સુરેન્દ્રનગર-અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર વધતા અકસ્માતોમાં બે લોકોના મોત, સર્જાયો ભયનો માહોલ Nov 19, 2025 સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે, ખાસ કરીને અમદાવાદ–રાજકોટ નેશનલ હાઇવે હવે અકસ્માતનું હોટસ્પોટ બની ગયું છે. હાઇવે પર બેફામ દોડતા ડમ્પર અને ટ્રક ચાલકો નાના વાહનચાલકો માટે ગંભીર જોખમ સર્જી રહ્યા છે, જેના કારણે આજે ફરી બે લોકોના મોત નિપજ્યા.પ્રથમ બનાવ દેવપરા ગામની નજીક સર્જાયો, જ્યાં મોમાઈ હોટલ પાસે નેશનલ હાઈવે-47 પર ઉભેલા ડમ્પરની પાછળ બાઈક અથડાતા અજીમભાઈ ઇમામભાઈ મલેકનું ઘટનાસ્થળે જ મોત થયું. અજીમભાઈ ઉદેલ ગામે દરગાહે દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની. ડમ્પર ચાલકે કોઈ સિગ્નલ આપ્યા વગર વાહન ત્રીજી લેનમાં ઉભું રાખ્યું હતું, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો. પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.બીજી ઘટના ચોટીલા નજીક બની, જ્યાં અજાણ્યા ટ્રક ચાલકે અચાનક લેન બદલી દેતા ફોર્ચ્યુનર ગાડી ટ્રકની પાછળ જઈ અથડાઈ હતી. આ અકસ્માતમાં મનુભાઈ પાંચાભાઈ શીયાળને ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું. ગાડીમાં રહેલા અન્ય બે લોકોને પણ ઈજાઓ પહોંચી છે. અકસ્માત સર્જનાર ટ્રકચાલક ફરાર થઈ ગયો છે અને તેની શોધખોળ ચાલુ છે.આ બંને ગંભીર અકસ્માતો બાદ સ્થાનિકોમાં ભારે રોષ છે. લોકોની માંગ છે કે હાઇવે પર દોડતા ઓવરલોડ અને બેફામ વાહનો સામે કડક કાર્યવાહી થાય, જેથી સતત વધી રહેલા અકસ્માતોમાં ઘટાડો થઈ શકે. Previous Post Next Post