો અલગ–અલગ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. મોરબી, થાન અને વાંકાનેર સિરામિક ઉદ્યોગમાં, જામનગર ઇલેક્ટ્રિકલ અને બ્રાસ પાર્ટ્સમાં, ભાવનગર શિપબ્રેકિંગમાં અને જુનાગઢ એગ્રીકલ્ચર આધારિત ઉદ્યોગોમાં વિશેષ પ્રખ્યાત છે. રાજકોટમાં તો એન્જિનિયરિંગ, ડિઝલ એન્જિન, સિલ્વર-ગોલ્ડ જ્વેલરી ઉપરાંત હવે ઇલેક્ટ્રિક મોટર્સ સહિત ૪૦થી ૫૦ જેટલા સેગમેન્ટમાં નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે.આ VGRCના માધ્યમથી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ટૂરિઝમ, એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, મેન્યુફેક્ચરિંગ, ઈ-કોમર્સ અને ટેક્નોલોજી આધારિત વ્યવસાયોને મોટો વેગ મળશે. ખાસ કરીને યુવાનોમાં ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ અંગે વધતી જાગૃતિને કારણે નવી તકો સર્જાશે અને સમગ્ર પ્રદેશના આર્થિક વિકાસને નવી ઊંચાઈ મળશે. Previous Post Next Post