‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને વિશ્વવિખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે અવસાન Dec 18, 2025 ભારતની શિલ્પકલા જગત માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને જાણીતા મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે અવસાન થયું છે. બુધવાર, 17 ડિસેમ્બરની મોડી રાત્રે તેમણે નોઈડા સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી વયસંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમના નિધનથી ભારતે એક મહાન કલાકાર, વિચારક અને શિલ્પકલા ક્ષેત્રના સ્તંભને ગુમાવ્યો છે.રામ સુતારના પુત્ર અનિલ સુતારે ગુરુવારે (18 ડિસેમ્બર) આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, “ઘણી પીડા સાથે અમે જણાવીએ છીએ કે મારા પિતા શ્રીરામ વણજી સુતારનું 17 ડિસેમ્બરની મધ્યરાત્રે અમારા ઘરે શાંતિપૂર્વક અવસાન થયું.” તેમના નિધનના સમાચાર પ્રસરી જતા દેશ-વિદેશમાંથી કલાકારો, રાજકારણીઓ અને સંસ્કૃતિપ્રેમીઓએ શોક વ્યક્ત કર્યો છે. સાદા પરિવારમાંથી વિશ્વસ્તરીય શિલ્પકાર બનવાની સફરરામ સુતારનો જન્મ 19 ફેબ્રુઆરી, 1925ના રોજ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના ગોંડુર ગામમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમને શિલ્પ અને કલા પ્રત્યે વિશેષ રસ હતો. માટી, પથ્થર અને ધાતુ સાથે રમતાં રમતાં તેમણે પોતાની પ્રતિભાને ઘડવાની શરૂઆત કરી હતી. તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં તેમની પ્રતિભા અને મહેનત તેમને ઊંચાઈએ લઈ ગઈ.શિલ્પકળામાં ઔપચારિક શિક્ષણ મેળવવા માટે તેમણે મુંબઈની પ્રખ્યાત જેજે સ્કૂલ ઑફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. અહીંથી તેઓ ગોલ્ડ મેડલિસ્ટ તરીકે પાસ થયા, જે તેમની અસાધારણ પ્રતિભાનો પુરાવો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે પોતાની અનોખી શૈલી અને વિચારસરણીથી ભારતીય શિલ્પકળાને નવી ઓળખ આપી. રામ સુતારની અમર કૃતિઓરામ સુતારના નામે અનેક ઐતિહાસિક અને પ્રેરણાદાયી શિલ્પો નોંધાયેલા છે. દિલ્હીના સંસદ ભવન સંકુલમાં ધ્યાન મુદ્રામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અને ઘોડા પર સવાર છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા તેમની શ્રેષ્ઠ કૃતિઓમાં ગણાય છે. આ શિલ્પો માત્ર કલા નથી, પરંતુ ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતીક છે.તેમની સૌથી મોટી અને વિશ્વપ્રખ્યાત કૃતિ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થિત ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ છે. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત આ પ્રતિમા 182 મીટર ઊંચી છે અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ઓળખાય છે. આ મહાકાય શિલ્પની ડિઝાઈન તૈયાર કરવાનો ગૌરવ રામ સુતારને મળ્યો હતો, જે તેમની કલાત્મક દૃષ્ટિ અને અનુભવનો ઉત્તમ ઉદાહરણ છે. પુરસ્કારો અને સન્માનરામ સુતારના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. 1999માં તેમને પદ્મશ્રી અને 2016માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તાજેતરમાં તેમને મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યના સર્વોચ્ચ સન્માન ‘મહારાષ્ટ્ર ભૂષણ’ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. કલા જગતને ન પૂરી શકાય તેવી ખોટ100 વર્ષની દીર્ઘ આયુષ્યમાં રામ સુતારે માત્ર શિલ્પો નહીં, પરંતુ પેઢીદર પેઢી માટે પ્રેરણા છોડી છે. તેમની કલા દેશભક્તિ, સંસ્કૃતિ અને માનવ મૂલ્યોને વ્યક્ત કરે છે. તેમના અવસાનથી શિલ્પકલા જગતમાં એવી ખોટ પડી છે, જે સહેલાઈથી પૂરી થઈ શકે તેવી નથી.રામ સુતાર ભલે આજે આપણા વચ્ચે ન હોય, પરંતુ તેમની રચનાઓ, વિચારો અને કલા આવનારી અનેક પેઢીઓ સુધી જીવંત રહેશે. તેઓ સદાય ભારતીય શિલ્પકલા ના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલા રહેશે. Previous Post Next Post