દંપતીનાં રહસ્યમય મોત મામલે મુખ્ય ભૂમિકામાં રહેલા યુવાનનું પોલીસ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન નોંધાયું Nov 19, 2025 રાજકોટના જામનગર રોડ નજીક નાગેશ્વર વિસ્તારમાં બનેલી તૃષાબેનની હત્યા અને તેમના પતિ લાલજીભાઈ પઢીયારના આપઘાતની ઘટનામાં કેન્દ્રસ્થાન ધરાવતા વિશાલ ગોહેલનું ગાંધીગ્રામ પોલીસે નિવેદન નોંધ્યું છે. પોલીસે મેળવેલી માહિતી મુજબ વિશાલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે તૃષાબેન પતિ સાથે ચાલી રહેલા વિવાદ અંગે તેની સાથે ચર્ચા કરતી હતી અને સંબંધિયું હોવાને કારણે તેમના ઘરે તેની અવરજવર રહેતી હતી. જોકે, તેણે તૃષાબેન સાથે કોઈ પ્રકારના વ્યક્તિગત સંબંધો હોવાનો ઇન્કાર કર્યો છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તૃષાબેનનો વિશાલ સાથે આડા સંબંધનો શંકાસ્પદ મુદ્દો લાંબા સમયથી કૌટુંબિક તણાવનું કારણ બન્યો હતો. પતિ-પત્ની વચ્ચે સતત મતભેદ રહેતા હતા અને તૃષાબેન દોઢેક મહિનાથી ઘર છોડીને બહેનપણીના ઘરે રહેવા ગઈ હતી. લાલજીભાઈ વારંવાર તેને ઘરે પાછી લાવવા પ્રયત્ન કરતા હતા, પરંતુ તે તૈયાર ન થતાં મતભેદો વધુ ઉગ્ર બન્યા હતા.ઘટનાના દિવસે રોષે ભરાયેલા લાલજીભાઈએ લાયસન્સવાળી પિસ્તોલથી તૃષાબેન પર ફાયરિંગ કર્યું હતું, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ કૃત્ય બાદ લાલજીભાઈએ પોતાને જ ગોળી મારી આપઘાત કરી લીધો હતો. ઘટનાએ પરિવારના તણાવ અને શંકાસ્પદ સંબંધોના કારણે સર્જાયેલા કરૂણ અંતનો ખુલાસો કર્યો છે. ગાંધીગ્રામ પોલીસ સમગ્ર પ્રકરણમાં સંકળાયેલા તમામ લોકોના નિવેદનો લઈને વધુ તપાસ આગળ વધારી રહી છે. Previous Post Next Post