વોર્ડ નં.15માં સર્વિસ રોડ અને ડાયવર્ઝનની માંગ: અધિક કલેક્ટરને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર સુપ્રત Nov 18, 2025 રાજકોટ શહેરના વોર્ડ નંબર 15માં આજીડેમ ચોકડીથી કોઠારીયા (હુડકો) ચોકડી વચ્ચે લાંબા સમયથી ખરાબ હાલતમાં રહેલા રસ્તાઓ અને વધતા અકસ્માતોને લઈને સ્થાનિક રહેવાસીઓએ ફરી તંત્ર સામે અવાજ ઉઠાવ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઈ તથા કોંગ્રેસ અગ્રણી રણજીતભાઈ મુંધવાની આગેવાની હેઠળ પ્રજાજનો દ્વારા આજે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદનમાં જણાવ્યા મુજબ વોર્ડ નં.15માં આવેલા કે.પી. ઇન્ડસ્ટ્રીઝ ઝોન, એન.બી. ઇન્ડસ્ટ્રી ઝોન, રામનાથ ઇન્ડસ્ટ્રી, આદિત્ય ઇન્ડસ્ટ્રી, કિશાન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, મારૂતિ ઇન્ડસ્ટ્રી સહિતના ઔદ્યોગિક વિસ્તારો તેમજ શિવધારા પાર્ક, મુકેશ પાર્ક, રાધાકૃષ્ણ સોસાયટી અને હાઇવે સામે આવેલા અન્ય વિસ્તારોના લોકો માટે હાલની માર્ગવ્યવસ્થા મોટી મુશ્કેલી બની છે.ખરાબ રસ્તાઓ, અપૂરતા ડાયવર્ઝન અને સર્વિસ રોડ ન હોવાને કારણે વાહનવ્યવહાર જોખમી બન્યો છે અને અકસ્માતોના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ખોખળદડ નદીના પુલ પર મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થવાથી વિસ્તારમાં લોકો માટે કાયમી તકલીફ સર્જાઈ રહી છે.આ પરિસ્થિતિને ધ્યાને લઈ કાયમી સર્વિસ રોડ, યોગ્ય ડાયવર્ઝન અને માર્ગ સુધારણા કાર્ય તાત્કાલિક હાથ ધરવા માંગણી કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે સતત રજૂઆત છતાં તંત્ર દ્વારા હજી સુધી અસરકારક પગલા લેવામાં આવ્યા નથી, તેથી હવે તાત્કાલિક હસ્તક્ષેપ અનિવાર્ય બની ગયો છે. Previous Post Next Post