રાજકોટ જિલ્લાના શહેરી વિસ્તારોને સ્વચ્છ અને સુંદર બનાવવા સઘન સફાઈ તથા મોનિટરીંગ ઝુંબેશ Dec 23, 2025 રાજકોટ જિલ્લાના શહેરી વિસ્તારોને ચોખ્ખાંચણાક અને સ્વચ્છ બનાવવાના નિર્ધાર સાથે જિલ્લા પ્રશાસન અને વિવિધ નગરપાલિકાઓ દ્વારા સઘન સફાઈ તથા મોનિટરીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ગોંડલ, જેતપુર, જસદણ અને ભાયાવદર નગરપાલિકાઓ દ્વારા સાફ-સફાઈ તેમજ ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.ગોંડલ અને ભાયાવદર નગરપાલિકાઓના ચીફ ઓફિસર તથા સીટી મેનેજર દ્વારા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનના વાહનો સમયસર નિર્ધારિત P.O.I. (પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ) વિસ્તારોમાં પહોંચી રહ્યા છે કે કેમ તેની રૂબરૂ ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન વાણિજ્ય વિસ્તારો, રહેણાંક વિસ્તારો તેમજ ફુટપાથની સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. સાથે જ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જસદણ નગરપાલિકા દ્વારા ૧૦૦ ટકા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી હતી. ‘વિઝિબલ ક્લિનલીનેસ’ના ધ્યેય સાથે જૂનું બસ સ્ટેન્ડ, મેઈન રીંગ રોડ, મુખ્ય બજારો, શાક માર્કેટ, ધાર્મિક સ્થળો, પ્રતિમાઓ, રીક્ષા સ્ટેન્ડ, બાઈક સ્ટેન્ડ તથા સાયકલ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોની વ્યાપક સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેથી શહેરમાં સ્વચ્છતા સ્પષ્ટ દેખાઈ આવે.આ ઉપરાંત, જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઈન્સપેકટર અને સીટી મેનેજરની ટીમ દ્વારા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ગાર્બેજ કલેક્શન વાહનોના સમયપત્રક તેમજ P.O.I. કવરેજની ચકાસણી કરવામાં આવી હતી. વાણિજ્ય અને રહેણાંક વિસ્તારોની સાથેસાથે સ્લમ વિસ્તારો અને ફુટપાથની સફાઈનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ રીતે રાજકોટ જિલ્લાના તમામ નગરપાલિકાઓ દ્વારા શહેરોને સ્વચ્છ, સુંદર અને આરોગ્યદાયક બનાવવા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સઘન સફાઈ અને નિયમિત મોનિટરીંગ ઝુંબેશના પરિણામે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસે અને શહેરી વિસ્તારો વધુ સુવ્યવસ્થિત બને તે દિશામાં મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. Previous Post Next Post