પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસની દહેશત: બે શંકાસ્પદ કેસ સામે આવતા કેન્દ્ર સરકારે તાત્કાલિક ટીમ તૈનાત કરી Jan 13, 2026 પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસાત વિસ્તારમાં આ બંને કેસ નોંધાતા સમગ્ર રાજ્યમાં ચિંતા ફેલાઈ છે. બંને શંકાસ્પદ દર્દીઓ બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા પુરુષ અને મહિલા નર્સ હોવાનું સામે આવ્યું છે. હાલ બંનેની હાલત અત્યંત ગંભીર છે અને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, આ બંને નર્સ ડિસેમ્બર મહિનામાં મિદનાપુર અને બર્ધમાન ખાતે આવેલા પોતાના વતન ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેમને તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી લક્ષણો દેખાવા લાગ્યા હતા. હાલત બગડતાં તેમને બારાસાતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોને શંકા જતા તરત જ નિપાહ વાયરસના ટેસ્ટ માટે નમૂનાઓ લેવામાં આવ્યા હતા. સેમ્પલ પુણે મોકલાયા, કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂપશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તીએ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, બંને શંકાસ્પદ દર્દીઓ એક જ હોસ્પિટલમાં કામ કરતા હોવાથી સંક્રમણની શક્યતા ગંભીર રીતે જોવામાં આવી રહી છે. વાયરસના ફેલાવાને અટકાવવા માટે આરોગ્ય વિભાગે તાત્કાલિક કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બંને દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ બંને નર્સના સેમ્પલ પુષ્ટિ માટે પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ખાતે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવવા સુધી સમગ્ર વિસ્તારને એલર્ટ પર રાખવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત જિલ્લાઓના મેડિકલ ઓફિસરો સાથે તાકીદની બેઠક યોજી છે અને તમામ ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. નિપાહ વાયરસ: અત્યંત ઘાતક અને જોખમીનિપાહ વાયરસ એક અત્યંત જીવલેણ વાયરસ માનવામાં આવે છે, જેમાં મૃત્યુદર લગભગ 70 ટકા સુધી નોંધાયો છે. આ વાયરસ મુખ્યત્વે ફળ ખાવાવાળા ચામાચીડિયા (Fruit Bats) દ્વારા ફેલાય છે. ચામાચીડિયાની લાળ, પેશાબ અથવા સંક્રમિત ફળોના સંપર્કમાં આવવાથી માનવમાં ચેપ લાગવાની શક્યતા રહે છે. કેટલીક પરિસ્થિતિમાં ડુક્કર જેવા પશુઓ મારફતે પણ વાયરસ માનવ સુધી પહોંચે છે.નિપાહ વાયરસનો કોઈ ચોક્કસ ઈલાજ અથવા રસી હાલમાં ઉપલબ્ધ નથી. સારવાર મુખ્યત્વે લક્ષણો આધારીત (Supportive Treatment) આપવામાં આવે છે. તાવ, મગજમાં સોજો (એન્સેફેલાઈટિસ), શ્વાસની તકલીફ અને કોમામાં જવાની શક્યતા હોવાને કારણે આ વાયરસને અત્યંત જોખમી ગણવામાં આવે છે. કેન્દ્ર સરકાર એક્શનમાં, ટીમ તૈનાતપરિસ્થિતિની ગંભીરતા જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી તમામ ટેકનિકલ અને લોજિસ્ટિક સહાય આપવાની ખાતરી આપી છે. સાથે સાથે કેન્દ્ર સરકારે તાત્કાલિક એક નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ પશ્ચિમ બંગાળ મોકલી છે.આ ટીમ રાજ્યના આરોગ્ય અધિકારીઓ સાથે મળીને સંક્રમણની ચેઇન તોડવા, દેખરેખ વધારવા અને જરૂરી પ્રોટોકોલ અમલમાં મૂકવાની કામગીરી કરી રહી છે. જે લોકો આ બંને નર્સના સંપર્કમાં આવ્યા હતા, તેમને ઓળખીને હોમ આઈસોલેશનમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. જરૂર જણાય તો તેમને ક્વોરન્ટાઈન સેન્ટરમાં ખસેડવાની તૈયારી પણ રાખવામાં આવી છે. જનતાને અપીલઆરોગ્ય વિભાગે જનતાને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે. સાથે જ તાવ, શ્વાસમાં તકલીફ અથવા અચાનક બિમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. નિપાહ વાયરસના સંભવિત કેસોને લઈને પશ્ચિમ બંગાળમાં હાલ ઉચ્ચસ્તરીય સતર્કતા જાળવવામાં આવી રહી છે.