વર્ષ–2025માં રાજ્યના શહેરી વિસ્તારોના જળ સંસાધનોમાં નોંધપાત્ર વધારો, 92.97 એમએલડી ક્ષમતા ઉમેરાઈ Jan 06, 2026 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યના શહેરી વિસ્તારોમાં દૈનિક અને સલામત પીવાના પાણીની સમાન પહોંચ સુનિશ્ચિત કરવા સતત પ્રયત્નશીલ છે. રાજ્યને ટકાઉ શહેરી જળ વ્યવસ્થાપનના રાષ્ટ્રીય મોડેલ તરીકે સ્થાપિત કરવાની દિશામાં સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ પ્રયાસોના પરિણામરૂપે વર્ષ–2025 દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોના જળ સંસાધનોમાં 92.97 એમ.એલ.ડી. (મિલિયન લિટર પ્રતિ દિવસ)નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ટ્રાન્સમિશન સિસ્ટમ્સમાં કુલ 528.35 કિમીનો વિસ્તારો થયો છે.રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય એ છે કે દરેક શહેરી નાગરિકને દરરોજ પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે. આ હેતુસર શહેરી વિકાસ વિભાગ દ્વારા જળ પુરવઠા માળખામાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે. નવા જળ સ્ત્રોતો વિકસાવવાના સાથે-સાથ હાલની સિસ્ટમ્સને આધુનિક બનાવવામાં આવી છે, જેથી પાણીની ઉપલબ્ધતા સાથે તેની ગુણવત્તા પણ જાળવી શકાય.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં “મિશન ડેઇલી વોટર સપ્લાય” અમલમાં મૂકવામાં આવ્યું છે. આ મિશનનો હેતુ રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં દૈનિક ધોરણે પાણી પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર શહેરી સ્થાનિક સંસ્થાઓને વિવિધ વોટર સપ્લાય અને સેનિટેશન સંબંધિત પ્રોજેક્ટ્સ માટે નાણાકીય અને તકનિકી સહાય પૂરી પાડી રહી છે. પાણી પુરવઠાની પાઇપલાઇન, સ્ટોરેજ ટાંકીઓ, પંપિંગ સ્ટેશનો અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા મહત્વના ઘટકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.રાજ્ય સરકાર દ્વારા વર્ષ–2025ને “શહેરી વિકાસ વર્ષ” તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષ દરમિયાન શહેરી વિસ્તારોમાં વર્લ્ડ ક્લાસ માળખાગત સુવિધાઓ વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પાણી પુરવઠા ઉપરાંત રસ્તા, ડ્રેનેજ, સેનિટેશન, સ્ટ્રીટ લાઇટિંગ અને જાહેર સુવિધાઓના વિકાસ માટે પણ વિવિધ યોજનાઓ અમલમાં છે. શહેરી જળ વ્યવસ્થાપનને મજબૂત બનાવવું એ આ વિકાસ પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ છે.ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને પહેલો હેઠળ હાલમાં ગુજરાતના કુલ 103 શહેરોમાં દૈનિક ધોરણે પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ શહેરોમાં નાગરિકોને નિયમિત અને નિયંત્રિત રીતે પીવાનું પાણી મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજી અને મોનીટરીંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાકી રહેલા શહેરોમાંથી 30 શહેરોમાં પાણી પુરવઠાના કામો વિવિધ યોજનાઓ હેઠળ પ્રગતિ પર છે અને ટૂંક સમયમાં ત્યાં પણ દૈનિક પાણી પુરવઠો શરૂ થવાની અપેક્ષા છે.રાજ્યની બાકીની 32 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં પણ દૈનિક ધોરણે પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે “મિશન ડેઇલી વોટર સપ્લાય” લાગુ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત નવા જળ સ્ત્રોતો શોધવા, ટ્રાન્સમિશન લાઈનો વિસ્તૃત કરવા, પાણી સંગ્રહ ક્ષમતા વધારવા અને લીકેજ ઘટાડવા માટે વિવિધ ઘટકોના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં સમાન અને વિશ્વસનીય પાણી પુરવઠો ઉપલબ્ધ થશે.કુલ મળીને, વર્ષ–2025 દરમિયાન રાજ્યના શહેરી જળ સંસાધનોમાં થયેલો 92.97 એમએલડીનો વધારો અને 528.35 કિમી લાંબી ટ્રાન્સમિશન સિસ્ટમ્સનું વિસ્તરણ ગુજરાત સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ પહેલો દ્વારા રાજ્યના શહેરી નાગરિકોના જીવનસ્તર સુધારવા સાથે સાથે ગુજરાતને ટકાઉ અને આધુનિક શહેરી વિકાસના રાષ્ટ્રીય મોડેલ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગથિયું ભરાયું છે.