‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’નો ધમાલ: 64 કરોડની કમાણી સાથે ગુજરાતી સિનેમાની સૌથી મોટી હિટ Nov 19, 2025 દિવાળી પર રિલીઝ થયેલી ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મે આજે સમગ્ર ગુજરાતી સિનેમામાં ધૂમ મચાવી છે. રિલીઝના છ સપ્તાહ બાદ પણ આ ફિલ્મનો જોર યથાવત છે અને અનેક શહેરોમાં હજુ પણ શો હાઉસફૂલ ચાલી રહ્યા છે. ભક્તિભાવથી ભરપૂર કહાની અને પ્રસ્તુતિને કારણે દર્શકોમાં ફિલ્મ માટે ભારે ભાવનાત્મક જોડાણ જોવા મળી રહ્યું છે અને તેની અસર બોક્સ ઓફિસ પર સ્પષ્ટ દેખાઈ રહી છે.ફિલ્મે છઠ્ઠા રવિવારે ₹7.25 કરોડની કમાણી કરી હતી, જ્યારે વીકેન્ડ દરમિયાન કુલ ₹15.25 કરોડનો બિઝનેસ નોંધાયો હતો. સામાન્ય રીતે છઠ્ઠા અઠવાડિયા સુધી પહોંચતા કોઈ ફિલ્મની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે, પરંતુ લાલોની કમાણીમાં ગયા અઠવાડિયા કરતાં માત્ર 15 ટકા જેટલો જ ઘટાડો નોંધાયો હતો, જે ગુજરાતી સિનેમાથી સંકળાયેલી કોઈ પણ ફિલ્મ માટે મોટી સિદ્ધિ ગણાય છે.ફિલ્મે અત્યાર સુધીમાં કુલ ₹64 કરોડની કમાણી કરી છે અને આ કમાણી સાથે ‘લાલો’ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ હવે માત્ર કંતારા, બાહુબલી 2, પુષ્પા 2 અને છાવા જેવી રાષ્ટ્રીય સ્તરની સુપરહિટ ફિલ્મોથી જ પાછળ છે. ગુજરાતીને આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન અપાવનારી આ પ્રથમ ફિલ્મ બની હોવાનો ગૌરવ પણ ‘લાલો’ને મળ્યો છે.‘ચાલ જીવી લઈએ’ પછી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ તરીકે લાલોએ નવો ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધી ગુજરાતી સિનેમાની એવી સ્થિતિ હતી કે સમગ્ર ઈન્ડસ્ટ્રી મળીને આખું વર્ષ પણ ₹100 કરોડનો બિજનેસ કરવામાં સફળ નહોતી થઈ શકતી, જ્યારે હવે માત્ર એક જ ફિલ્મ આ લક્ષ્ય પાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ના અભૂતપૂર્વ સફળ પ્રદર્શનથી ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી રહી છે અને ઉદ્યોગ માટે નવી આશાઓ પેદા થઈ છે. Previous Post Next Post