પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની અસ્થિરતા બાદ બીજા ભાગમાં સેન્સેક્સ અને નિફ્ટી સાંકડી રેન્જમાં જ સીમિત રહ્યા Dec 18, 2025 ભારતીય શેરબજારમાં વર્ષના પ્રથમ અને બીજા અર્ધવાર્ષિક ગાળામાં સ્પષ્ટ વિભિન્નતા જોવા મળી છે. પ્રથમ છ મહિનામાં જ્યાં સેન્સેક્સ અને નિફ્ટી ભારે અસ્થિરતાના સાક્ષી બન્યા હતા, ત્યાં બીજા અર્ધવાર્ષિક ગાળામાં બજારનું વલણ ઘણી હદે સ્થિર રહ્યું. તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે, પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની તીવ્ર ઊથલપાથલ પછી બીજા ભાગમાં સૂચકાંકો સાંકડી રેન્જમાં જ આંદોલન કરતા રહ્યા.પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં લગભગ 30 વખત 1 ટકા કે તેથી વધુ વધઘટ નોંધાઈ હતી, જ્યારે નિફ્ટીમાં 32 વખત આવી તેજી અને મંદી જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન રોકાણકારોમાં અનિશ્ચિતતા વ્યાપી હતી અને બજાર ભાવનાત્મક રીતે અસ્થિર બન્યું હતું. બીજી તરફ, વર્ષના બીજા છ મહિનામાં સેન્સેક્સમાં માત્ર 3 ટકા અને નિફ્ટીમાં આશરે 4 ટકા જેટલો જ ફેરફાર નોંધાયો, જે બજારની સ્થિરતા દર્શાવે છે.બજાર નિષ્ણાતોના મતે, પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં આવેલી અસ્થિરતાનું મુખ્ય કારણ નિરાશાજનક કોર્પોરેટ કમાણી અને વૈશ્વિક પરિબળો હતા. ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સની વેપાર નીતિ અને ટેરિફ સંબંધિત નિર્ણયોનું સીધું અસર ભારતીય શેરબજાર પર પડી હતી. જૂન ક્વાર્ટરની કમાણી અપેક્ષાઓથી ઓછી રહેતાં રોકાણકારોમાં ચિંતા વધી હતી, જેના કારણે બજારમાં વેચવાલીનો દબાણ સર્જાયું હતું.પ્રથમ છ મહિનામાં શરૂઆતના બે મહિનામાં જ બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ ધીમે ધીમે સુધારાની શરૂઆત થઈ, પરંતુ સમગ્ર અર્ધવાર્ષિક ગાળો અસ્થિરતાથી ભરેલો રહ્યો. જોકે, પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના અંતે બજારમાં થોડી તેજી જોવા મળી હતી, જેના કારણે સૂચકાંકો નવા સ્તરે પહોંચ્યા, પરંતુ આ વધારો પણ મર્યાદિત રહ્યો.બીજા અર્ધવાર્ષિક ગાળામાં બજારનું ચિત્ર થોડું અલગ રહ્યું. ઓછા નકારાત્મક સમાચાર, સપ્ટેમ્બર ક્વાર્ટરના સારા કોર્પોરેટ પરિણામો અને સ્થિર સ્થાનિક સંસ્થાકીય રોકાણને કારણે બજાર વધુ સંતુલિત બન્યું. સૂચકાંકો ધીમે પરંતુ સ્થિર રીતે આગળ વધ્યા, જેના કારણે અસ્થિરતા ઘટી ગઈ. સામાન્ય રીતે, જ્યારે બજારમાં ધીમી અને સ્થિર વૃદ્ધિ જોવા મળે છે, ત્યારે મોટા ઉતાર-ચઢાવ ટળે છે, અને બીજા અર્ધવાર્ષિક ગાળામાં એવું જ જોવા મળ્યું.જો કે, વૈશ્વિક પરિસ્થિતિ સંપૂર્ણ રીતે અનુકૂળ રહી નથી. યુએસ સાથેના વેપાર સોદાને હજી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. અમેરિકાએ ઓગસ્ટમાં 50 ટકા સુધીનો ટેરિફ લાદ્યા બાદ વેપાર વાટાઘાટોમાં ખાસ પ્રગતિ થઈ નથી. આ અનિશ્ચિતતાએ બજારમાં મોટી તેજી આવવા દીધી નથી અને રોકાણકારોને સાવચેતી રાખવા મજબૂર કર્યા છે.રોકાણના પ્રવાહ પર નજર કરીએ તો, બીજા છ મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા લગભગ રૂ. 85,000 કરોડનું વેચાણ કરવામાં આવ્યું છે, જે પહેલા છ મહિનામાં થયેલા રૂ. 72,000 કરોડના વેચાણ કરતાં વધુ છે. આથી સ્પષ્ટ થાય છે કે વિદેશી રોકાણકારો હજી પણ ભારતીય બજાર પ્રત્યે સંપૂર્ણ આત્મવિશ્વાસ ધરાવતા નથી.આ વચ્ચે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) બજાર માટે સંજીવની સાબિત થયા છે. બીજા અર્ધવાર્ષિક ગાળામાં સ્થાનિક સંસ્થાઓએ આશરે રૂ. 4 લાખ કરોડનું રોકાણ કર્યું છે, જ્યારે પહેલા છ મહિનામાં આ આંકડો રૂ. 3.5 લાખ કરોડ હતો. વિદેશી રોકાણકારોની વેચવાલી વચ્ચે સ્થાનિક રોકાણકારોની ખરીદીએ બજારને મોટા ઘટાડાથી બચાવ્યું છે.આઈપીઓના વધતા પ્રવાહને કારણે પણ બજારમાંથી નાણાંનો ઉપાડ થયો છે. સ્થાનિક અને વિદેશી બંને પ્રકારના સંસ્થાકીય રોકાણકારો આઈપીઓમાં ભાગ લેવા માટે સેકન્ડરી માર્કેટમાંથી નાણાં ખસેડી રહ્યા છે, જેના કારણે સૂચકાંકો પર દબાણ રહ્યું છે.આગામી સમયગાળાની વાત કરીએ તો, બજાર નિષ્ણાતો માને છે કે જો યુએસ સાથેના વેપાર મોરચે કોઈ હકારાત્મક સમજૂતી થાય અને આવનારા ક્વાર્ટરમાં કોર્પોરેટ પરિણામો અપેક્ષા કરતાં સારા રહે, તો ભારતીય શેરબજાર આગામી કેટલાક મહિનામાં 10થી 11 ટકા સુધીનું વળતર આપી શકે છે. હાલના તબક્કે રોકાણકારો માટે સાવચેતી અને લાંબા ગાળાની દૃષ્ટિ અપનાવવી વધુ યોગ્ય ગણાય છે. Previous Post Next Post