દબાણો વેપારીઓના હોય કે ફેરીયાઓના, હવે એકસાથે દૂર કરાશે: કમિશનર તુષાર સુમેરાનો કડક હુકમ Dec 23, 2025 શહેરના વ્યસ્ત લાખાજીરાજ રોડ પર લાંબા સમયથી ચાલતા દબાણના પ્રશ્નને લઈ આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ દ્વારા બંધ પાડી રજૂઆત કરવામાં આવતા, ધારાસભ્યો અને કોર્પોરેટરની હાજરીમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હવે દબાણ વેપારીઓનું હોય કે ફેરીયાઓનું — તમામ દબાણો એકસાથે દૂર કરવામાં આવશે.ભૂતકાળમાં થયેલા વિવાદો અને રજૂઆતોને ધ્યાનમાં લઈ કમિશનરે દુકાનદારો પાસેથી સહકારની ખાતરી લીધી હતી. ત્યારબાદ મિટિંગ દરમિયાન જ દબાણ હટાવ વિભાગને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવા આદેશ અપાયો હતો. અગાઉ જેમ કેટલાક વેપારીઓ કાર્યવાહી સામે વાંધા ઉઠાવતા હતા, તેવી સ્થિતિ હવે ન બને તે માટે પણ ખાતરી લેવાઈ હતી. આસપાસના વિસ્તારોમાં પણ સંયુક્ત ડ્રાઇવકમિશનરે જણાવ્યું કે, માત્ર લાખાજીરાજ રોડ નહીં પરંતુ તેની આસપાસના તમામ માર્ગો પર પણ સંયુક્ત રીતે ડ્રાઇવ ચલાવવામાં આવશે. અત્યાર સુધી ફેરીયાઓ ડ્રાઇવ સમયે નજીકના રોડ પર ખસી જતા અને ટીમ જતા જ પરત આવી જતા હતા, તે સ્થિતિ હવે સમાપ્ત કરાશે. આ માટે રોડ બ્લોક કરીને વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જરૂર પડ્યે પોલીસ બંદોબસ્ત વધારવા પોલીસ કમિશનરને પત્ર લખાશે. વેપારીઓએ ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, ઘી કાંટા રોડ, જૂની ખડપીઠ, કડીયા નવલાઇન સહિતના વિસ્તારોમાં પણ આ જ રીતે દબાણ હટાવવા માંગણી કરી હતી, જેને કમિશનરે યોગ્ય ગણાવી. વેપારીઓની ફરિયાદ: પહેલાં દબાણકારો પર કાર્યવાહી કરોવેપારીઓએ ફરિયાદ કરી કે, અગાઉની ડ્રાઇવ દરમિયાન તહેવાર સમયે દુકાનદારોનો માલ જપ્ત કરાયો હતો, જેના કારણે લાખોનું નુકસાન થયું. રવિવારી બજારમાં મોબાઇલ ચોરી અને ખિસ્સાકાપ જેવી ઘટનાઓ પણ વધી રહી છે. તેથી નવી કાર્યવાહી દરમિયાન સૌપ્રથમ દબાણકારોના પથારા અને રેડીઓ જપ્ત કરવા માંગ કરી. કાયમી ઉકેલ માટે એકતા જરૂરી: નેહલ શુક્લવોર્ડ નં.7ના કોર્પોરેટર ડો. નેહલ શુક્લે જણાવ્યું કે, આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા વેપારીઓ વચ્ચે એકતા જરૂરી છે. વેપારીઓએ સ્વખર્ચે પોલીસ બંદોબસ્ત રાખવાની માંગણી પણ કરી હતી, જેમાં શરૂઆતમાં રૂ.1.11 લાખ ખર્ચ આપવાની તૈયારી કોર્પોરેટરે દર્શાવી હતી. જોકે, કાયમી બંદોબસ્ત શક્ય ન હોવાથી, તંત્રને સહકાર આપવો એ જ શ્રેષ્ઠ ઉકેલ હોવાનું તેમણે જણાવ્યું. ધારાસભ્યોનો સહયોગલાખાજીરાજ રોડ વિધાનસભા-69 અને 70માં આવતો હોવાથી ધારાસભ્યો રમેશભાઇ ટીલાળા અને દર્શિતાબેન શાહે કમિશનર સાથે ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું કે, જુના રાજકોટના તમામ વેપારી વિસ્તારોમાં નિયમિત ડ્રાઇવ ચાલશે તો પ્રશ્ન હલ થશે. ફેરીયાઓ માટે વૈકલ્પિક જગ્યા ઉપલબ્ધ કરાવવાની સંભાવનાની પણ ચર્ચા થઈ છે.બહારગામ રહેલા ધારાસભ્ય ઉદય કાનગડે પણ દબાણ દૂર કરવા કમિશનર સાથે વાત કરી હોવાની માહિતી આપી. કુલ મળીને, જુના રાજકોટના વેપારી વિસ્તારોમાંથી દબાણો દૂર કરવા ત્રણે ધારાસભ્યો દ્વારા સક્રિય રસ લેવાઈ રહ્યો છે. તાત્કાલિક કામગીરી શરૂવેપારીઓએ ધારાસભ્યો અને કોર્પોરેટરની હાજરીમાં કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. સૂત્રોચ્ચાર સાથે મહાપાલિકાએ પહોંચેલા વેપારીઓની માંગણીને ધ્યાને લઈ કમિશનરે તાત્કાલિક વિભાગને કામગીરી શરૂ કરવા આદેશ આપતા દબાણ હટાવ કામગીરી હવે તીવ્ર બનશે તેવું સ્પષ્ટ થયું છે. Previous Post Next Post