સૌરાષ્ટ્ર–ગુજરાતમાં શિયાળાનો પ્રભાવ વધી રહ્યો, ગિરનાર પર 7 ડિગ્રી સાથે લોકોને તીવ્ર ઠંડીનો અનુભવ થયો. Nov 19, 2025 સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં શિયાળાએ હવે જોરદાર ઠંડીનો પ્રારંભ કરી દીધો છે. ખાસ કરીને ઉત્તર–પૂર્વ તરફથી આવતા ઠંડા પવનોના કારણે છેલ્લા બે–ત્રણ દિવસથી તાપમાન સતત નીચે સરકી રહ્યું છે. દાહોદમાં આજે 9.9 ડિગ્રી, નલિયામાં 10 ડિગ્રી, જ્યારે રાજકોટ અને જામનગરમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું.સૌથી વધારે ઠંડીનું કેન્દ્ર રહ્યા ગિરનાર પર્વત, જ્યાં આજે પારો 7 ડિગ્રી સુધી નીચે ઉતરતાં પ્રવાસીઓ ઠુંઠવાયા હતા. જુનાગઢમાં 11.8, અમરેલીમાં 11 ડિગ્રી નજીક તાપમાન જોવા મળ્યું. ઘણા વિસ્તારોમાં બપોરે હુંફાળું વાતાવરણ હોવા છતાં સવારે અને રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થયો.જામનગરમાં પણ ઠંડીનો મિજાજ વધ્યો છે અને તાપમાન 12 ડિગ્રી સુધી નીચે ઉતરતા આખો દિવસ ઠંડકનો માહોલ રહ્યો. મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં 28.5 ડિગ્રી નોંધાયું. ઠંડાના કારણે સવારના વોકર્સ, કરસરતમાં જોડાયેલા લોકો અને આયુર્વેદિક ગરમ પીણાંની માંગમાં વધારો નોંધાયો છે. બાળકો અને કામધંધે નીકળતા લોકો હવે ગરમ કપડાં પર આધાર રાખવા મજબૂર બન્યા છે.ભાવનગર, અમદાવાદ, વડોદરા, ભુજ, દિવ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં પણ લઘુત્તમ તાપમાન 13 થી 16 ડિગ્રી વચ્ચે નોંધાયું. પવનની ગતિ અને ભેજના પ્રમાણમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ વધુ તેજ બન્યો છે.હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે અને ડિસેમ્બરથી તીવ્ર શિયાળાનો રાઉન્ડ શરૂ થશે. ખેડૂતો માટે આ ઠંડી રવિ પાક માટે લાભદાયક સાબિત થઈ રહી છે, જ્યારે સામાન્ય લોકો માટે કડકડતી ઠંડીનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. Previous Post Next Post