અમદાવાદમાં ટ્રાવેલ્સ એજન્ટની છેતરપિંડી: દીકરીના પ્રસંગ માટે બુક કરાવેલી બે લક્ઝરી બસ છેલ્લી ઘડીએ રદ, વેપારી પાસેથી 34 હજાર વધારાના વસૂલ

અમદાવાદમાં ટ્રાવેલ્સ એજન્ટની છેતરપિંડી: દીકરીના પ્રસંગ માટે બુક કરાવેલી બે લક્ઝરી બસ છેલ્લી ઘડીએ રદ, વેપારી પાસેથી 34 હજાર વધારાના વસૂલ

અમદાવાદ શહેરમાં ટ્રાવેલ્સ એજન્ટ દ્વારા મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જેમાં દીકરીના લગ્ન પ્રસંગે મહેમાનોને સંતરામપુર લઈ જવા બે લક્ઝરી બસ બુક કરાવનાર એક કાપડ વેપારીને અંતિમ ક્ષણે ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સરખેજ વિસ્તારમાં રહેતા ફરિયાદી જીયાઉદ્દીન સૈયદે દીકરીના લગ્ન બાદ મહેમાનોને લઈ જવા માટે ‘હની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ’ના સંચાલક વિમલ રજનીકાંત પંચાલ ઉપર વિશ્વાસ મૂકીને બસો બુક કરાવી હતી, પરંતુ એજન્ટે પહેલેથી નક્કી કરેલુ ભાડું બદલીને વધુ રકમ વસૂલ કરી અને ત્યારબાદ પણ બસ ન મોકલતાં આખો કાર્યક્રમ બગાડવાની નોબત આવી ગઈ હતી.

આગામી કાર્યક્રમને સુચારુ બનાવવા માટે ફરિયાદીએ પાંચ નવેમ્બરથી જ બસોની બુકિંગ પ્રક્રિયા શરૂ કરી હતી. વિમલ પંચાલે બે લક્ઝરી બસનું કુલ ભાડું રૂપિયા 26,000 નક્કી કર્યું હતું અને એની એડવાન્સ તરીકે રૂપિયા 15,000 પણ લઈ લીધા હતા. વેપારીને વિશ્વાસ હતો કે લાંબા સમયથી ચાલી રહેલી આ ટ્રાવેલ્સ કંપની પ્રસંગને નિરાંતે પાર પાડશે, પરંતુ ઘટનાક્રમ બિલકુલ વિરુદ્ધ રહ્યો. પ્રસંગના અમુક કલાકો પહેલાંથી જ વેપારી વારંવાર ફોન કરે છતાં ટ્રાવેલ્સ સંચાલકનો કોઈ જવાબ મળી રહ્યો ન હતો.

નિર્ધારિત દિવસે બપોરે બસ આવવાની હતી, ત્યારે વેપારીને કોઈ માહિતી મળતી ન હોવાથી ચિંતાની લાગણી વધી રહી હતી. ફોન ન લગતા અંતે વિમલ પંચાલે વેપારીને નિરંજન જૈન નામના અજાણ્યા વ્યક્તિનો સંપર્ક કરવા જણાવ્યું. વેપારીને આશા હતી કે કદાચ આ વ્યક્તિ દ્વારા સમસ્યા ઉકેલાઈ જશે, પરંતુ ત્યાંથી સમસ્યા વધુ ગંભીર બની. સાંજે ચાર વાગ્યે મહાવીર ટ્રાવેલ્સ તરફથી માત્ર એક જ બસ મોકલવામાં આવી, જ્યારે બે બસોની જરૂરિયાત હતી. મહેમાનોનું પ્રમાણ વધારે હોવાથી એક બસ પૂરતી ન હતી.

નિરંજન જૈને ફોન પર વેપારીને સ્પષ્ટ કહી દીધું કે બે બસનું ભાડું રૂપિયા 41,660 થાય છે અને પહેલેથી નક્કી કરાયેલ રકમ માન્ય નહીં ગણાય. જો વેપારી વધારાની રકમ નહીં ચૂકવે તો આવેલી એકમાત્ર બસમાંથી પણ મહેમાનોને ઉતારી દેવાની ધમકી આપવામાં આવી. દીકરીના લગ્ન બાદના પ્રસંગમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન થાય તે માટે વેપારી મજબૂરીમાં તૈયાર થયો. તેણે ડ્રાઈવરને રોકડા રૂપિયા 25,000 તથા ગૂગલ પે દ્વારા રૂપિયા 9,000 મળીને કુલ 34,000 રૂપિયા વધારાના ચૂકવી દીધા, જે નક્કી કરેલા મૂળ ભાડાથી ઘણી વધારે હતી. આ રકમ ચૂકવ્યા બાદ ફરિયાદીને ખાતરી હતી કે હવે બીજી બસ પણ મોકલાશે, પરંતુ નિરંજન જૈન દ્વારા આપેલો આ વાયદો પણ ખોટો નીવડ્યો. લગભગ એક કલાક સુધી રાહ જોવાં છતાં બીજી બસ મોકલવામાં આવી ન હતી.

આ આખી પરિસ્થિતિમાં બાકી રહેલા મહેમાનોને સંતરામપુર મોકલવા માટે વેપારીએ પોતાના ખર્ચે નાના ખાનગી વાહનો ભાડે કર્યા, જેથી પ્રસંગ સંપૂર્ણપણે બગડે નહીં. પરંતુ આ આખા ઘટનાક્રમે વેપારીને આર્થિક નુકસાન, માનસિક તણાવ અને મહેમાનો સામે શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. વેપારી દ્વારા ફરી ફોન કરીને રકમ પરત માંગવામાં આવી ત્યારે ટ્રાવેલ્સ સંચાલક વિમલ પંચાલે ગાળો બોલી અને ખોટા વાયદા કરીને રકમ પરત ન કરવાની વાત કહી દીધી.

આ બધાં પ્રસંગો બાદ ફરિયાદી જીયાઉદ્દીન સૈયદે વિમલ રજનીકાંત પંચાલ અને નિરંજન જૈન સામે છેતરપિંડી, ધમકી તથા વધારાના ભાડા વસૂલીને નુકસાન પહોંચાડ્યાની કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ તપાસમાં બંને આરોપીઓની ભૂમિકા, આર્થિક લેવડ-દેવડના પુરાવા, બસ બુકિંગના કરાર અને કોલ રેકોર્ડિંગ સહિતના તથ્યોની વિગતો મેળવવામાં આવી રહી છે.

જ્યાં એક બાજુ લગ્ન જેવા શુભ પ્રસંગે આવા બનાવો લોકો માટે ભારે મુશ્કેલી ઉભી કરે છે, ત્યાં બીજી બાજુ ટ્રાવેલ્સ વ્યવસાય અંગે પણ નાગરિકોમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરે છે. વેપારીના મતે, વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અને બુક કરાયેલા વાહનો ન મોકલી વધુ રકમ વસૂલ કરવી એ સ્પષ્ટ છેતરપિંડી છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી બાદ આ પ્રકારની છેતરપિંડીની ઘટનાઓ સામે કડક પગલા લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ