સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને પોશીનામાં જળસંકટ ઘેરાયું: તળાવો સુકાતાં પીવાના પાણી અને પશુઓના ઘાસચારાની ચિંતા વધી Oct 23, 2026 સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના આદિવાસી વિસ્તારોમાં ચોમાસાની વિદાય બાદ જ પાણીની ગંભીર સમસ્યા ઊભી થવા લાગી છે. ચાલુ વર્ષે ઓછા અને અનિયમિત વરસાદને કારણે ઓક્ટોબર મહિનામાં જ અનેક તળાવો અને કુદરતી જળસ્રોતો સુકાઈ ગયા છે. પરિણામે સ્થાનિક રહેવાસીઓમાં આગામી ઉનાળામાં પીવાના પાણીની અછત સર્જાવાની ચિંતા વધી છે.ખેડબ્રહ્મા તાલુકાનાં ચાંગોદ, સૂકાઆંબા, રતનપુર, બાવળ કાંઠિયા, સેબલિયા સહિતનાં ગામો અને પોશીના તાલુકાનાં દોતડ, કોટડા, ચોલીયા, નવાગરા, દેમતી, માલવાસ, નાડા, દંત્રાલ, ટેટેબડા, દેડકા તથા પોલાપાણ જેવા વિસ્તારોમાં વરસાદની ઘટની અસર જોવા મળી રહી છે. સામાન્ય રીતે ઉનાળા સુધી પાણીથી ભરેલાં રહેતાં તળાવો આ વર્ષે વહેલાં સુકાઈ ગયાં છે. વિસ્તારનું મહત્વનું કોલંદ તળાવ પણ ખાલી થઈ જતાં સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે.તળાવોમાં પાણી ઘટવાથી ભૂગર્ભજળનું સ્તર પણ નીચે જવાની ચિંતા છે. કૂવા અને બોરવેલમાં પાણીની ઉપલબ્ધતા ઘટતાં ગ્રામજનોના દૈનિક જીવન ઉપરાંત રવિ પાકની ખેતી પર પણ અસર થવાની શક્યતા છે.બીજી તરફ, પશુપાલકો માટે ઘાસચારાની અછત ગંભીર સમસ્યા બની રહી છે. સીમ અને ગોચરમાં લીલો ચારો સુકાઈ જતાં પશુઓ માટે ખોરાકની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની છે. પાણી અને ઘાસચારાની અછતથી દૂધ ઉત્પાદન ઘટવાની તેમજ પશુધનને નુકસાન થવાની ભીતિ છે.સ્થિતિને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત ગામોમાં પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની સમયસર વ્યવસ્થા કરવી જરૂરી બની છે. તળાવોમાં પાણી પહોંચાડવા સહિતનાં આગોતરાં પગલાં લેવામાં નહીં આવે તો આગામી ઉનાળામાં સંકટ વધુ ઘેરું બની શકે છે. સ્થાનિક પરિવારોના પશુપાલન અને ખેતી આધારિત જીવન પર પણ તેની ગંભીર અસર પડવાની શક્યતા છે. Previous Post Next Post